Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Education: ગુજરાત સરકારનો વધુ એક મહત્ત્વનો નિર્ણય; પ્રી-પીટીસી પ્રવેશના નિયમોમાં મોટો ફેરફાર, હવે 30 વર્ષ સુધીના ઉમેદવારોને મળશે તક

Pre PTC Admission Gujarat: રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય; તે દિશામાં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી (D.E.C.Ed.)...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 02:48 PM IST
Gujarat Education: ગુજરાત સરકારનો વધુ એક મહત્ત્વનો નિર્ણય; પ્રી-પીટીસી પ્રવેશના નિયમોમાં મોટો ફેરફાર, હવે 30 વર્ષ સુધીના ઉમેદવારોને મળશે તકGujarat Education: ગુજરાત સરકારનો વધુ એક મહત્ત્વનો નિર્ણય; પ્રી-પીટીસી પ્રવેશના નિયમોમાં મોટો ફેરફાર, હવે 30 વર્ષ સુધીના ઉમેદવારોને મળશે તક

Pre PTC Admission Gujarat

Pre PTC Admission Gujarat: રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય; તે દિશામાં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી (D.E.C.Ed.) કૉલેજોમાં પ્રવેશના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા આ સુધારા મુજબ રાજ્યમાં આવેલી પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને વધુ સમાવેશી, સુગમ અને સમયાનુકૂળ બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રીનાં માર્ગદર્શન તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ આ સુધારા દ્વારા કરવામાં આવેલો સૌથી મહત્વના નિર્ણયોમાં પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ માટેની બેઠકોમાં વધારો, પ્રવેશ માટેની વયમર્યાદા 5 વર્ષ વધારી 30 વર્ષ કરવાનો અને EWS તેમજ દિવ્યાંગો માટે અનામત આપવાનો સમાવેશ થાય છે. અગાઉ વર્ગદીઠ 50 બેઠકોની મંજૂર ક્ષમતા સામે હવે 25 ટકા વધારા સાથે કુલ 62 બેઠકો કરવામાં આવી છે. આથી તાલીમ મેળવવા ઇચ્છતા વધુ ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળશે અને રાજ્યમાં ગુણવત્તાયુક્ત બાળ શિક્ષણ માટે તાલીમબદ્ધ માનવબળનો વ્યાપ વધશે.

અનામતની જોગવાઈ સાથે પ્રવેશની તકો વિસ્તરી

સુધારેલા પ્રવેશ માળખા અનુસાર SEBC માટે 27 ટકા અનામત હેઠળ 17 બેઠકો, અનુસૂચિત જાતિ માટે 7 ટકા હેઠળ 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 ટકા હેઠળ 9 બેઠકો નક્કી કરવામાં આવી છે. ઓપન કૅટેગરીમાં 41 ટકા મુજબ 26 બેઠકો રહેશે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે પ્રથમ વખત 10 ટકા મુજબ 6 બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ 100 ટકા મુજબ 62 બેઠકો ઉપલબ્ધ રહેશે. આ બેઠક વધારો ખાસ કરીને પ્રી-પીટીસી કૉલેજો ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે નોંધપાત્ર તક ઊભી કરશે. વધુ બેઠકો ઉપલબ્ધ થવાથી પ્રવેશ માટેની તકો વધશે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોની સંખ્યા પણ વધવાની સંભાવના છે.

ધોરણ-12માં 50 ટકા ગુણની પાત્રતા, અનામત વર્ગોને 5 ટકાની છૂટ

પ્રવેશ માટે ધોરણ-12ની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપરાંત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં આવેલા CBSE અને ICSE સહિતના માન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરનારા ઉમેદવારોને પણ આ જ પાત્રતા લાગુ પડશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તથા દિવ્યાંગ ઉમેદવારોને ગુણની પાત્રતામાં 5 ટકાની છૂટ આપવામાં આવશે. આ જોગવાઈથી વિવિધ વર્ગના વધુ ઉમેદવારોને પ્રી-પીટીસી કૉલેજો શિક્ષણમાં પ્રવેશ મેળવવાની તક મળશે.

મહત્તમ વયમર્યાદા 24થી વધારી 30 વર્ષ

સરકારે ઉમેદવારોની ઉંમરને લગતા નિયમોમાં પણ નોંધપાત્ર રાહત આપી છે. અગાઉ પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24 વર્ષ હતી, જેને હવે વધારીને 30 વર્ષ કરવામાં આવી છે. એટલે કે શૈક્ષણિક વર્ષના પ્રારંભે, જે વર્ષના જુલાઈ મહિનાની પ્રથમ તારીખે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS તથા દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ 5 વર્ષની છૂટ આપવામાં આવશે. આ સુધારો ખાસ કરીને થોડા વિલંબ બાદ શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે ઉપયોગી બનશે.

માધ્યમની પસંદગીમાં વધુ લવચીકતા

પ્રવેશના માધ્યમ અંગે પણ નિયમોને વધુ લવચીક બનાવવામાં આવ્યા છે. હવે ઉમેદવાર ધોરણ-10 અથવા ધોરણ-12માંથી જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તે પૈકી કોઈપણ માધ્યમની સંસ્થામાં પ્રવેશ માટે અરજી કરી શકશે. જો કોઈ માધ્યમની બેઠકો ખાલી રહે અને ઉમેદવારે ધોરણ-10 અને ધોરણ-12માં પોતાની મૂળ માધ્યમ સિવાયની ભાષાનો અભ્યાસ કર્યો હોય, તો ઉમેદવારની ઇચ્છા મુજબ અન્ય ભાષાના માધ્યમમાં પણ પ્રવેશ મેળવી શકાશે.

દિવ્યાંગ ઉમેદવારો માટે 5 ટકા બેઠકો અનામત

સમાવેશી શિક્ષણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ઉપલબ્ધ બેઠકોમાંથી 5 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ ભારત સરકારના Rights of Persons with Disabilities Act, 2016ની કલમ-32 અનુસાર કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરતી વખતે તેમની દિવ્યાંગતા શિક્ષક વ્યવસાયની ફરજોમાં બાધારૂપ ન બને તે બાબતની ચકાસણી કરવામાં આવશે. વિવિધ નિર્ધારિત દિવ્યાંગતા કેટેગરી વચ્ચે 5 ટકા અનામત બેઠકોનું સમાન પ્રમાણમાં વિતરણ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. યોગ્ય ઉમેદવારોને તેમની પસંદગી અને મેરીટના આધારે કોલેજમાં પ્રવેશ આપવાની જોગવાઈ છે.

આ સમગ્ર સુધારા દ્વારા રાજ્ય સરકારે પ્રી-પીટીસી કૉલેજો પ્રવેશ વ્યવસ્થાને વધુ વિસ્તૃત અને સર્વસમાવેશક બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ બેઠકોમાં 25 ટકાનો વધારો કરીને વધુ યુવાનો માટે તક ઊભી કરવામાં આવી છે, તો બીજી તરફ EWS અને દિવ્યાંગ ઉમેદવારો માટે સ્પષ્ટ અનામત, વયમર્યાદામાં વધારો, ગુણમાં છૂટછાટ તથા માધ્યમની પસંદગીમાં લવચીકતા જેવા પગલાં લેવામાં આવ્યા છે. આ સુધારાઓથી પ્રી-પીટીસી કૉલેજો શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિવિધ વર્ગના ઉમેદવારોને વધુ અનુકૂળ અને વ્યાપક તકો મળશે. પરિણામે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે તાલીમબદ્ધ અને યોગ્ય શિક્ષકોનું માનવબળ વિકસાવવામાં પણ આ સુધારો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]