Gujarat BJP : વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનું સેવાદૂત અભિયાન, 182 બેઠકો પર બે-બે સેવાદૂતની નિમણૂંક કરાઈ

Gujarat BJP : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે.
Vivek Shah
Vivek Shah
Gujarat BJP ચૂંટણી પહેલાં ભાજપનું મેગા પ્લાનિંગ ઓપરેશન શરૂ થયુંGujarat BJP ચૂંટણી પહેલાં ભાજપનું મેગા પ્લાનિંગ ઓપરેશન શરૂ થયું

Gujarat BJP ચૂંટણી પહેલાં ભાજપનું મેગા પ્લાનિંગ ઓપરેશન શરૂ થયું

Gujarat BJP : રાજ્યમાં 1 ડિસેમ્બરથી ભાજપ દ્વારા સેવાદૂત અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ અભિયાન 25 ડિસેમ્બર સુધી ચાલશે. તેના માધ્યમથી પ્રદેશ ભાજપ 25 દિવસમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોની રાજકીય સ્થિતિ અને સ્થાનિક પ્રશ્નોનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે.

સેવાદૂત અભિયાનના ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણે ઉત્તર અને મધ્ય ઝોનના કાર્યકરો તથા આગેવાનોની કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં અભિયાન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સંદેશને ગામેગામ સુધી પહોંચાડવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વખત આ પ્રકારનું સેવાદૂત અભિયાન યોજાઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વખત સેવાદૂત અભિયાન

આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર બે-બે સેવાદૂતોની નિમણૂક કરવામાં આવશે. ભાજપના સિનિયર નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવશે. સેવાદૂતો છેવાડાના નાગરિકો સુધી પહોંચીને તેમની સમસ્યાઓ, સામાજિક પરિસ્થિતિ અને આર્થિક સ્થિતિ અંગે માહિતી મેળવશે. સાથે જ સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નો સમજી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

સેવાદૂતો ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સુધી પણ પહોંચશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક વિસ્તારોમાં વિકાસકાર્યો અને નાગરિકોની જરૂરિયાતો અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે.

સિનિયર નેતાઓને સોંપવામાં આવશે જવાબદારી

અભિયાન દરમિયાન દરેક જિલ્લામાં એક મહામંત્રી સંકલનની જવાબદારી સંભાળશે. તેઓ દરરોજની કામગીરી અને મળેલી માહિતી અંગે અહેવાલ તૈયાર કરીને સંબંધિત સ્તરે પહોંચાડશે. સેવાદૂતો દ્વારા તૈયાર કરવામાં આવનારા અહેવાલમાં વિધાનસભા બેઠકોની સ્થાનિક સમસ્યાઓ, સામાજિક અને આર્થિક સ્થિતિ તેમજ રાજકીય સમીકરણોનો સમાવેશ કરવામાં આવશે. આ અહેવાલોના આધારે પ્રદેશ ભાજપ દરેક વિધાનસભા બેઠકની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને આગામી ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરશે.

ખાસ કરીને કયા વિસ્તારોમાં કયા પ્રશ્નો મહત્ત્વના છે અને નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ કેટલો પહોંચ્યો છે તેની માહિતી મેળવવામાં આવશે. આમ, 1થી 25 ડિસેમ્બર દરમિયાન ચાલનારા સેવાદૂત અભિયાનને ભાજપની ચૂંટણી પૂર્વેની મહત્ત્વપૂર્ણ સંગઠનાત્મક કવાયત તરીકે જોવામાં આવી રહ્યું છે. 182 બેઠકો પરથી મળનારા અહેવાલો આગામી સમયમાં પક્ષની ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવામાં ઉપયોગી બની શકે છે.

આ પણ વાંચો :