ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટે: 25 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 23 ઓગસ્ટ, 2026ના રોજ...
Rupin Bakraniya
Rupin Bakraniya
Gujarat Police Recruitment 2026Gujarat Police Recruitment 2026

Gujarat Police Recruitment 2026

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 23 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. પરીક્ષા માટે અત્યાર સુધીમાં અંદાજે 25 હજાર જેટલા ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કર્યા છે.

પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ માટે ભરતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ)ની 92 જગ્યાઓ, ટેક્નિકલ ઓપરેટરની 66 જગ્યાઓ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની 3 જગ્યાઓ તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની 45 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ તમામ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે યોજાશે. ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 19 ઓગસ્ટ, 2026થી શરૂ કરવામાં આવી છે.

ત્રણ અલગ-અલગ પરીક્ષાઓ, MCQ પદ્ધતિથી લેવાશે

પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેક્નિકલ ઓપરેટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની પરીક્ષા સવારે 8:30થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાશે. જ્યારે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની પરીક્ષા બપોરે 1:00થી સાંજે 4:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષામાં કુલ 200થી 210 MCQ રહેશે. પરીક્ષામાં Part-A અને Part-Bમાં અલગ-અલગ લઘુત્તમ 40 ટકા ગુણ મેળવવા જરૂરી રહેશે. દરેક MCQ માટે એક ગુણ રાખવામાં આવ્યો છે અને પરીક્ષામાં નેગેટિવ માર્કિંગની જોગવાઈ પણ કરવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા પારદર્શક અને ગેરરીતિમુક્ત રીતે યોજાય તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા માટે 1100થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ તેમજ 1500 જેટલા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર ભરતી બોર્ડના એક અધિકારીને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ભરતી બોર્ડ દ્વારા વિવિધ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.

Facial Recognition અને AIથી પણ નજર

પરીક્ષા પ્રક્રિયામાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉમેદવારોની ઓળખ માટે Facial Recognition Technology અને AIનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા સાહિત્યના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય ભરતી કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરના સુપરવિઝન હેઠળ અને DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે.

ઉમેદવારો માટે ખાસ સૂચના

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે Multiple Security Layers અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉમેદવારોએ પોતાના કોલલેટર સમયસર ડાઉનલોડ કરી લેવું અને પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય પહેલાં પહોંચી જવા અપીલ કરવામાં આવી છે. ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને ગેરરીતિમુક્ત રહે તે માટે ટેક્નોલોજી સહિતના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.