Gandhinagarમાં પરેડ જવાનો માટે યુદ્ધના ધોરણે ફોગિંગ અને સર્વેલન્સ, દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારી નિયુક્ત



Gandhinagar Dengue Control
Gandhinagarમાં પરેડ જવાનો માટે યુદ્ધના ધોરણે ફોગિંગ અને સર્વેલન્સ, દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારી નિયુક્ત



Gandhinagar Dengue Control
Gandhinagar Dengue Control: ગાંધીનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા આવેલા BSF, CRPF અને ITBPના જવાનોના આરોગ્યને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. વાહકજન્ય રોગોના નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

જવાનોના રહેણાંક વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં
રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા વિવિધ રાજ્યોમાંથી BSF, CRPF અને ITBPના જવાનો 21 સપ્ટેમ્બરથી ગાંધીનગર પહોંચ્યા છે. જવાનો માટે ગાંધીનગર શહેરના સેક્ટર-28 અને 29ના સરકારી આવાસમાં કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા બનેલા સરકારી આવાસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મચ્છરોનો ઉપદ્રવ થયો હતો. ત્યારબાદ કેટલાક જવાનોમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓની ટીમ તૈનાત
જવાનોની આરોગ્ય સ્થિતિ અંગે માહિતી મેળવ્યા બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી છે. જેમાં સઘન ફોગિંગ, દવાઓનો છંટકાવ અને પેશન્ટ ટ્રેકિંગની કામગીરી કરવામાં આવશે. જવાનોના નિવાસસ્થાનો ઉપરાંત પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ તાવનું સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને દૈનિક ફોગિંગને વધુ સઘન બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ જવાનોના સરકારી આવાસના દરેક બ્લોક દીઠ 4-4 આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. સાથે જ આવાસ પરિસરમાં ક્યાંય પણ પાણી ભરાઈ ન રહે તે માટે સઘન ચકાસણી કરી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
ચાંદીપુરાનો છેલ્લા બે મહિનામાં એક પણ નવો કેસ નહીં
બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા બે મહિનામાં ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમણે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ જ્યાંથી સામે આવ્યો હતો ત્યારથી આરોગ્ય વિભાગની ટીમોએ સઘન કામગીરી કરીને વાયરસનો ફેલાવો અટકાવવામાં સફળતા મેળવી છે. આ કામગીરી બદલ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
2026માં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો
આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની સતત કામગીરી અને વ્યાપક જાગૃતિ અભિયાનના પરિણામે વર્ષ 2026માં ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 39.6 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 20.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષના 40મા સપ્તાહ સુધીમાં રાજ્યભરમાં 1.39 કરોડથી વધુ લોહીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 1,401 દર્દીઓમાં મેલેરિયાનું નિદાન થયું છે. ડેન્ગ્યુના સચોટ નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન 42 હોસ્પિટલોમાં ખાસ નિદાન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. 40મા સપ્તાહ સુધીમાં આ કેન્દ્રોમાં 1.50 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 2,345 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
દવાઓ અને જરૂરી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં મેલેરિયા વિરોધી દવાઓ, જંતુનાશક દવાઓ, લાર્વિસાઇડ્સ તેમજ અન્ય જરૂરી સાધન-સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે રાજ્યના નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. સાથે જ મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી રાખવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




