Child Safety Gujarat માટે મોટો નિર્ણય! ‘બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર, હિંસા-શોષણ સામે ઝીરો ટોલરન્સ



Child Safety Gujarat
Child Safety Gujarat માટે મોટો નિર્ણય! ‘બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર, હિંસા-શોષણ સામે ઝીરો ટોલરન્સ



Child Safety Gujarat
Child Safety Gujarat: ગુજરાત સરકારે બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી સુરક્ષિત રાખવાના હેતુથી ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલી આ નીતિનો ઉદ્દેશ રાજ્યના દરેક બાળકને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. નીતિમાં બાળ સુરક્ષાને માત્ર એક વિભાગની જવાબદારી નહીં, પરંતુ સરકાર, શાળા, હૉસ્પિટલ, NGO, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો, મીડિયા, ધાર્મિક સંસ્થાઓ અને સમાજની સામૂહિક જવાબદારી તરીકે જોવામાં આવી છે.
બાળકો સામે હિંસા-શોષણ પર ‘ઝીરો ટોલરન્સ’
નવી નીતિમાં બાળકો સાથે થતા દુર્વ્યવહાર અને શોષણ સામે ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બાળકની સુરક્ષા માટે માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે જોખમની અગાઉથી ઓળખ, સમયસર હસ્તક્ષેપ, તાત્કાલિક મદદ, પુનર્વસન અને પુનઃસમાવેશન પર ભાર મૂકવામાં આવ્યો છે.
શાળા-હૉસ્પિટલથી લઈને જાહેર સ્થળો સુધી સુરક્ષાનું કવચ
બાળ સુરક્ષાનો વ્યાપ હવે માત્ર ઘર અને શાળા પૂરતો મર્યાદિત નહીં રહે. નીતિ હેઠળ બાળ-સુરક્ષિત શાળાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો, બાળ સંભાળ સંસ્થાઓ, કાર્યસ્થળો, જાહેર સ્થળો અને ડિજિટલ વાતાવરણને પ્રોત્સાહન આપવામાં આવશે.
સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર પણ ખાસ નજર
ડિજિટલ યુગમાં બાળકોને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે નીતિમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ સાથે જોડાયેલા સાયબર જોખમો સામે નિવારણ અને પ્રતિભાવ વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.
‘બાળકનું શ્રેષ્ઠ હિત’ દરેક નિર્ણયનું કેન્દ્ર
નીતિમાં બાળકનું શ્રેષ્ઠ હિત, સમાનતા, જીવન અને વિકાસનો અધિકાર, બાળકના મતનો આદર, ગૌરવ-સન્માન, ગુપ્તતા, હિંસાથી સુરક્ષા અને ભાગીદારી જેવા સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવ્યું છે. ધર્મ, જાતિ, લિંગ, દિવ્યાંગતા, સામાજિક-આર્થિક સ્થિતિ અથવા ભૌગોલિક વિસ્તારના આધારે કોઈ ભેદભાવ નહીં રાખવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
સંવેદનશીલ બાળકો માટે વિશેષ સુરક્ષા
અનાથ, સ્થળાંતરિત, દિવ્યાંગ, વંચિત સમુદાયોના બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિત બાળકો, શેરીમાં રહેતા બાળકો, સંસ્થાકીય સંભાળમાં રહેતા બાળકો સહિત સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા બાળકોને વિશેષ સુરક્ષા આપવામાં આવશે. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો, HIV/AIDS અથવા લાંબી બીમારીથી પ્રભાવિત બાળકો તથા કુદરતી આફતથી અસરગ્રસ્ત બાળકોને પણ નીતિના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે.
બાળકો સાથે કામ કરતા કર્મચારીઓની જવાબદારી નક્કી થશે
બાળકો સાથે સીધા સંપર્કમાં આવતી સંસ્થાઓ અને કર્મચારીઓ માટે આચારસંહિતા નક્કી કરવામાં આવશે. શિક્ષકો, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સલાહકારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓને બાળ સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. બાળકો સાથે કામ કરતા કર્મચારીઓ, સ્વયંસેવકો અને અન્ય વ્યક્તિઓની પૃષ્ઠભૂમિ તથા પોલીસ વેરિફિકેશન જેવી તપાસ સુનિશ્ચિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
બાળ દુર્વ્યવહારની માહિતી છુપાવવી નહીં પડે
બાળ દુર્વ્યવહાર, જાતીય શોષણ, બાળલગ્ન, બાળમજૂરી, માનવ તસ્કરી, ઓનલાઈન દુર્વ્યવહાર અથવા ઉપેક્ષાની શંકા જણાય તો CHILD HELPLINE 1098/112, પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરવાની જોગવાઈ છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
દરેક વિભાગે બનાવવી પડશે વાર્ષિક યોજના
નીતિના અમલીકરણ માટે દરેક સરકારી વિભાગે પોતાની વાર્ષિક અમલીકરણ યોજના તૈયાર કરવાની રહેશે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષની અંદર સંબંધિત વિભાગોએ કાર્યકારી માર્ગદર્શિકા અને પ્રોટોકોલ તૈયાર કરવાના રહેશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નોડલ વિભાગ તરીકે સંકલન અને દેખરેખ કરશે.
મુખ્ય સચિવ કરશે અમલીકરણની સમીક્ષા
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટીની દેખરેખ હેઠળ નીતિનો અમલ થશે અને રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તેની વાર્ષિક સમીક્ષા કરવામાં આવશે. નીતિની પ્રગતિ અને પરિણામોનું મૂલ્યાંકન દર ત્રણ વર્ષે અથવા જરૂરિયાત મુજબ અગાઉ પણ કરવામાં આવી શકશે.
50થી વધુ કર્મચારીઓની સંસ્થામાં ક્રેચની જોગવાઈ
નીતિમાં બાળકોની સંભાળ સાથે જોડાયેલી વ્યવસ્થાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં કર્મચારીઓના બાળકો માટે ક્રેચ અથવા મોબાઇલ ક્રેચની સુવિધા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જાહેર સ્થળોએ બાળકો માટે અનુકૂળ ઝોન અને માતાઓ માટે શિશુ સંભાળની સુરક્ષિત જગ્યાઓ વિકસાવવાનો પણ અભિગમ છે.
‘બાળ સુરક્ષિત ગુજરાત’ તરફ સરકારનું મોટું પગલું
‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ દ્વારા સરકારનો પ્રયાસ બાળ સુરક્ષાને એક વ્યાપક સામાજિક જવાબદારી બનાવવાનો છે. બાળકની સુરક્ષા સાથે શિક્ષણ, આરોગ્ય, ગૌરવ, વિકાસ અને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર પણ સુનિશ્ચિત થાય તે દિશામાં નીતિ તૈયાર કરવામાં આવી છે. શાળાથી લઈને સોશિયલ મીડિયા સુધી અને પરિવારથી લઈને સરકારી-બિનસરકારી સંસ્થાઓ સુધી બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનું આ પગલું મહત્વપૂર્ણ બની શકે છે.






