ગુજરાતના 10 ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો થશે કાયાપલટ, કરોડોના વિકાસ કામોને મંજૂરી

Gujarat Religious Tourism Development Projects: ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વધુ વિકસિત કરવા રાજ્ય સરકારે મહત્વની પહેલ કરી છે.
Rupin Bakraniya
Rupin Bakraniya
Gujarat Religious Tourism Development ProjectsGujarat Religious Tourism Development Projects

Gujarat Religious Tourism Development Projects

Gujarat Religious Tourism Development Projects: ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વધુ વિકસિત કરવા રાજ્ય સરકારે મહત્વની પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા 10 મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ યાત્રાળુઓ તથા પ્રવાસીઓની સુવિધા વધારવા માટે કરોડો રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ અનેક ધાર્મિક સ્થળો પર પાયાની સુવિધાઓમાં વધારો થવાની સાથે પ્રવાસનને પણ વેગ મળવાની શક્યતા છે.

ગોંડલના અનલગઢ કિલ્લા અને મહાકાળી મંદિરનો વિકાસ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજી મંદિર પરિસરના વિકાસ માટે રૂ. 5.06 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ઐતિહાસિક વારસા સાથે ધાર્મિક સ્થળને વધુ સુવિધાસભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ભાદરવામાં મહીસાગર કિનારે ઘાટ નિર્માણ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ચેહર માતા મંદિર નજીક મહીસાગર નદી કિનારે ઘાટ, વોક-વે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતના વિકાસ માટે રૂ. 3.31 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

અંજારમાં ગોવર્ધન પર્વતનો ભવ્ય વિકાસ

કચ્છ જિલ્લાના અંજારમાં પ્રવાસનને વેગ આપવા માટે ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ માટે રૂ. 12.98 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.

ઉમરેચાના ‘મિની પાવાગઢ’માં યાત્રાળુ સુવિધાઓ વધશે

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ, લાઈટિંગ વાયરિંગ, ઓપન ડ્રેનેજ અને કર્બ બીમ જેવા કામો હાથ ધરાશે. તેના માટે રૂ. 50 લાખ મંજૂર કરાયા છે.

ધરમપુરના ગોરા રામજી મંદિરનું સમારકામ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રી ગોરા રામજી મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, રંગકામ, જી.શીટ અને ફ્લોરિંગ સહિતના કામો માટે ટેક્સ સહિત રૂ. 18.91 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

ઉનાઈ માતાજી મંદિર સંકુલનો સર્વાંગી વિકાસ

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી ઉનાઈ માતાજી મંદિર માટે રૂ. 5.03 કરોડના વિકાસ કામોને મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટમાં શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, એન્ટ્રન્સ ગેટ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, સમ્પ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના વિવિધ કામોનો સમાવેશ થાય છે.

કેસરડીમાં જોધલપીર મંદિરનું નવનિર્માણ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ખાતે આવેલા શ્રી જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ માટે રૂ. 21.75 કરોડની માતબર રકમના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

રૂપાલના વરદાયિની માતાજી મંદિરનો 35 કરોડનો વિકાસ

ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલના શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ માટે અંદાજે રૂ. 35 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. યાત્રાળુઓ માટે વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

વાળીનાથ મહાદેવ મંદિરમાં સોલાર અને વીજળીકરણ

મહેસાણા જિલ્લાના તરભ, વિસનગર ખાતે આવેલા શ્રી વાળીનાથ મહાદેવ મંદિરમાં વીજળીકરણ અને 100 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સહિતના કામો માટે રૂ. 2.68 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગ્રેટર ગીર માટે 46.91 કરોડનો આઈકોનિક પ્રોજેક્ટ

રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ એવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ અંતર્ગત વિવિધ સ્થળોએ પ્રવાસનલક્ષી વિકાસ કામો હાથ ધરાશે. આ માટે અંદાજે રૂ. 46.91 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

યાત્રાળુ સુવિધા સાથે રોજગારીને પણ વેગ

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવેલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને વધુ સારી પાયાની સુવિધાઓ મળી શકશે. સાથે જ પ્રવાસન પ્રવૃત્તિ વધવાથી સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ્સને ગુજરાતના ધાર્મિક વારસા અને પ્રવાસન સ્થળોના સુવ્યવસ્થિત વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.