ગાંધીનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ પર તંત્રની તવાઈ, 5ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ; 23 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યજથ્થો નાશ


Gandhinagar Hotel Food Safety Inspection
ગાંધીનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ પર તંત્રની તવાઈ, 5ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ; 23 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યજથ્થો નાશ


Gandhinagar Hotel Food Safety Inspection
Gandhinagar Hotel Food Safety Inspection: ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને ચાલી રહેલી સતત ડ્રાઇવ અંતર્ગત લવારપુર તેમજ ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 8 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 5ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રહેલો આશરે 23 કિલો ખાદ્યજથ્થો નાશ કરાવવામાં આવ્યો છે.

8 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ
તા. 21 ઓગસ્ટ 2026ના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા લવારપુર તેમજ ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલી કુલ 8 હોટલ-રેસ્ટોરન્ટની “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006” હેઠળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તા ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, સેનિટેશન અને હાઇજીનિક કન્ડિશનની પણ ચકાસણી કરવામાં આવી હતી.

5 હોટલને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ
તપાસ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત ક્ષતિઓ જણાતા નીચેની 5 પેઢીઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે:
ગુજરાત ઢાબા, લવારપુર
જય ભવાની કાઠીયાવાડી ઢાબા, લવારપુર
હોટલ બ્લ્યુ રોક, લવારપુર હાઇવે, મોટા ચિલોડા
સ્વસ્તિક હોટલ, શિહોલી
શ્રી અભિનંદન ફાસ્ટફૂડ, મોટા ચિલોડા
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ બાદ પણ જો જરૂરી સુધારો જોવા નહીં મળે તો સંબંધિત પેઢીઓ સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દાળ-સેવ ટામેટા સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા
તપાસ દરમિયાન પુરોહિત દાલબાટીમાંથી દાળ અને સેવ ટામેટાના શાકના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત ઢાબામાંથી રીંગણનું ભડથું અને પુલાવના નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેના અહેવાલ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
23 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યજથ્થો નાશ
તપાસ દરમિયાન કેટલીક હોટલમાંથી બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રહેલો ખાદ્યજથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.
ગુજરાત હોટલ: આશરે 10 કિલો ખાદ્યચીજ
જય ભવાની કાઠીયાવાડી ઢાબા: આશરે 5 કિલો ચટણી અને ભાજી
સ્વસ્તિક હોટલ: આશરે 8 કિલો સીઝનિંગ મસાલા, પેરી-પેરી પાવડર અને બ્લેક પેપર પાવડર
આમ કુલ આશરે 23 કિલો અને રૂ. 4,300ની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ખાદ્યજથ્થો નાશ કરાવવામાં આવ્યો છે.
અન્ય હોટલ-રેસ્ટોરન્ટની પણ તપાસ
તંત્ર દ્વારા પુરોહિત દાલબાટી, ઇન્ફીનીટી ફૂડ કોર્ટ અને ઝીબ્રાતા ફૂડ કોર્નરની પણ તપાસ કરવામાં આવી હતી. તમામ સંચાલકોને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ ભોજન મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ પહેરવા સૂચના
ગાંધીનગર જિલ્લાના તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને લારી સંચાલકોને તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ખોરાક બનાવતી વખતે અને પીરસતી વખતે ફૂડ બિઝનેસ ઓપરેટરોએ કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ ફરજિયાત પહેરવા જણાવાયું છે. આ ઉપરાંત તૈયાર ખાદ્યચીજોમાં કોઈપણ પ્રકારના કલરનો ઉપયોગ ન કરવા તેમજ ખોરાક માટે ન્યૂઝપેપરનો ઉપયોગ નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે.
નિયમોના ભંગ બદલ લાઇસન્સ રદ સુધીની કાર્યવાહી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લામાં હોટલ-રેસ્ટોરન્ટની તપાસની કામગીરી સતત ચાલુ રહેશે. “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006” અને તેના હેઠળના નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોના ગંભીર ભંગના કિસ્સામાં ફૂડ લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સસ્પેન્ડ કે કાયમી ધોરણે રદ કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. તંત્રએ જણાવ્યું છે કે ગાંધીનગર જિલ્લાના નાગરિકોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ખોરાક મળી રહે તે માટે તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.




