શ્રાવણ માસથી ગુજરાતમાં ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’નો પ્રારંભ


Clean Pilgrimage Gujarat Campaign
શ્રાવણ માસથી ગુજરાતમાં ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’નો પ્રારંભ


Clean Pilgrimage Gujarat Campaign
Clean Pilgrimage Gujarat Campaign: શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી માટે ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ શરૂ કરવામાં આવશે. પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ’ના સૂત્ર સાથે સમગ્ર રાજ્યમાં આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. GPCB દ્વારા આ અભિયાનના અમલીકરણ માટે પ્રાદેશિક અધિકારીઓ, મંદિર ટ્રસ્ટો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્ય ધાર્મિક સ્થળોએ સઘન કામગીરી
અભિયાન હેઠળ દરેક પ્રાદેશિક કચેરીના વિસ્તારમાં વધુ મુલાકાતીઓ આવતા હોય તેવા ઓછામાં ઓછા 5 મુખ્ય ધાર્મિક સ્થળોની પસંદગી કરવામાં આવશે. આ સ્થળોએ સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક નિયંત્રણ માટે વિશેષ કામગીરી હાથ ધરાશે. ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવાની સાથે શ્રદ્ધાળુઓને પણ પર્યાવરણ અંગે જાગૃત કરવામાં આવશે.
કચરા માટે 3-સ્ટ્રીમ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ
તીર્થસ્થળોએ કચરો સ્ત્રોત પર જ અલગ કરવા માટે ત્રણ અલગ-અલગ પાત્રોની વ્યવસ્થા કરવામાં આવશે.
સ્ટ્રીમ A: ભીનો કચરો – પ્રસાદ, ખાદ્ય અવશેષ અને શાકભાજી વગેરે
સ્ટ્રીમ B: નિર્માલ્ય – ફૂલ, હાર, બિલીપત્ર અને પૂજા સામગ્રી
સ્ટ્રીમ C: સૂકો કચરો – કાગળ, માન્ય પ્લાસ્ટિક પેકેજિંગ, મેટલ વગેરે
આ વ્યવસ્થાથી કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ અને નિકાલ શક્ય બનશે.
‘નિર્માલ્ય ટુ રિસોર્સ’થી પૂજા સામગ્રીનો પુનઃઉપયોગ
અભિયાનની ખાસિયત તરીકે ‘Nirmalya to Resource’ પહેલ હાથ ધરવામાં આવશે. મંદિરોમાં વપરાતી પૂજા સામગ્રી અને નિર્માલ્યને ખુલ્લામાં ફેંકવાને બદલે તેનું યોગ્ય પ્રોસેસિંગ કરવામાં આવશે. નિર્માલ્યમાંથી કમ્પોસ્ટ, ધૂપ અને અગરબત્તી જેવી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવશે. આ રીતે ધાર્મિક કચરાને સંસાધનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
મંદિરથી 100 મીટર સુધી ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’
અભિયાન હેઠળ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી 100 મીટરના વિસ્તારને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’ જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં મૂકવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે જનજાગૃતિ સાથે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.
NGO અને સ્વયંસેવકો બનશે ‘હરિત સાથી’
અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સ્થાનિક NGOs, સખી મંડળો, NSS અને NCCના સ્વયંસેવકો તેમજ યુવક મંડળોને જોડવામાં આવશે. આ સંસ્થાઓ અને સ્વયંસેવકોને ‘હરિત સાથી’ અને ‘સ્વચ્છ તીર્થસ્થાન સેવક’ તરીકે જોડીને શ્રદ્ધાળુઓમાં સ્વચ્છતા અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
તીર્થસ્થળો બનશે વધુ સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત
GPCBના આ અભિયાનથી ધાર્મિક સ્થળો ઉપરાંત નદીઓ, સમુદ્રકિનારા અને વન વિસ્તારોમાં પણ ગંદકી ઘટાડવામાં મદદ મળશે. શ્રદ્ધાળુઓને વધુ સ્વચ્છ, શાંત અને ભક્તિમય વાતાવરણ મળી રહે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ અને કમ્પોસ્ટેબલ ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી પર્યાવરણ જાળવણીને પણ વેગ મળશે.
સ્થાનિક રોજગારી અને લોકભાગીદારીને પણ પ્રોત્સાહન
સ્થાનિક સ્વયંસેવકો, સખી મંડળો અને NGOsને અભિયાન સાથે જોડવાથી પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે નવી તકો ઊભી થઈ શકે છે. કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાને પણ પ્રોત્સાહન મળશે.
શ્રદ્ધાળુઓને GPCBની અપીલ
GPCB દ્વારા રાજ્યના નાગરિકો અને શ્રદ્ધાળુઓને આ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવાની સાથે પર્યાવરણની સુરક્ષા કરવી પણ દરેકની જવાબદારી છે.




