Get News Alerts

Never miss breaking news updates.

સુશાસનના 5 વર્ષ: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાત

Gujarat Education Development Under Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ 13 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, ટેક્નોલોજી, નવીનતા...
R Gajjar
R GajjarUpdated on: 12 Sep 2026 03:44 PM IST
સુશાસનના 5 વર્ષ: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાતસુશાસનના 5 વર્ષ: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું ગુજરાત

Gujarat Education Development Under Bhupendra Patel

Gujarat Education Development Under Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ 13 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, ટેક્નોલોજી, નવીનતા અને માળખાકીય સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાળાકીય શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટઅપ સુધી વિવિધ ક્ષેત્રોમાં અનેક પહેલો કરવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રયાસોથી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની તકો અને સુવિધાઓમાં વધારો થયો છે.

‘નમો લક્ષ્મી’ યોજનાથી 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને લાભ

વર્ષ 2024માં શરૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લેતી કન્યાઓને અભ્યાસ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. અત્યારસુધીમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ 3.54 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹290 કરોડની સહાય અને ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ હેઠળ ₹176 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સથી શાળાઓમાં આધુનિક સુવિધાઓ

‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ અંતર્ગત રાજ્યમાં 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1.09 લાખ સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 5,000 STEM લેબ્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ 2024ની ભરતીમાં સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9,400 શિક્ષણ સહાયકો અને 470 આચાર્યોની ભરતી કરવામાં આવી છે. 2,230 જૂના શિક્ષકોની ભરતી/બદલી પણ કરવામાં આવી છે.

ડ્રોપઆઉટ રેટમાં મોટો ઘટાડો

ગુજરાતમાં ધોરણ 1થી 8નો ડ્રોપઆઉટ રેટ વર્ષ 2001-02માં 37.22 ટકા હતો, જે 2024-25માં ઘટીને 2.35 ટકા થયો છે. સંભવિત ડ્રોપઆઉટની વહેલી ઓળખ માટે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) અમલમાં મૂકવામાં આવી છે. તેના દ્વારા આશરે 1.68 લાખ વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શિક્ષણ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સર્વસમાવેશી શિક્ષણ માટે રાજ્યમાં 37 નવા રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં યોગ અને સ્વાસ્થ્ય શિક્ષણ માટે 1,141 શિક્ષકોની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે.

પાંચ વર્ષમાં 41 નવી સરકારી કોલેજો

વિદ્યાર્થીઓને પોતાના વતનની નજીક ઉચ્ચ શિક્ષણની તકો મળે તે માટે છેલ્લા પાંચ વર્ષમાં 41 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેમાં બિન આદિજાતિ વિસ્તારોમાં 24 અને આદિજાતિ વિસ્તારોમાં 17 કોલેજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 15 સરકારી કોલેજોમાં નવા અભ્યાસ પ્રવાહો શરૂ કરવામાં આવ્યા છે.

ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન

‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 3,97,415 વિદ્યાર્થીઓને ₹2,068.67 કરોડની સહાય આપવામાં આવી છે. જ્યારે ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ હેઠળ 24,802 વિદ્યાર્થીનીઓને ₹797.01 કરોડની સહાય મળી છે. પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટેની SHODH યોજના હેઠળ પાંચ વર્ષમાં ₹113.52 કરોડની સહાય આપવામાં આવી છે. જ્યારે SSIP 2.0 હેઠળ 6,077 Proof of Conceptને ₹2.50 લાખ સુધીની સહાય આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓના નવીન વિચારોમાંથી 962 સ્ટાર્ટઅપ્સ સ્થાપિત થયા છે. આ રીતે શાળાકીય શિક્ષણમાં આધુનિક માળખાકીય સુવિધાઓથી લઈને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સુધી ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે વિસ્તરણ અને નવીનતાને વેગ આપ્યો હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]