ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને સરકારને આપ્યું રૂ.15.37 કરોડનું ડિવિડન્ડ, CM ભૂપેન્દ્ર પટેલને ચેક અર્પણ


Gujarat Agro Industries Corporation Dividend
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને સરકારને આપ્યું રૂ.15.37 કરોડનું ડિવિડન્ડ, CM ભૂપેન્દ્ર પટેલને ચેક અર્પણ


Gujarat Agro Industries Corporation Dividend
Gujarat Agro Industries Corporation Dividend: રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કુલ રૂ.15.37 કરોડના ડિવિડન્ડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2023-24 માટે રૂ.11.14 કરોડ અને વર્ષ 2024-25 માટે રૂ.4.23 કરોડના ડિવિડન્ડનો સમાવેશ થાય છે.

બે વર્ષનું મળીને રૂ.15.37 કરોડ ડિવિડન્ડ
ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા અને કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા દ્વારા મુખ્યમંત્રીને બંને વર્ષના ડિવિડન્ડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. નિગમ દ્વારા રાજ્યના કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ મુખ્યમંત્રીને માહિતી આપવામાં આવી હતી.

1156 એગ્રી બિઝનેસ સેન્ટર દ્વારા ખેડૂતો સુધી એગ્રો ઇનપુટ
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન રાજ્યમાં આશરે 1156 એગ્રી બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી ખેડૂતોને ખાતર તેમજ અન્ય કૃષિ ઇનપુટ્સનું વેચાણ કરે છે. નિગમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ કરાવવાની સાથે કૃષિ મશીનરી અને સાધનોનું ઉત્પાદન-વિતરણ, એગ્રો પ્રોડક્ટ્સના પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન અને કૃષિ ક્ષેત્ર માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે.

1969થી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. ત્યારથી સંસ્થા રાજ્યના કૃષિ ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતો અને કૃષિ વ્યવસ્થાને સહયોગ આપી રહી છે.

રાજ્યમાં અનેક કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ
નિગમ દ્વારા બાવળા, અમદાવાદ એરપોર્ટ, ઝઘડિયા, નરોડા અને મહુવા ખાતે વિવિધ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં એગ્રી બિઝનેસ એન્ડ ઇનોવેશન હબ વિકસાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
GI ટેગથી મિલેટ અને બનાના ફાઇબર સુધી નવા પ્રોજેક્ટ
નિગમ દ્વારા કૃષિ આધારિત નવા ક્ષેત્રોમાં પણ કામ આગળ વધારવામાં આવી રહ્યું છે. GI ટેગ, મિલેટ વેલ્યુ એડિશન યુનિટ, બનાના ફાઇબર એક્સટ્રેક્શન અને પાવડર પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.
અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ડિવિડન્ડ ચેક અર્પણ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમ.ડી. વિજય ખરાડી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




