ઓખા પોર્ટ પર ICGS ‘મીરા બેન’ને સૈન્ય સન્માન સાથે સેવા-મુક્તિ, 20 વર્ષથી વધુની શાનદાર સફરનો અંત

ICGS Meera Ben Decommissioned: ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS ‘મીરા બેન’ને ઓખા પોર્ટ ખાતે સમગ્ર સૈન્ય સન્માન સાથે સેવા-મુક્ત કરવામાં આવ્યું હતું.
Rupin Bakraniya
Rupin Bakraniya
ICGS Meera Ben DecommissionedICGS Meera Ben Decommissioned

ICGS Meera Ben Decommissioned

ICGS Meera Ben Decommissioned: ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS ‘મીરા બેન’ને ઓખા પોર્ટ ખાતે સમગ્ર સૈન્ય સન્માન સાથે સેવા-મુક્ત કરવામાં આવ્યું હતું. સૂર્યાસ્ત સમયે યોજાયેલા પરંપરાગત ‘સનસેટ સેરેમની’ દરમિયાન જહાજ પરથી છેલ્લી વખત કોસ્ટ ગાર્ડનો ધ્વજ ઉતારવામાં આવ્યો અને તેની બે દાયકાથી વધુ લાંબી શાનદાર સેવાકીય સફરનો ઔપચારિક અંત આવ્યો.

આ સમારોહની અધ્યક્ષતા કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15, ઓખાના કમાન્ડર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મંજીત સિંહ ગિલએ કરી હતી. જહાજના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડન્ટ (JG) થિંકલ થરાકાન સહિત ક્રૂ મેમ્બર, નાગરિક અને સૈન્ય અધિકારીઓ તેમજ ઓખામાં તૈનાત સ્થાનિક યુનિટોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગાર્ડ ઓફ ઓનર સાથે સમારોહની શરૂઆત

ICGS ‘મીરા બેન’ની સેવા-મુક્તિ સમારોહની શરૂઆત ભવ્ય ‘ગાર્ડ ઓફ ઓનર’ પરેડ સાથે થઈ હતી. સૂર્યાસ્ત સમયે જહાજ પરથી છેલ્લી વખત કોસ્ટ ગાર્ડનો એનસાઇન ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ ‘ડિકમિશનિંગ પેનન્ટ’ પણ નીચે ઉતારવામાં આવ્યો. આ ક્ષણ જહાજની સક્રિય સેવાના ઔપચારિક અંતનું પ્રતીક બની હતી. બે દાયકાથી વધુ સમય સુધી ICGS ‘મીરા બેન’એ રાષ્ટ્રધ્વજ અને ભારતીય કોસ્ટ ગાર્ડનો ધ્વજ ગૌરવ અને સન્માન સાથે ફરકાવ્યો હતો.

2006માં કોસ્ટ ગાર્ડમાં સામેલ થયું હતું જહાજ

ICGS ‘મીરા બેન’નું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને 25 જુલાઈ 2006ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જહાજ વોટર જેટ-પ્રોપેલ્ડ એક્સ્ટ્રા ફાસ્ટ પેટ્રોલ વેસલ (XFPV) શ્રેણીનું હતું. આ શ્રેણીના જહાજો તેમની ઝડપી ગતિ અને ઓપરેશનલ ક્ષમતા માટે જાણીતા છે.

મહાત્મા ગાંધીની શિષ્યા ‘મિરાબેન’ના નામ પરથી નામકરણ

ICGS ‘મીરા બેન’નું નામ મહાત્મા ગાંધીની સમર્પિત શિષ્યા મિરાબેનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મિરાબેન ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી અને મહાત્મા ગાંધીના વિચારો તથા આદર્શોથી પ્રભાવિત થઈ તેમણે પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમની અતૂટ નિષ્ઠા અને સમર્પણને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીએ તેમને સંત-કવયિત્રી મીરાબાઈના સન્માનમાં ‘મીરા’ નામ આપ્યું હતું.

કમાન્ડિંગ ઓફિસરે સોંપ્યો અંતિમ ડિકમિશનિંગ રિપોર્ટ

સમારોહ દરમિયાન જહાજના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડન્ટ (JG) થિંકલ થરાકાને ICGS ‘મીરા બેન’નો અંતિમ ડિકમિશનિંગ રિપોર્ટ કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15, ઓખાના કમાન્ડર DIG મંજીત સિંહ ગિલને સોંપ્યો હતો. આ સાથે જહાજની સક્રિય સેવા સત્તાવાર રીતે પૂર્ણ થઈ હતી.

દેશની દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન

સમારોહ દરમિયાન DIG મંજીત સિંહ ગિલે ICGS ‘મીરા બેન’ના બે દાયકાથી વધુના યોગદાનને યાદ કરીને જહાજ અને તેના ક્રૂ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે દેશના દરિયાઈ હિતો અને સુરક્ષાના રક્ષણમાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ જહાજ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. ICGS ‘મીરા બેન’ની સેવા-મુક્તિ સાથે ભારતીય કોસ્ટ ગાર્ડના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. ઓખા પોર્ટ પર યોજાયેલી આ સનસેટ સેરેમની દરમિયાન જહાજને સૈન્ય સન્માન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.