Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના જાહેર, શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને મળશે રોકડ ઇનામ

Atal Good Governance Award Gujarat: રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વધુ એક મહત્વનો...
R Gajjar
R GajjarUpdated on: 21 Sep 2026 04:12 PM IST
ગુજરાતમાં ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના જાહેર, શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને મળશે રોકડ ઇનામગુજરાતમાં ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના જાહેર, શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને મળશે રોકડ ઇનામ

Atal Good Governance Award Gujarat

Atal Good Governance Award Gujarat: રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ રાજ્ય સરકારે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્કૃષ્ટ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે.

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહિવટ વિભાગ (જીએડી)ના ઠરાવ મુજબ અટલ સુશાસન પુરસ્કાર યોજના ચાલુ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવેલ છે અને આગામી વર્ષોમાં પણ ચાલુ રાખવામાં આવશે. યોજનામાં કામગીરીના મૂલ્યાંકન માટેનો સમયગાળો દર વર્ષે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે.

અટલ સુશાસન પુરસ્કાર યોજના 25 ડિસેમ્બર, 2024થી શરૂ થયેલી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાં સુશાસનને પ્રોત્સાહન આપવા હાથ ધરાયેલી પહેલોના અનુસંધાનમાં અમલમાં મૂકવામાં આવી છે. આ રીતે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના હેઠળ 7 વિભાગોના 7 મહત્વના અધિકારી સંવર્ગને આવરી લઈને દર વર્ષે તેમની શ્રેષ્ઠ કામગીરીની ઓળખ, મૂલ્યાંકન અને સન્માનની સુવ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં આવશે.

પ્રજા સાથે સીધા જોડાયેલા 7 મહત્વના વિભાગોના અધિકારીઓને તક

‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના હેઠળ રાજ્યના કુલ 7 વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ વિભાગોમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ લોકો સાથે સીધા સંકળાયેલા અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ 7 વિભાગોમાં - 1. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ : આ વિભાગમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), વર્ગ-1ને પુરસ્કાર માટે પાત્ર ગણવામાં આવ્યા છે. 2. શિક્ષણ વિભાગ :

શિક્ષણ ક્ષેત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO), વર્ગ-1ને પુરસ્કાર માટે આવરી લેવામાં આવ્યા છે. 3. માર્ગ અને મકાન વિભાગ : જિલ્લા સ્તરે વિકાસલક્ષી માળખાકીય કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઈજનેર (Executive Engineer), વર્ગ-1ને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. 4. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ : આ વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારી (DSO), વર્ગ-1ની કામગીરીનું મૂલ્યાંકન થશે. 5. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ : આ વિભાગમાંથી જિલ્લા રમતગમત અધિકારી (DSO), વર્ગ-2ને પુરસ્કાર માટે પાત્ર ગણવામાં આવ્યા છે. 6. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ : આ વિભાગમાં તાલુકા કક્ષાએ મહત્વની જવાબદારી સંભાળતા તાલુકા વિકાસ અધિકારી (TDO), વર્ગ-2નો સમાવેશ કરવામાં આવ્યો છે. 7. મહેસૂલ વિભાગ : મહેસૂલ વહીવટમાં મહત્વની ભૂમિકા ધરાવતા મામલતદાર, વર્ગ-2ને પણ આ યોજના હેઠળ પુરસ્કાર આપવામાં આવશે.

વર્ગ-1ના અધિકારીઓને રૂ.31 હજારનું પુરસ્કાર તથા પ્રમાણપત્ર

યોજનામાં અધિકારીઓના સંવર્ગ પ્રમાણે પુરસ્કારની રકમ નક્કી કરવામાં આવી છે. વર્ગ-1ના અધિકારીઓ માટે રૂ.31,000નું રોકડ પુરસ્કાર અને વર્ગ-2ના અધિકારીઓને રૂ.21,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ ઉપરાંત દરેક વિજેતા અધિકારીને ‘Certificate of Excellence – Atal Good Governance Award’ એનાયત કરવામાં આવશે. આ પ્રમાણપત્રમાં અધિકારીની જાહેર સેવા પ્રત્યેની નિષ્ઠા, નાગરિકકેન્દ્રિત વહીવટ અને રાજ્યમાં સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં આપેલા યોગદાનને માન્યતા આપવામાં આવશે.

કામગીરીનું મૂલ્યાંકન કેવી રીતે થશે?

