આસ્થા અને આનંદનો અનોખો સંગમ, ગુજરાતના રોપ-વે બન્યા યાત્રાળુઓની પહેલી પસંદ


Gujarat Ropeway Tourism
આસ્થા અને આનંદનો અનોખો સંગમ, ગુજરાતના રોપ-વે બન્યા યાત્રાળુઓની પહેલી પસંદ


Gujarat Ropeway Tourism
Gujarat Ropeway Tourism: ગુજરાતના પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા માટેની રોપ-વે એટલે કે ‘ઉડન ખટોલા’ની સુવિધા યાત્રાળુઓ અને પ્રવાસીઓમાં સતત લોકપ્રિય બની રહી છે. વર્ષ 2025-26 દરમિયાન ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લાભ લીધો છે. આ રોપ-વે સુવિધાથી બાળકો, વડીલો, દિવ્યાંગો સહિતના યાત્રાળુઓને પર્વત પર આવેલા ધાર્મિક સ્થળો સુધી સરળતાથી અને સલામત રીતે પહોંચવાની સુવિધા મળી રહી છે. સાથે જ આ વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિ વધતા સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી થઈ રહી છે.
પાવાગઢ રોપ-વે સૌથી વધુ લોકપ્રિય
વર્ષ 2025-26 દરમિયાન પંચમહાલના પાવાગઢ રોપ-વેનો 23.43 લાખથી વધુ પ્રવાસીઓએ લાભ લીધો હતો. જ્યારે બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો 15.58 લાખથી વધુ અને જૂનાગઢના ગિરનાર રોપ-વેનો 8.31 લાખથી વધુ યાત્રાળુઓએ ઉપયોગ કર્યો હતો. આમ ત્રણેય યાત્રાધામોમાં મળીને 47.32 લાખથી વધુ લોકોએ ઉડન ખટોલાની સુવિધા માણી હતી.
2.12 કિમી લાંબો ગિરનાર રોપ-વે બન્યો વિશેષ આકર્ષણ
જૂનાગઢનો ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગની દૃષ્ટિએ વિશિષ્ટ પ્રોજેક્ટ હોવાની સાથે આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ કરાવે છે. 2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક છે. આ રોપ-વે ગિરનાર પર્વતની તળેટીથી આશરે 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી માતાના મંદિર સુધી યાત્રાળુઓને પહોંચાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં રોપ-વેમાં 31 આધુનિક કેબિન છે અને તે પ્રતિ કલાક આશરે 1,000 મુસાફરોને પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. આશરે 9 મિનિટની રોપ-વે રાઇડ દરમિયાન યાત્રાળુઓને ગિરનાર પર્વત અને આસપાસના કુદરતી દૃશ્યોનો નજારો જોવા મળે છે.
5 હજાર પગથિયાં ચઢવાની મુશ્કેલીમાંથી રાહત
ગિરનાર પર્વત અનેક પવિત્ર મંદિરોનું કેન્દ્ર છે. અહીં ગુરુ દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર, ગોરખનાથ મંદિર તેમજ ઐતિહાસિક જૈન મંદિરો આવેલા છે. અંબાજી મંદિર સુધી પહોંચવા માટે હજારો પગથિયાં ચઢવા પડે છે. આવી સ્થિતિમાં રોપ-વે ખાસ કરીને વડીલો, બાળકો અને દિવ્યાંગ યાત્રાળુઓ માટે મોટી રાહત બની રહ્યો છે. ચોમાસામાં ગિરનારના પર્વતો પર વાદળો અને હરિયાળીનો અદભુત નજારો જોવા મળતો હોવાથી આ સમય દરમિયાન પણ પ્રવાસીઓની સંખ્યા વધે છે. નવરાત્રી, જન્માષ્ટમી અને શ્રાવણ માસ દરમિયાન પણ અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચે છે.
ત્રણેય રોપ-વેમાં આધુનિક સુવિધાઓ
ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેનું સંચાલન ‘ઉડન ખટોલા’ બ્રાન્ડ હેઠળ કરવામાં આવે છે. યાત્રાળુઓની સુવિધા માટે અહીં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓમાં વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેઇનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઇડ સેવા, વ્હીલચેર, બોડી મસાજ ચેર, લોકર, પીવાનું પાણી, શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
રોપ-વેના સમય અને બુકિંગની માહિતી
ગિરનાર રોપ-વે: સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી
પાવાગઢ રોપ-વે: સવારે 6થી સાંજે 5:45 વાગ્યા સુધી
અંબાજી રોપ-વે: સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી
યાત્રાળુઓ ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધાનો પણ લાભ લઈ શકે છે. દિવ્યાંગજનો માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે ‘શરદ મહોત્સવ’ અંતર્ગત STEM Excursion જેવી શૈક્ષણિક પ્રવાસ યોજનાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને મળી રહી નવી ગતિ
ગિરનાર, પાવાગઢ અને અંબાજી જેવા પવિત્ર યાત્રાધામો સાથે જોડાયેલી રોપ-વે સુવિધા હવે માત્ર મુસાફરીનું સાધન રહી નથી, પરંતુ આસ્થા, પ્રવાસન અને આધુનિક ટેકનોલોજીનો સંગમ બની રહી છે. લાખો યાત્રાળુઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હોવો ગુજરાતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોની વધતી લોકપ્રિયતાનું પણ પ્રતિબિંબ છે.




