રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા એક્શન પ્લાન, 26 ભલામણોના અમલીકરણની સમીક્ષા

Gujarat Health Action Plan 2026: રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને છેવાડાના નાગરિકો સુધી ઝડપી પહોંચાડવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી....
Rupin Bakraniya
Rupin Bakraniya
Gujarat Health Action Plan 2026Gujarat Health Action Plan 2026

Gujarat Health Action Plan 2026

Gujarat Health Action Plan 2026: રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને છેવાડાના નાગરિકો સુધી ઝડપી પહોંચાડવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં 24 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં યોજાયેલી ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ દરમિયાન રજૂ થયેલી 26 મુખ્ય ભલામણોના ત્વરિત અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભલામણો કાગળ પર નહીં, જમીન પર દેખાવી જોઈએ: પ્રફુલ પાનશેરીયા

આરોગ્ય મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે સ્વાસ્થ્ય પરિષદમાં થયેલી ભલામણો માત્ર દસ્તાવેજોમાં સીમિત ન રહેવી જોઈએ. તેના બદલે ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરીને પાયાના સ્તરે પરિણામલક્ષી અમલીકરણ થાય તે જરૂરી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે છેવાડાના માનવીને પણ સમયસર અને અસરકારક આરોગ્ય સેવા મળી રહે.

ટીબી નિયંત્રણ માટે ખાસ આયોજન

બેઠકમાં ક્ષયરોગના નિયંત્રણને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓ દવાઓ નિયમિત લે અને તાલુકા તથા જિલ્લાઓને ક્ષયમુક્ત બનાવવાના લક્ષ્યાંક સાથે કામગીરી આગળ વધારવા ચર્ચા થઈ હતી. આગામી સમયમાં બાંધકામ અને ઔદ્યોગિક સાઇટ્સ પર કામ કરતા શ્રમિકો માટે શ્રમ વિભાગના સંકલનથી ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજાશે. ટીબી દર્દીઓમાં કુપોષણને કારણે થતા મૃત્યુ ઘટાડવા માટે જિલ્લાવાર એક્શન પ્લાન બનાવી પોષણ સહાય પહોંચાડવા અંગે પણ ચર્ચા થઈ હતી.

અંતરિયાળ વિસ્તારો માટે ખાસ રેફરલ પ્રોટોકોલ

માતા અને કિશોરી આરોગ્યની સમીક્ષા દરમિયાન ચોમાસામાં પૂર અથવા અન્ય કુદરતી પરિસ્થિતિને કારણે સંપર્કથી વિહોણા બનતા અંતરિયાળ વિસ્તારો માટે વિશેષ રેફરલ પ્રોટોકોલ સાથેની આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં કામ કરવા સૂચના આપવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ અલગ હેલ્થ એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત આશ્રમશાળાઓમાં RBSK ટીમો દ્વારા બાળકો અને કિશોરોમાં આરોગ્ય તથા પોષણ અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

માતા અને નવજાતના મૃત્યુદરમાં ઘટાડા માટે ટાર્ગેટેડ પ્લાન

માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે એવા તાલુકા અને સમુદાયો ઓળખીને વિશેષ આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે, જ્યાં માતા-બાળ મૃત્યુદર વધુ હોય અથવા વારંવાર ગર્ભાવસ્થાના કિસ્સાઓનું પ્રમાણ ઊંચું હોય. ગર્ભવતી માતાઓ અને શ્રમિક પરિવારોમાં 100 ટકા રસીકરણ માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ ઉભી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. બાળલગ્ન અટકાવવા માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ જણાવાયું છે.

અંધશ્રદ્ધા નહીં, સમયસર સારવાર જરૂરી: મંત્રી

ગ્રામીણ વિસ્તારોમાંથી મળેલા પ્રતિસાદની સમીક્ષા દરમિયાન આરોગ્ય મંત્રીએ મહત્વની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આસ્થા અને પૂજા-અર્ચનાનું પોતાનું સ્થાન છે, પરંતુ સગર્ભા માતા અથવા બાળકના આરોગ્યનો પ્રશ્ન હોય ત્યારે અંધશ્રદ્ધાના કારણે સારવારમાં વિલંબ ન થવો જોઈએ. તેમણે આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક તંત્રને ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદ્દે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર તબીબી સારવાર મળી શકે.

વિવિધ વિભાગો સાથે સંકલન પર ભાર

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે યોજનાઓના લાભો છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે મહિલા અને બાળ વિકાસ, શ્રમ, શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ સાથે સંકલન વધુ મજબૂત બનાવવામાં આવશે. ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ભલામણોને સમયબદ્ધ રીતે અમલમાં મૂકીને રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો સરકારનો પ્રયાસ રહેશે.