ગાંધીનગરમાં ભારતીય પેરા આર્ચર્સની સઘન તૈયારી, અમદાવાદમાં યોજાશે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ

World Archery Para Series Ahmedabad 2026: અમદાવાદમાં યોજાનારી પ્રતિષ્ઠિત ‘અમદાવાદ 2026 હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ’ માટે ભારતીય પેરા આર્ચરી ટીમે તૈયારીઓ તેજ કરી છે. 29 સભ્યોની ભારતીય ટીમ હાલમાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
World Archery Para Series Ahmedabad 2026World Archery Para Series Ahmedabad 2026

World Archery Para Series Ahmedabad 2026

World Archery Para Series Ahmedabad 2026: અમદાવાદમાં યોજાનારી પ્રતિષ્ઠિત ‘અમદાવાદ 2026 હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ’ માટે ભારતીય પેરા આર્ચરી ટીમે તૈયારીઓ તેજ કરી છે. 29 સભ્યોની ભારતીય ટીમ હાલમાં ગાંધીનગર સ્થિત SAI, NCoE ખાતે સઘન તાલીમ લઈ રહી છે. ખેલાડીઓ અમદાવાદમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરવા માટે મેદાન પર પરસેવો પાડી રહ્યા છે.

5થી 9 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં વર્લ્ડ સિરીઝ

તાલીમ શિબિર પૂર્ણ કર્યા બાદ ભારતીય ટીમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભાગ લેશે. આ સ્પર્ધા 5થી 9 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. ભારત પ્રથમ વખત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન કરી રહ્યું છે. જેના કારણે અમદાવાદમાં યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ભારતીય પેરા આર્ચરી માટે મહત્વપૂર્ણ બની છે.

વર્લ્ડ પેરા સિરીઝનો અમદાવાદમાં ત્રીજો તબક્કો

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનો પ્રથમ તબક્કો એપ્રિલ 2026માં થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયો હતો. આ તબક્કામાં ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં પાયલ નાગે સુવર્ણ પદક પણ જીત્યું હતું. ત્યારબાદ બીજો તબક્કો 30 જૂનથી 4 જુલાઈ, 2026 દરમિયાન ચેકિયામાં યોજાયો હતો. અમદાવાદમાં યોજાનારી સ્પર્ધા સિરીઝનો ત્રીજો તબક્કો હશે. જ્યારે ચોથો તબક્કો ઓક્ટોબર 2026માં ચિલીના સેન્ટિયાગોમાં યોજાવાનો છે.

ચાર કેટેગરીમાં ખેલાડીઓ આપશે પડકાર

વર્લ્ડ પેરા સિરીઝમાં ચાર મુખ્ય વિભાગોનો સમાવેશ થાય છે. જેમાં રિકર્વ, કમ્પાઉન્ડ, W1 અને VI કેટેગરીનો સમાવેશ થાય છે. ભારતીય ટીમમાં પેરિસ પેરાલિમ્પિક્સના મેડલ વિજેતા શીતલ દેવી, રાકેશ કુમાર અને હરવિંદર સિંહ ઉપરાંત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝના મેડલ વિજેતા શ્યામ સુંદર સ્વામી અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા તોમન કુમાર જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ગાંધીનગરમાં ખેલાડીઓને મળી રહી છે ઉત્તમ સુવિધા

પેરા આર્ચરી ટીમના કોચ-કમ-મેનેજર સુરેન્દ્ર સિંહ રંધાવાએ SAI મીડિયા સાથે વાતચીત દરમિયાન ગાંધીનગર સ્થિત તાલીમ શિબિર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે SAI ગાંધીનગર દ્વારા ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમ માટેનું મેદાન પણ ઉત્તમ છે અને SAIના અધિકારીઓ તરફથી ટીમને સારો સહયોગ મળી રહ્યો છે.

29માંથી 11 ખેલાડીઓ એશિયન ગેમ્સ માટે પણ પસંદ

ગાંધીનગર ખાતે ચાલી રહેલી તાલીમ શિબિરની ખાસિયત એ પણ છે કે 29 ખેલાડીઓમાંથી 11 તીરંદાજોની પસંદગી આગામી આઈચી-નાગોયા એશિયન ગેમ્સ માટે થઈ ચૂકી છે. રંધાવાના જણાવ્યા અનુસાર, આ 11 ખેલાડીઓની પસંદગી અગાઉ સોનીપતમાં યોજાયેલી પસંદગી ટ્રાયલ્સ દરમિયાન કરવામાં આવી હતી. હવે તેઓ અમદાવાદની વર્લ્ડ સિરીઝ સાથે આગામી એશિયન ગેમ્સ માટે પણ પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

અમદાવાદમાં ભારતીય પેરા આર્ચર્સની પ્રતિભા જોવા મળશે

અમદાવાદમાં પ્રથમ વખત યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝને કારણે ભારતીય ખેલાડીઓ માટે ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની મોટી તક છે. ગાંધીનગરની તાલીમ શિબિર બાદ ભારતીય ટીમ અમદાવાદમાં મેડલ માટે મેદાનમાં ઉતરશે.