Get News Alerts

Never miss breaking news updates.

Nepal માં ગુમ 30 ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારની કવાયત તેજ, 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત

Nepal માં 29 ગુમ વ્યક્તિઓના પરિવારજનોના DNA સેમ્પલ પ્રોફાઇલિંગ અને ઓળખ માટે એકત્રિત ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનો માટે પણ પ્રક્રિયા હાથ ધરાઈ.
Vivek Shah
Vivek ShahUpdated on: 10 Sep 2026 10:29 AM IST
Nepal માં ગુમ 30 ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારની કવાયત તેજ, 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિતNepal માં ગુમ 30 ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારની કવાયત તેજ, 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત

Nepal Dna Test Missing Gujarati

Nepal માં આવેલા ભયાનક પૂરમાં ગૂમ થયેલા ગુજરાતનાં વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ડીએનએ (DNA) સેમ્પલ એકત્રિત કરવાની કામગિરી પુરી થવા આવી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, કુલ 30 લોકો નેપાળમાં પૂર પછી સંપર્ક વિહોણા છે.

આ 30 લોકોમાંથી 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પૂર્ણ કરી છે. બાકી રહેલા એક કેસમાં પણ પ્રક્રિયા ચાલી રહી છે. એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અચાનક આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામેલા લોકોના મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરી શકાય.

નિયુક્ત લેબોરેટરીઓ આવેલી હોવાથી રાજ્યના પરિવારોને અધિકૃત સુવિધાઓનો લાભ મળી રહ્યો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નેપાળ પૂરમાં ગુમ થયેલા ગુજરાતનાં વતનીઓ તેમજ વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની પડખે ઉભી છે અને તેમના પરિવારજનો અને સગાસંબંધીઓને જરૂરી તમામ સહાય અને સહકાર મળી રહે તે સુનિશ્ચિત કર્યું છે. સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) દ્વારા DNA સેમ્પલ એકત્ર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ગુમ થયેલા લોકોની ઓળખ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં પરિવારોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, ગુમ થયેલા લોકોના નજીકનાં (પ્રથમ-સ્તરનાં) પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરવા અને DNA પ્રોફાઇલિંગ માટે દેશભરમાં નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરીઓની ઓળખ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ અનુસાર, આ હેતુ માટે દેશભરમાં નિયુક્ત કરવામાં આવેલી તમામ લેબોરેટરીઓ DNA પ્રોફાઇલિંગની સેવા નિઃશુલ્ક આપશે. ગુજરાતમાં આવી છ નિયુક્ત લેબોરેટરીઓ આવેલી હોવાથી રાજ્યના પરિવારોને અધિકૃત સુવિધાઓનો લાભ મળી રહ્યો છે.

નેપાળમાં ઓળખ પ્રક્રિયા માટે જરૂરી માહિતીના સંકલનની કામગીરી

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર, વિદેશ મંત્રાલય (MEA) સાથે સંકલનમાં રહીને ભારતમાં એકત્ર કરવામાં આવેલા DNA સેમ્પલના પ્રોફાઇલિંગ તથા નેપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા સાથે તેના સંકલન અંગેની કામગીરી કરી રહી છે. ગુમ થયેલા લોકોનાં પરિવારજનોને વ્યક્તિગત માર્ગદર્શન અપાય છે, ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ NRGF દરેક ગુમ થયેલી વ્યક્તિના પરિવારજનોનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમને નિયુક્ત લેબોરેટરીઓ, ઉપલબ્ધ સુવિધાઓ તથા DNA સેમ્પલ એકત્ર કરવાની અને પ્રોફાઇલિંગની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યું છે.

NRGF વિદેશમાં રહેતા NRGs અને પરિવારજનોના પણ સંપર્કમાં છે અને તેમના સંબંધિત દેશોમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી મેળવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા તથા આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનોના કિસ્સામાં NRGF સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલ તથા ઓળખ પ્રક્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યું છે.આવા અનેક કિસ્સાઓમાં વિદેશમાં રહેતા પરિવારજનોના DNA સેમ્પલ સંબંધિત દેશોના સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પહેલેથી જ એકત્રિત કરવામાં આવ્યા છે. NRGF પરિવારો સાથે સતત સંપર્કમાં રહીને નેપાળમાં ઓળખ પ્રક્રિયા માટે જરૂરી માહિતીના સંકલનની કામગીરી કરી રહ્યું છે.

ગુમ થયેલા બિન-નિવાસી ગુજરાતીઓનાં પરિવારોનાં સતત સંપર્કમાં

એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ ખાતે આવેલી નિયુક્ત લેબોરેટરીઓ મારફતે કરવામાં આવી રહ્યું છે. વિદેશમાં રહેતા પરિવારજનોના સેમ્પલ તેમના સંબંધિત દેશોના સત્તાવાળાઓના સંકલનથી એકત્રિત કરવામાં આવ્યા છે. DNA પ્રોફાઇલિંગના અહેવાલો સંબંધિત લેબોરેટરીઓ દ્વારા નેપાળ સરકાર દ્વારા આ હેતુ માટે જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઇમેઇલ સરનામાં અને સંપર્ક નંબરો મારફતે સીધા નેપાળ સરકારને મોકલવામાં આવી રહ્યા છે.

પૂર બાદ ગુમ થયેલા અથવા સંપર્કવિહોણા થયેલા રાજ્યના લોકો તથા વિદેશમાં રહેતા ગુજરાતીઓને શોધવા માટે ગુજરાત સરકાર ભારત સરકાર અને નેપાળમાં કાર્યરત કોન્સ્યુલર સત્તાવાળાઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહી છે.

SEOC જિલ્લા વહીવટીતંત્ર અને NRGFના સંકલિત પ્રયાસો

આ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના પરિવારજનોને સહાય પહોંચાડવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC), જિલ્લા વહીવટીતંત્ર અને NRGF સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે. SEOC અને NRGF દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુમ થયેલા અને સંપર્કવિહોણા લોકોની યાદી પણ નેપાળ સરકારને આપવામાં આવી છે. નેપાળ સરકારે 26 ઓગસ્ટ, 2026ના રોજ ભોટ કોશી નદી વિસ્તારમાં આવેલા અચાનક પૂરમાં મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગની પ્રક્રિયા શરૂ કરી છે. આ દુર્ઘટનામાં સેંકડો લોકોનાં મોત થયા હતા, હજારો લોકો વિસ્થાપિત થયા હતા અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોના લોકો ગુમ થયેલા અથવા સંપર્કવિહોણા હોવાના અહેવાલો છે. આ પૈકીના કેટલાક લોકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ અને અલગ-અલગ માર્ગો મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા. DNA આધારિત ઓળખ પ્રક્રિયા દ્વારા મળી આવેલા માનવ અવશેષોને ગુજરાત, ભારતના અન્ય રાજ્યો તથા અન્ય દેશોના ગુમ થયેલા લોકો સાથે મેચ કરવામાં મદદ મળશે. આ પ્રક્રિયા થકી ગુમ થયેલા પરિવારજનોની સ્થિતિ અંગે તેમના પરિવારોને સત્તાવાર પુષ્ટિ મળી શકશે.

આ પણ વાંચો : Kutch : જખૌ રોડ પર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પથ્થરથી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.