Get News Alerts

Never miss breaking news updates.

Gujaratના 136 બસ સ્ટેન્ડ પર શરૂ થયા ગ્રામ હાટ, સખી મંડળોની બહેનોને મળશે મોટું બજાર

Gujarat Gram Haat Scheme: ગુજરાતની ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી રાજ્યના 27 જિલ્લાઓમાં બસ સ્ટેશનો પર શરૂ કરવામાં...
R Gajjar
R GajjarUpdated on: 10 Oct 2026 03:08 PM IST
Gujaratના 136 બસ સ્ટેન્ડ પર શરૂ થયા ગ્રામ હાટ, સખી મંડળોની બહેનોને મળશે મોટું બજારGujaratના 136 બસ સ્ટેન્ડ પર શરૂ થયા ગ્રામ હાટ, સખી મંડળોની બહેનોને મળશે મોટું બજાર

Gujarat Gram Haat Scheme

Gujarat Gram Haat Scheme: ગુજરાતની ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી રાજ્યના 27 જિલ્લાઓમાં બસ સ્ટેશનો પર શરૂ કરવામાં આવેલા સખી મંડળ સંચાલિત 136 ગ્રામ હાટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે મહિલાઓના ઉત્પાદનોના વેચાણ, માર્કેટિંગ અને રોજગારની તકો વધારવા માટે વિવિધ સમજૂતી કરારો પણ કરવામાં આવ્યા હતા. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ત્રિદિવસીય સરસ મેળાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ પહેલનો હેતુ સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલાની વસ્તુઓ, ઘરેલું ઉદ્યોગનાં ઉત્પાદનો અને ખાદ્ય સામગ્રીને વિશાળ બજાર પૂરું પાડવાનો છે.

બસ સ્ટેન્ડ પર જ મળશે સખી મંડળોનાં ઉત્પાદનો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિગમ મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં, પરંતુ વિકાસમાં ભાગીદાર બનાવવાનો છે. બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનો પર સખી મંડળોનાં ઉત્પાદનોના વેચાણની વ્યવસ્થા ઊભી થવાથી સ્થાનિક ઉત્પાદનોને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે. આ પહેલથી ‘વોકલ ફોર લોકલ’ના અભિગમને પણ વેગ મળશે. મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓને યોગ્ય બજાર મળવાથી તેમની આવક વધારવામાં મદદ મળશે.

ગુજરાતમાં 8.5 લાખથી વધુ બહેનો બની લખપતિ દીદી

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. રાજ્યમાં સખી મંડળો સાથે જોડાયેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર વિવિધ યોજનાઓ અને આર્થિક સહાય દ્વારા પ્રયાસો કરી રહી છે. મહિલાઓને ડિજિટલ ઉદ્યોગસાહસિક બનાવવા માટે NIFT, MICA અને EDII જેવી સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અને મેન્ટરશિપ આપવાની પહેલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યનાં 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત અમૂલ મિલ્ક પાર્લર શરૂ કરવાની દિશામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને અમૂલ વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.

સખી મંડળોને લાખોની આર્થિક સહાય અને અમૂલ પાર્લરની ફાળવણી

કાર્યક્રમ દરમિયાન સ્વસહાય જૂથોની બહેનોને અમૂલ પાર્લર ફાળવણી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ જૂથોને ₹45 લાખના કેશ ક્રેડિટ ચેક અને ડેરી સાથે સંકળાયેલા સ્વસહાય જૂથોને ₹40 લાખના કેશ ક્રેડિટ ચેક આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય સખી મંડળોને ઈ-કોમર્સ ઇન્સેન્ટિવ પેટે કુલ ₹1,08,640ના ચેક પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પહેલોનો હેતુ મહિલાઓને પોતાનો વ્યવસાય વિકસાવવા, ઉત્પાદનનું વેચાણ વધારવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે.

પાંચ વર્ષમાં સરસ મેળામાં ₹40 કરોડનું વેચાણ

ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં યોજાયેલા 236 સરસ મેળામાં આશરે 8,500 સ્વસહાય જૂથોએ કુલ ₹40 કરોડનું વેચાણ કર્યું છે. તેમણે જણાવ્યું કે, ‘મિશન મંગલમ’ જેવી પહેલો દ્વારા ગ્રામીણ મહિલાઓને પોતાની કલા અને કૌશલ્યના આધારે આર્થિક રીતે મજબૂત બનવાની તક મળી રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ રાજ્યમાં ત્રણ લાખથી વધુ સખી મંડળો દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બનતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સહકાર અને પશુપાલન વિભાગના સંકલનથી મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રાજકોટના 139 પરિવારોને વિનામૂલ્યે રહેણાંક પ્લોટ

મહિલા સશક્તિકરણની પહેલો ઉપરાંત કાર્યક્રમમાં સામાજિક કલ્યાણલક્ષી પગલું પણ લેવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિના 139 પરિવારોને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આમ, રાજકોટથી શરૂ થયેલી ગ્રામ હાટની પહેલ સખી મંડળોનાં ઉત્પાદનોને બજાર પૂરું પાડવા, મહિલાઓની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]