ગુજરાતમાં દિવ્યાંગજનો માટે મોટી રાહત: હવે સાઇડકારવાળી મોટરસાઇકલના રજીસ્ટ્રેશનને મંજૂરી

Sidecar Motorcycle Registration Gujarat: ગુજરાતમાં શારીરિક તથા મનો-દિવ્યાંગજનો માટે ગતિશીલતા, સ્વાવલંબન અને સુરક્ષિત પરિવહનને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા...
Rupin Bakraniya
Rupin Bakraniya
Sidecar Motorcycle Registration GujaratSidecar Motorcycle Registration Gujarat

Sidecar Motorcycle Registration Gujarat

Sidecar Motorcycle Registration Gujarat: ગુજરાતમાં શારીરિક તથા મનો-દિવ્યાંગજનો માટે ગતિશીલતા, સ્વાવલંબન અને સુરક્ષિત પરિવહનને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સાઇડકાર જોડાયેલી મોટરસાઇકલના રજીસ્ટ્રેશન અને જરૂરી ફેરફારને મંજૂરી આપવા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોને વધુ સલામત, સરળ અને સન્માનપૂર્ણ મોબિલિટી ઉપલબ્ધ કરાવવાનો છે. રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે.

દિવ્યાંગજનો માટે વધશે ગતિશીલતા અને આત્મનિર્ભરતા

પરિપત્ર મુજબ શારીરિક દિવ્યાંગજનો માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શક ધોરણો અને સૂચનાઓને અનુસરીને સાઇડકારવાળી મોટરસાઇકલના રજીસ્ટ્રેશન તથા જરૂરી ફેરફારને મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયથી દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં આવતી પરિવહનની મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે. તેઓ પોતાના કામકાજ અને દૈનિક જરૂરિયાતો માટે વધુ સરળતાથી અવરજવર કરી શકશે.

મનો-દિવ્યાંગજનો માટે પણ સ્પષ્ટ જોગવાઈ

આ નિર્ણયની ખાસ બાબત એ છે કે મનો-દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સાઇડકારવાળી મોટરસાઇકલ અંગે સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. માલિકી, વાલીપણા, વાહનચાલક, સલામતી અને અન્ય કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી છે. મનો-દિવ્યાંગ વ્યક્તિ માટે વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા તેમની જાણ અને સંમતિથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવાનું રહેશે. આ ઉપરાંત વાહનચાલક પાસે સંબંધિત વર્ગનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું પણ ફરજિયાત રહેશે.

40 કિમીની ઝડપ મર્યાદા, હેલ્મેટ પણ ફરજિયાત

સરકારે વાહનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. નિયમો મુજબ સાઇડકારવાળી મોટરસાઇકલની ઝડપ કોઈપણ સંજોગોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. વાહનચાલક અને મનો-દિવ્યાંગ મુસાફર માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. સાઇડકારમાં યોગ્ય સીટ બેલ્ટ અથવા અન્ય સલામતી પ્રતિબંધક વ્યવસ્થા પણ હોવી જરૂરી રહેશે.

RTO મંજૂરી પહેલાં થશે વાહનનું નિરીક્ષણ

સાઇડકાર જોડાયેલી મોટરસાઇકલના રજીસ્ટ્રેશન અથવા ફેરફારની મંજૂરી આપતા પહેલાં મોડિફાઇડ વાહનનું ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. સાઇડકાર જોડવાથી વાહનચાલક, દિવ્યાંગ વ્યક્તિ અથવા અન્ય માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષાને કોઈ જોખમ ઊભું ન થાય તેની ખાતરી કરવામાં આવશે. આ ઉપરાંત વાહન માટે માન્ય Comprehensive Insurance Policy, જેમાં ઓછામાં ઓછું Third Party Risk Cover સામેલ હોય, તે પણ જરૂરી રહેશે.

Motor Vehicles Actના નિયમોનું પાલન ફરજિયાત

સાઇડકારવાળી મોટરસાઇકલના રજીસ્ટ્રેશન અને ફેરફાર દરમિયાન Motor Vehicles Act, 1988 તેમજ સંબંધિત માર્ગદર્શિકા અને સૂચનાઓનું પાલન કરવું પડશે. સરકારના આ નિર્ણયથી દિવ્યાંગજનોને સુરક્ષિત અને સન્માનપૂર્ણ પરિવહનની વધુ સારી સુવિધા મળવાની સાથે તેમની આત્મનિર્ભરતા વધારવામાં પણ મદદ મળશે.