પુરસ્કાર માટે અધિકારીઓની પસંદગી માત્ર સામાન્ય કામગીરીના આધારે નહીં, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા અગાઉથી નિર્ધારિત મૂલ્યાંકન મુદ્દાઓ અને માપદંડોના આધારે કરવામાં આવશે. જીએડીના ઠરાવ મુજબ સંબંધિત વિભાગોમાં અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે અલગથી મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવશે. ક્રમાંક 1થી 5માં આવતાં અધિકારીઓ માટે સંબંધિત વિભાગના સચિવશ્રીની અધ્યક્ષતામાં સમિતિ રહેશે. તેમાં સંબંધિત ખાતાના વડા તથા સંબંધિત મહેકમના અધિક સચિવ/સંયુક્ત સચિવ/નાયબ સચિવનો સમાવેશ કરવામાં આવશે.

બીજી તરફ, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની કામગીરીના મૂલ્યાંકન માટે જિલ્લા સ્તરે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંબંધિત કામગીરીના મૂલ્યાંકન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી નાયબ કલેક્ટરનો સમાવેશ કરતી સમિતિની જોગવાઈ છે. આ ઉપરાંત, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર માટે સંબંધિત વિભાગીય સ્તરે પણ અલગ વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી છે. પંચાયત સંબંધિત કામગીરી માટે અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ પંચાયત અધ્યક્ષ રહેશે, જ્યારે મહેસૂલ સંબંધિત કામગીરી માટે અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ મહેસૂલ અધ્યક્ષ રહેશે.

વિજેતાઓને 1થી 3 ક્રમ આપવામાં આવશે

નિર્ધારિત મૂલ્યાંકન માપદંડોના આધારે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓની પસંદગી કરવામાં આવશે. મૂલ્યાંકન બાદ વિજેતા અધિકારીઓને 1થી 3 ક્રમાંક આપવામાં આવશે. એટલે કે પસંદગી પ્રક્રિયામાં કામગીરીના માપદંડોને આધારે અધિકારીઓનું મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ કામગીરીને ઓળખ આપવામાં આવશે.

30 નવેમ્બર સુધી મૂલ્યાંકન પૂર્ણ કરવાનું રહેશે

યોજનામાં માત્ર પુરસ્કાર જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.

સંબંધિત વિભાગોએ દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ વિજેતા અધિકારીઓના નામ અંગેનો હુકમ, પુરસ્કાર માટેનું પ્રમાણપત્ર અને ચેક તૈયાર કરીને 10 ડિસેમ્બર પહેલાં સામાન્ય વહીવટ વિભાગની વસુતાપ્ર-2 શાખાને મોકલવાના રહેશે.

25 ડિસેમ્બરે ‘સુશાસન દિવસ’ના કાર્યક્રમમાં સન્માન

આ યોજનાનો મુજબ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિવસે યોજાતા ‘સુશાસન દિવસ’ના કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. વિજેતાઓને પ્રમાણપત્ર ઉપરાંત તેમના સંવર્ગ પ્રમાણે રૂ.31 હજાર અથવા રૂ.21 હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

બજેટમાંથી થશે પુરસ્કારનો ખર્ચ

પુરસ્કાર માટે થનારો ખર્ચ સંબંધિત વિભાગે પોતાના બજેટમાં ‘0500 - Awards’ હેઠળ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે. એવી પણ જોગવાઈ કરવામાં આવી છે અને સંબંધિત વિજેતા અધિકારીઓએ ચેકની અવધિ પૂર્ણ થાય તે પહેલાં ઇનામી રકમનો ઉપયોગ કરવા સુચના આપવામાં આવી છે.

સુશાસન માટે કામગીરીને મળશે સંસ્થાકીય માન્યતા

‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે સરકારી સેવાઓ સાથે સીધા સંકળાયેલા અધિકારીઓની કામગીરીને સત્તાવાર રીતે ઓળખ આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આરોગ્ય, શિક્ષણ, માર્ગ-મકાન, પુરવઠો, રમતગમત, પંચાયત અને મહેસૂલ જેવા નાગરિકજીવન સાથે સીધા જોડાયેલા ક્ષેત્રોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ દર વર્ષે કામગીરીનું મૂલ્યાંકન, વિજેતાઓની પસંદગી, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર અને 25 ડિસેમ્બરના સુશાસન દિવસના કાર્યક્રમમાં સન્માન—આ સમગ્ર પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે. પરિણામે ઉત્તમ કામગીરીને માત્ર આંતરિક વહીવટી નોંધ સુધી સીમિત રાખવાને બદલે તેને સત્તાવાર પુરસ્કાર અને જાહેર સન્માન સાથે જોડવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]