ખાનગી શાળાના NCC કૅડેટ્સ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રાષ્ટ્રીય કૅમ્પનો 100% ખર્ચ ઉઠાવશે સરકાર

Gujarat NCC Cadets Camp Allowance: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે NCC કૅડેટ્સના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યની ખાનગી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા NCC કૅડેટ્સને પણ રાષ્ટ્રીય કક્ષાના...
Rupin Bakraniya
Rupin Bakraniya
Gujarat NCC Cadets Camp AllowanceGujarat NCC Cadets Camp Allowance

Gujarat NCC Cadets Camp Allowance

Gujarat NCC Cadets Camp Allowance: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે NCC કૅડેટ્સના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યની ખાનગી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા NCC કૅડેટ્સને પણ રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે સરકારી સંસ્થાના કૅડેટ્સની જેમ કૅમ્પ ભથ્થું મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાનગી સંસ્થાઓમાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી કૅડેટ્સ સામે રહેલો આર્થિક અવરોધ દૂર થશે અને તેમને રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પમાં ભાગ લેવા માટે વધુ સરળ તક મળશે.

હવે ખાનગી NCC કૅડેટ્સનો 100% ખર્ચ સરકાર ભોગવશે

અત્યાર સુધી સરકારી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને નિર્ધારિત ધોરણો મુજબ વિવિધ કૅમ્પ ભથ્થાં મળતાં હતાં, પરંતુ ખાનગી શાળા-કૉલેજના કૅડેટ્સને રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારનું ભથ્થું મળતું નહોતું. પરિણામે કૅમ્પ માટે થતો ખર્ચ કૅડેટ અથવા સંબંધિત સંસ્થાએ ઉઠાવવો પડતો હતો. હવે સરકારે આ અસમાનતા દૂર કરીને ખાનગી NCC કૅડેટ્સ માટે થનારા ખર્ચનો 100 ટકા હિસ્સો પોતે ભોગવવાનો નિર્ણય કર્યો છે. ભથ્થાની ચુકવણી ભારત સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવતા દર મુજબ કરવામાં આવશે.

કયા રાષ્ટ્રીય કૅમ્પ માટે મળશે લાભ?

NCC કૅડેટ્સ માટે રાષ્ટ્રીય સ્તરના વિવિધ કૅમ્પ અત્યંત મહત્વના ગણાય છે. જેમાં Republic Day Contingent (RDC), Thal Sainik Camp (TSC), Youth Exchange Programme (YEP), Vayu Sainik Camp (VSC), Naval Sainik Camp (NSC) અને National Level Event (NLE) જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આવા કૅમ્પમાં સ્થાન મેળવવા માટે કૅડેટ્સે સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને સામાન્ય રીતે 4થી 5 જેટલા પસંદગી આધારિત કૅમ્પમાં ભાગ લેવો પડે છે.

મેસિંગથી ટ્રાવેલિંગ સુધીના ખર્ચમાં મળશે રાહત

સરકારની નવી વ્યવસ્થા હેઠળ રાષ્ટ્રીય કૅમ્પ સાથે સંકળાયેલા મેસિંગ, ટ્રાવેલિંગ, જનરેશન, ઇન્સિડેન્ટલ અને POL ચાર્જિસ જેવા ખર્ચ માટે કૅડેટ્સને સીધી આર્થિક રાહત મળશે. આ નિર્ણયથી જે કૅડેટ્સ આર્થિક કારણોસર રાષ્ટ્રીય કક્ષાની તક ગુમાવતા હતા તેમને હવે આગળ વધવાની વધુ સારી તક મળશે.

પ્રતિભા સામે પૈસાની અડચણ નહીં

સરકારનો મુખ્ય ઉદ્દેશ માત્ર ભથ્થું આપવાનો નથી, પરંતુ સરકારી અને ખાનગી સંસ્થાના કૅડેટ્સ વચ્ચેની આર્થિક અસમાનતા દૂર કરવાનો પણ છે. હવે કોઈ કૅડેટ સરકારી શાળા-કૉલેજમાં ભણે છે કે ખાનગી સંસ્થામાં, તેની રાષ્ટ્રીય કક્ષાની તક તેની આર્થિક સ્થિતિને બદલે પ્રતિભા, મહેનત અને ક્ષમતા પર આધારિત રહેશે.

યુવાનોમાં નેતૃત્વ અને દેશસેવાની ભાવનાને મળશે વેગ

NCC યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ, જવાબદારી અને દેશસેવાની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સરકારના આ નિર્ણયથી ગુજરાતમાંથી વધુ NCC કૅડેટ્સ રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પમાં ભાગ લઈ શકે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી અપેક્ષા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયને વિદ્યાર્થીહિત અને સમાન તક તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.