નવા શ્રમ કાયદાઓ અંગે ગાંધીનગરમાં જાગૃતિ કાર્યક્રમ, ઉદ્યોગ-શ્રમિક સહયોગ પર ભાર



New Labour Codes Gujarat
નવા શ્રમ કાયદાઓ અંગે ગાંધીનગરમાં જાગૃતિ કાર્યક્રમ, ઉદ્યોગ-શ્રમિક સહયોગ પર ભાર



New Labour Codes Gujarat
New Labour Codes Gujarat: રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા અને શ્રમિકોના સર્વાંગી કલ્યાણને સુનિશ્ચિત કરવા નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નવા લેબર કોડ્સની જોગવાઈઓ અંગે ઉદ્યોગ જગત અને શ્રમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચેના પરસ્પર વિશ્વાસ, સંવાદ અને સહયોગને ઔદ્યોગિક વિકાસનો પાયો ગણાવવામાં આવ્યો હતો.
‘ચાર નવા શ્રમ કાયદા બંને પક્ષોના હિતમાં’
શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના જટિલ કાયદાઓને સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલા ચાર નવા શ્રમ કાયદા ઉદ્યોગપતિઓ અને શ્રમિકો બંને માટે હિતકારી સાબિત થશે. તેમણે કહ્યું કે, નવા શ્રમ કાયદાઓમાં ઉદ્યોગ અને શ્રમિક બંનેના હિત વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ તથા સહયોગ રાજ્યના ઔદ્યોગિક વિકાસનો પાયો છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ ઉદ્યોગની સફળતા પાછળ શ્રમિકોનો પરિશ્રમ મહત્વપૂર્ણ હોય છે. ઉદ્યોગપતિઓ શ્રમિકોને પોતાના પરિવારના સભ્ય સમજી તેમની સલામતી અને આરોગ્યની ચિંતા કરે તો શ્રમિકો પણ સંસ્થા પ્રત્યે વધુ નિષ્ઠાથી કામગીરી કરશે. બંને પક્ષો વચ્ચેનો સહયોગ ઉદ્યોગોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

શ્રમિકોની સલામતી, વેતન અને સામાજિક સુરક્ષા પર ભાર
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવા શ્રમ કાયદાઓમાં શ્રમિકોની સલામતી, કાર્યસ્થળનું યોગ્ય વાતાવરણ, પીવાનું શુદ્ધ પાણી, વેતન અને સામાજિક સુરક્ષા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ જોગવાઈઓ દ્વારા શ્રમિકોના કલ્યાણની સાથે ઉદ્યોગોના સરળ સંચાલનને પણ સુગમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

‘ઉદ્યોગ અને શ્રમિક એક સિક્કાની બે બાજુ’
શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને શ્રમિક એક સિક્કાની બે બાજુ છે. બંનેના સહયોગથી જ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ મળી શકે છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગોની પ્રગતિ સાથે શ્રમિકોના હિતોનું પણ સમાન રીતે જતન થાય તેવો સંતુલિત અભિગમ જરૂરી છે. પરસ્પર સંવાદ, સમજણ અને સહકારથી ઔદ્યોગિક શાંતિ જાળવી શકાય છે અને શ્રમિકોના હિતોનું રક્ષણ પણ થઈ શકે છે.

29 જૂના કાયદાઓને સંકલિત કરી ચાર લેબર કોડ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ લોચન સહેરાએ જણાવ્યું હતું કે, અગાઉના આશરે 29 કાયદાઓને સંકલિત કરીને ચાર નવા લેબર કોડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ કાયદાઓનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ કમ્પ્લાયન્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો અને નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓને બદલે સમાધાનકારી પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ રાજ્ય હોવાથી શ્રમ વિભાગ અને ઉદ્યોગ જગત વચ્ચે સતત સંકલન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સેવાઓ અને પ્રક્રિયાઓને વધુ પારદર્શક તથા ઝડપી બનાવવા માટે આગામી સમયમાં તમામ સેવાઓને ઓનલાઇન પોર્ટલ પર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઉદ્યોગોમાં સલામતી અને કૌશલ્ય વિકાસ પર ભાર
સચિવ લોચન સહેરાએ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોની સલામતીને ગંભીર મુદ્દો ગણાવી જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ઉદ્યોગોએ પ્રો-એક્ટિવ બની સુરક્ષા નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. શ્રમિકોના કૌશલ્ય વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ મિશન હેઠળ તાલીમનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે.
કેન્દ્ર સરકારની ‘પીએમ-સેતુ’ યોજના હેઠળ ITIને આધુનિક બનાવવા માટે ઉદ્યોગો સાથે સહયોગ સાધવામાં આવી રહ્યો છે. સલામતી, કૌશલ્ય વિકાસ અને પરસ્પર સહયોગના માધ્યમથી શ્રમિકો તથા ઉદ્યોગ બંનેના હિતોનું રક્ષણ કરવું રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, અધિક લેબર કમિશનર એમ.સી. કારિયા સહિત શ્રમ આયુક્ત કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





