ગુજરાતે લોન્ચ કરી ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ, પર્યાવરણ બચાવશો તો મળશે ગ્રીન પોઈન્ટ્સ



AI Green Citizen Score Gujarat:
ગુજરાતે લોન્ચ કરી ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ, પર્યાવરણ બચાવશો તો મળશે ગ્રીન પોઈન્ટ્સ



AI Green Citizen Score Gujarat:
AI Green Citizen Score Gujarat: પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારી વધારવા ગુજરાત સરકારે નવી ડિજિટલ પહેલ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપનો મુખ્ય હેતુ નાગરિકોને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો અને તેમની ગ્રીન પ્રવૃત્તિઓને ડિજિટલ રીતે નોંધવાનો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ નાગરિકોને વૃક્ષારોપણ, કચરાનું વિભાજન અને રિસાયક્લિંગ, પ્લાસ્ટિક એકત્રિતકરણ, જળ સંરક્ષણ, સાયક્લિંગ તેમજ જાહેર પરિવહન જેવી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તેની નોંધ એપ પર કરવા અપીલ કરી છે.

શું છે AI ગ્રીન સિટિઝન સ્કોર?
‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એક મોબાઇલ આધારિત પર્યાવરણીય યોગદાન અને ગ્રીન એક્શન ટ્રેકિંગ સિસ્ટમ છે. નાગરિકો પોતાના રોજિંદા જીવનમાં કરવામાં આવતી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની વિગતો એપ પર નોંધાવી શકશે. પ્રવૃત્તિની ચકાસણી થયા બાદ યોગ્ય પ્રવૃત્તિ માટે નાગરિકોને ગ્રીન પોઈન્ટ્સ આપવામાં આવશે. આ પોઈન્ટ્સના આધારે તેમનો ગ્રીન સ્કોર તૈયાર થશે. આ રીતે નાગરિકો પોતાના પર્યાવરણલક્ષી યોગદાનનો ડિજિટલ રેકોર્ડ પણ જોઈ શકશે.

કઈ-કઈ પ્રવૃત્તિ માટે મળશે ગ્રીન પોઈન્ટ્સ?
એપમાં પર્યાવરણ અને ટકાઉ જીવનશૈલી સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વૃક્ષારોપણ: વૃક્ષારોપણમાં કરેલી ભાગીદારીની નોંધ કરી શકાશે.
કચરા વ્યવસ્થાપન: કચરાનું વિભાજન, રિસાયક્લિંગ અને સ્વચ્છતા સંબંધિત કામગીરી નોંધાવી શકાશે.
પ્લાસ્ટિક એકત્રિતકરણ: પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાશે.
જળ સંરક્ષણ: પાણી બચાવવા અને જળ સંસાધનોના સંરક્ષણ માટે કરવામાં આવતી કામગીરીની નોંધ કરી શકાશે.
ગ્રીન મોબિલિટી: પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, જાહેર પરિવહનનો ઉપયોગ અને કારપૂલિંગ જેવી પ્રવૃત્તિઓને પણ માન્યતા મળશે.
ગ્રીન કેમ્પેઇન: વિવિધ પર્યાવરણલક્ષી અભિયાનોની માહિતી મેળવી તેમાં ભાગ લઈ શકાશે.

AIથી થશે પ્રવૃત્તિઓની ચકાસણી
આ પ્લેટફોર્મમાં AI આધારિત સુવિધાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. લાગુ પડતી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ માટે ફોટોગ્રાફ્સ અને સ્થળની માહિતી સહિતના પુરાવાની ચકાસણીમાં AI ટેક્નોલોજી મદદરૂપ થશે. આ ઉપરાંત એપમાં ‘AI ગ્રીન આસિસ્ટન્ટ’ની સુવિધા પણ આપવામાં આવી છે. આ આસિસ્ટન્ટ નાગરિકોને ગ્રીન પ્રવૃત્તિઓ, અભિયાનો અને ગ્રીન પોઈન્ટ્સ અંગે માર્ગદર્શન આપશે.

લીડરબોર્ડથી પોતાની પ્રગતિ પણ જોઈ શકાશે
એપમાં નાગરિકો માટે પ્રવૃત્તિનો ઇતિહાસ, પોઈન્ટ્સ અને ગ્રીન સ્કોર જોવા ઉપરાંત લીડરબોર્ડની સુવિધા પણ આપવામાં આવી છે. તેના દ્વારા વપરાશકર્તાઓ પોતાની પ્રગતિને ટ્રેક કરી શકશે અને પ્લેટફોર્મ પર પોતાની સ્થિતિ જોઈ શકશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતીના જણાવ્યા અનુસાર, આ પહેલનો હેતુ પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારીને સરળ, માપી શકાય તેવી અને રસપ્રદ બનાવવાનો છે.
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડે બનાવી એપ
આ મોબાઇલ એપનું નિર્માણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ડિજિટલ અને AI ક્ષમતાઓના ઉપયોગથી નાગરિકોની પર્યાવરણ અને આબોહવા સંબંધિત કામગીરીમાં ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મને નાગરિકો માટે એક પ્રકારની ડિજિટલ ‘ગ્રીન ડાયરી’ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં ચકાસાયેલી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનો રેકોર્ડ, ગ્રીન પોઈન્ટ્સ અને ગ્રીન સ્કોર જોવા મળશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





