L.K. Advani Birthday: PM મોદીએ વિશેષ લેખ લખીને લાલકૃષ્ણ આડવાણીના યોગદાનને યાદ કર્યું


PM Narendra Modi pens article LK Advani birthday લાલકૃષ્ણ આડવાણી
L.K. Advani Birthday: PM મોદીએ વિશેષ લેખ લખીને લાલકૃષ્ણ આડવાણીના યોગદાનને યાદ કર્યું


PM Narendra Modi pens article LK Advani birthday લાલકૃષ્ણ આડવાણી
L.K. Advani Birthday: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી 8 નવેમ્બર 2026ના રોજ 99 વર્ષના થયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવવાની સાથે એક વિશેષ લેખ લખીને દેશ અને ભારતીય જનતા પાર્ટીના નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. લેખમાં PM મોદીએ આડવાણીના જાહેર જીવન, વૈચારિક સ્પષ્ટતા, સંગઠનાત્મક ક્ષમતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથેના લાંબા રાજકીય સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને 1991માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણયને તેમણે આડવાણી માટે 'ઘરવાપસી' સમાન ગણાવ્યો હતો.
વિભાજનની પીડા બાદ શૂન્યમાંથી જીવનની શરૂઆત
PM મોદીએ લેખમાં જણાવ્યું હતું કે લાલકૃષ્ણ આડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ દેવ દિવાળીના દિવસે થયો હતો. 1947માં દેશના ભાગલા દરમિયાન તેમને સિંધમાં પોતાનું ઘર અને પરિચિત વાતાવરણ છોડવું પડ્યું હતું. જીવનમાં આવેલા આ મોટા પરિવર્તન છતાં તેમના મનમાં ક્યારેય કડવાશ કે અફસોસ રહ્યો નહીં. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નવેસરથી શરૂઆત કરવાનો તેમનો સંકલ્પ જીવનભર જળવાઈ રહ્યો હતો.
વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, આ જ સંકલ્પ જનસંઘને મજબૂત બનાવવામાં અને બાદમાં ભારતીય જનતા પાર્ટીના નિર્માણમાં જોવા મળ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશની રાજનીતિમાં મોટા ફેરફારો થયા હતા. મોદીએ 1989માં કોંગ્રેસની બેઠકો ઘટવા અને 1996માં ભાજપ દેશના સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
વૈચારિક સ્પષ્ટતા અને સંગઠન નિર્માણની ક્ષમતા
લેખમાં PM મોદીએ આડવાણીના વ્યક્તિત્વની બે વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો હતો. પ્રથમ તેમની વૈચારિક સ્પષ્ટતા અને બૌદ્ધિક ક્ષમતા હતી. તેમના ભાષણો, લેખન, ઇન્ટરવ્યૂ અને જનસંઘ-ભાજપ માટે તૈયાર કરેલા પ્રસ્તાવોમાં આ ગુણ સ્પષ્ટ દેખાતો હોવાનું મોદીએ જણાવ્યું હતું.
બીજી વિશેષતા તરીકે તેમણે ભારતીય રાજનીતિમાં લાંબા સમયથી પ્રચલિત રહેલી 'છદ્મ ધર્મનિરપેક્ષતા' અંગે આડવાણીના સ્પષ્ટ અને નિર્ભય વલણનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીના મતે, આડવાણીએ આ મુદ્દાને દેશના રાજકીય ચર્ચા-વિમર્શમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું હતું.
અટલ બિહારી વાજપેયી સાથેની અનોખી રાજકીય ભાગીદારી
PM મોદીએ આડવાણી અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના લાંબા સંબંધોને ભારતીય રાજનીતિની વિશેષ મિસાલ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આડવાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે શરૂઆતમાં રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ તેઓ દિલ્હી આવ્યા, જ્યાં તેમને અટલ બિહારી વાજપેયી સાથે કામ કરવાની તક મળી.
મોદીએ લખ્યું હતું કે બંને નેતાઓએ પાંચથી છ દાયકા સુધી સાથે કામ કર્યું હતું. રાજકીય પરિસ્થિતિઓ અને બદલાતી મહત્વાકાંક્ષાઓ વચ્ચે પણ બંને વચ્ચેનો વિશ્વાસ અને પરસ્પર સન્માન જળવાઈ રહ્યો હતો. અટલ બિહારી વાજપેયીના જીવનના અંતિમ સમય સુધી તેમની આ ભાગીદારી ચાલુ રહી હતી.
દિલ્હીથી સંસદીય રાજનીતિ સુધીની સફર
લેખમાં જણાવ્યા મુજબ, વિભાજન બાદ જ્યારે આડવાણી દિલ્હી આવ્યા ત્યારે શહેર પોતે પણ વિભાજનની અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેમણે જનસંઘને મજબૂત બનાવવા માટે પોતાને સમર્પિત કર્યા હતા. 1967માં તેઓ દિલ્હી મહાનગર પરિષદના અધ્યક્ષ બન્યા હતા. આ દરમિયાન તેમણે મુખ્ય કાર્યકારી પાર्षદ બનેલા વિજય કુમાર મલ્હોત્રા સાથે કામ કર્યું હતું.
1970ના દાયકાથી તેમની સંસદીય સફર શરૂ થઈ હતી. બંને ગૃહોમાં વિપક્ષના નેતા તરીકે તેમજ સત્તાપક્ષમાં રહીને પણ તેમણે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. સંસદીય જવાબદારીઓ વચ્ચે તેઓ દેશના વિવિધ વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ કરતા રહ્યા હતા.
ગાંધીનગરથી ચૂંટણી લડવી ઘરવાપસી સમાન હતી
PM મોદીએ 1991ની લોકસભા ચૂંટણીની યાદો પણ લેખમાં તાજી કરી હતી. તે સમયે નક્કી થયું હતું કે લાલકૃષ્ણ આડવાણી બે લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે, જેમાં એક બેઠક ગાંધીનગરની હતી.
મોદીએ જણાવ્યું હતું કે આડવાણીનો ગુજરાત સાથે જૂનો સંબંધ રહ્યો છે. વિભાજન બાદ તેમના પિતા કચ્છમાં આવીને વસ્યા હતા. વર્ષ 1976માં કટોકટીના સમયગાળા દરમિયાન તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને 1991માં ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય તેમના માટે ઘરવાપસી જેવો અનુભવ હતો, એવું PM મોદીએ પોતાના લેખમાં જણાવ્યું હતું.




