VGGS 2027 માટે ગુજરાતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ, અમેરિકા-કેનેડામાં વૈશ્વિક રોકાણકારો સાથે મુખ્યમંત્રીનો સંવાદ

VGGS 2027 Gujarat Global Roadshow: જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027) પૂર્વે ગુજરાત સરકારે વૈશ્વિક રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આઉટરીચ શરૂ...
Growth Now News
Growth Now News
VGGS 2027 Gujarat Global RoadshowVGGS 2027 Gujarat Global Roadshow

VGGS 2027 Gujarat Global Roadshow

VGGS 2027 Gujarat Global Roadshow: જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027) પૂર્વે ગુજરાત સરકારે વૈશ્વિક રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આઉટરીચ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે.

આ રોડ શૉ અંતર્ગત ગુજરાતનું હાઇ-લેવલ ડેલિગેશન વોશિંગ્ટન ડી.સી., ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરોન્ટોની મુલાકાત લઈ રહ્યું છે. આ દરમિયાન વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગજગતના નેતાઓ, ટેકનોલોજી પાયોનિયર્સ તેમજ ભારતીય અને ગુજરાતી ડાયસ્પૉરા સાથે ગુજરાતમાં નવા રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

સેમિકન્ડક્ટર, AI અને ડેટા સેન્ટર પર વિશેષ ફોકસ

મુખ્યમંત્રીશ્રીના આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, બાયોટેકનોલોજી અને ડીપ-ટેક જેવા ઉભરતા ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાતને આ ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બનાવવાની દિશામાં ટેકનોલોજી કંપનીઓ અને રોકાણકારો સાથે નવી ભાગીદારી ઊભી કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ રહી છે.

ગ્લોબલ ગુજરાતી કમ્યુનિટી બનશે ગુજરાતની ઇનોવેશન ઇકોસિસ્ટમની ભાગીદાર

સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પૉરા સાથેના સંવાદ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિલિકોન વેલીમાં વસતા ગુજરાતીઓના સેમિકન્ડક્ટર, AI, ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે ગ્લોબલ ગુજરાતી ટેલેન્ટ અને ગુજરાત સ્થિત કંપનીઓ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નૉલેજ શેરિંગ, મેન્ટરશિપ, ટેકનોલોજી ભાગીદારી અને R&D સહયોગ દ્વારા ગુજરાત-સિલિકોન વેલી કનેક્ટને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.

ગૂગલ સાથે AI અને ફ્યુચર સ્કિલ્સ અંગે ચર્ચા

ગૂગલ કેમ્પસ ખાતે વરિષ્ઠ નેતૃત્વ સાથેની બેઠકમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે AI તાલીમ કાર્યક્રમોનો વ્યાપ વધારવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં AIના ઉપયોગથી પાકની પેટર્ન, જમીનની તંદુરસ્તી અને આબોહવા સામેની ક્ષમતા સુધારવા તેમજ ડેટા સુરક્ષા માટે સોવરિન AI સોલ્યુશન્સની સંભાવનાઓ અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

પરપ્લેક્સિટી AI સાથે ડીપ-ટેક અને ડેટા સેન્ટરની તકો

પરપ્લેક્સિટી AIના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ સાથેની બેઠકમાં ગુજરાતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ અને ઉદ્યોગલક્ષી નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એન્જિનિયરિંગ, R&D, ટેકનોલોજી ભાગીદારી ઉપરાંત ડેટા સેન્ટર અને હાઇબ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી.

માઇક્રોન સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ આપવાની ચર્ચા

માઇક્રોન ટેકનોલોજીના ચેરમેન અને CEO શ્રી સંજય મહેરોત્રા સાથેની બેઠકમાં સાણંદ સ્થિત સેમિકન્ડક્ટર સુવિધાની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાણંદ અને ધોલેરા જેવા હબના માધ્યમથી ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વોલમાર્ટ સાથે MSME અને કારીગરો માટે ગ્લોબલ માર્કેટની તકો

વોશિંગ્ટન ડી.સી.માં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથેની બેઠકમાં ગુજરાતની વિશાળ MSME ઇકોસિસ્ટમ અને સ્થાનિક કારીગરોને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવા અને નિકાસની તકો વધારવા માટેની સંભાવનાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

VGGS 2027 માટે ગુજરાતની વૈશ્વિક ભાગીદારીને નવી ગતિ

ગુજરાતના પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉથી VGGS 2027 માટે રાજ્યના વૈશ્વિક રોકાણ અને બિઝનેસ આઉટરીચને નવી ગતિ મળી છે. અમેરિકા અને કેનેડામાં થયેલા સંવાદો દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, ડીપ-ટેક, MSME અને વૈશ્વિક સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં નવી ભાગીદારીની સંભાવનાઓ સામે આવી છે. જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતને વૈશ્વિક રોકાણ, ઇનોવેશન, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે જોડવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે.