માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક



Eco Friendly Ganesh Idols Gujarat
માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક



Eco Friendly Ganesh Idols Gujarat
Eco Friendly Ganesh Idols Gujarat: પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળના ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં યોજાયેલા માટી મૂર્તિ મેળો-2026’ને ભવ્ય સફળતા મળી છે. સાત દિવસ દરમિયાન રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલી 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની માટીની મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણ થકી કારીગરોએ અંદાજે રૂ. 5 કરોડની આવક મેળવી છે.

361 કારીગરોને 186 ટન માટીનું વિતરણ
માટી મૂર્તિ મેળાના આયોજન માટે સંસ્થાન દ્વારા 361 માટી મૂર્તિકારોને કુલ 186 ટન ‘રેડી-ટુ-યુઝ’ માટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મૂર્તિઓના વેચાણ માટે કારીગરોને 100 ટકા સબસિડી સાથે વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોજાયેલા આ મેળામાં પર્યાવરણપ્રેમી ગણેશભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમદાવાદ હાટમાં રૂ. 1.91 કરોડથી વધુનું વેચાણ
મેળામાં અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સૌથી વધુ રૂ. 1.91 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. જ્યારે સુરતના અડાજણ ખાતે સૌથી વધુ 7,920 મૂર્તિઓનું વેચાણ થયું હતું, જેની કિંમત રૂ. 1.11 કરોડથી વધુ રહી હતી.

અન્ય સ્થળોએ થયેલા વેચાણની વાત કરીએ તો:
વડોદરા પારસી અગિયારી મેદાન: 79 સ્ટોલમાં રૂ. 85.77 લાખ
સાબરમતી રિવરફ્રન્ટ: 124 સ્ટોલમાં રૂ. 77.99 લાખ
અમદાવાદ બોપલ હસ્તકલા હાટ: 30 સ્ટોલમાં રૂ. 32.55 લાખ
આ આંકડા માટીની ગણેશ મૂર્તિઓ પ્રત્યે લોકોમાં વધી રહેલી પર્યાવરણલક્ષી જાગૃતિ અને સ્થાનિક કારીગરોના ઉત્પાદનો પ્રત્યેના વધતા વિશ્વાસને દર્શાવે છે.

84,500થી વધુ વિદ્યાર્થીઓને માટીની મૂર્તિ બનાવવાનું નિદર્શન
માટી મૂર્તિ મેળા દરમિયાન માત્ર મૂર્તિઓના વેચાણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ન હતું. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત 10 જિલ્લાની 302 શાળાઓના 84,500થી વધુ વિદ્યાર્થીઓને માટીની મૂર્તિ બનાવવાનું લાઈવ નિદર્શન તેમજ DIY એટલે કે ‘Do It Yourself’ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ અને ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહિલા કારીગરોને પણ રોજગારીની તક
માટી મૂર્તિ નિર્માણની આ પહેલ માત્ર પુરુષ કારીગરો પૂરતી સીમિત રહી નથી. મૂર્તિ નિર્માણ અને સુશોભનની કામગીરી સાથે જોડાયેલી કારીગર પરિવારોની મહિલાઓને પણ ઘરઆંગણે રોજગારી અને આવકનું સાધન મળ્યું છે. આ રીતે માટીની મૂર્તિઓનું ઉત્પાદન મહિલા સશક્તીકરણનું પણ માધ્યમ બની રહ્યું છે.
POPની મૂર્તિઓના વિકલ્પ તરીકે માટીની મૂર્તિઓને પ્રોત્સાહન
ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2014-15 સુધી રાજ્યમાં સ્થાપિત થતી ગણેશ મૂર્તિઓમાંથી અંદાજે 90 ટકા મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની બનતી હતી. POP પાણીમાં સરળતાથી ઓગળતું ન હોવાથી જળસ્ત્રોતો અને જળચરો પર તેની અસર થતી હોવાના કારણે માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2015-16થી ‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ નોંધાયેલા કારીગરોને 50 ટકા સબસિડી દરે ‘રેડી-ટુ-યુઝ’ માટી, વિનામૂલ્યે વેચાણ સ્ટોલ તેમજ દૈનિક રૂ. 1,000ની મેળાસહાય આપવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે રાજ્યમાં POPની મૂર્તિઓનો ઉપયોગ ઘટ્યો છે અને ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ તરફ લોકોનો ઝોક વધ્યો છે.
‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ તથા રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ મેળાએ ‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને પ્રોત્સાહન આપ્યું છે. માટી મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના હવે માત્ર સરકારી સહાય પૂરતી મર્યાદિત ન રહેતાં કારીગરો માટે આર્થિક રીતે સક્ષમ મોડેલ બની રહી છે. આ પ્રકારના મેળાઓના માધ્યમથી પરંપરા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ્ય કૌશલ્યને એકસાથે પ્રોત્સાહન મળી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





