ગાંધીનગરના ચંદ્રાલામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બે દિવસીય મુલાકાત, 500 રોપાનું વાવેતર કરી સ્વચ્છતાનો સંદેશ


Acharya Devvrat Chandrala Visit
ગાંધીનગરના ચંદ્રાલામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બે દિવસીય મુલાકાત, 500 રોપાનું વાવેતર કરી સ્વચ્છતાનો સંદેશ


Acharya Devvrat Chandrala Visit
Acharya Devvrat Chandrala Visit: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. ગામમાં ગ્રામજનોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણ તથા સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત 500 રોપાનું વાવેતર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત જ્યોતિ વિદ્યામંદિરના પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 23 જેટલી વિવિધ પ્રજાતિના કુલ 500 રોપા વાવવામાં આવ્યા હતા. તેમાં આયુર્વેદિક, ફળાઉ અને ઘટાદાર વૃક્ષોના રોપાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

“વૃક્ષો આપણા માટે સાક્ષાત દેવતા સમાન”
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૃક્ષોના મહત્વ અંગે જણાવ્યું હતું કે અન્ન અને પાણી વિના માણસ થોડા દિવસ જીવી શકે છે, પરંતુ ઓક્સિજન વિના જીવન શક્ય નથી. તેમણે કહ્યું કે અશુદ્ધ હવા ગ્રહણ કરીને શુદ્ધ ઓક્સિજન આપતા વૃક્ષો આપણા માટે સાક્ષાત દેવતા સમાન છે. તેમણે રોપા વાવ્યા બાદ તેની યોગ્ય જાળવણી ન થાય અને રોપા સુકાઈ જાય તો તે ગંભીર બેદરકારી હોવાનું જણાવ્યું હતું. તેમના મતે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રોપાનું નિયમિત જતન કરવામાં આવે તો તે આગામી પેઢીઓને પણ છાંયો, ફળ અને શુદ્ધ હવા આપી શકે છે.

જન્મદિવસ અને વર્ષગાંઠે વૃક્ષ વાવવાની અપીલ
રાજ્યપાલે ગ્રામજનો અને નાગરિકોને પોતાના અથવા બાળકોના જન્મદિવસ તથા લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેની માવજત કરવાની અપીલ કરી હતી.
રાજ્યપાલે જાતે હાથમાં ઝાડૂ પકડી સ્વચ્છતા કરી
વૃક્ષારોપણ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચંદ્રાલા ગામમાં ગ્રામજનો અને સ્થાનિક સફાઈકર્મીઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો. તેમણે જાતે ઝાડૂ પકડીને સફાઈ કરી હતી. આ પ્રસંગે તેમણે સફાઈ કર્મચારીઓનું સન્માન કરતાં જણાવ્યું હતું કે સમાજને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સફાઈ મિત્રોનું સન્માન થવું જોઈએ.
ચંદ્રાલાની સફાઈ વ્યવસ્થાની કરી પ્રશંસા
રાજ્યપાલે ચંદ્રાલા ગામની સ્વચ્છતા વ્યવસ્થાની પ્રશંસા કરી હતી અને તેને અન્ય ગામો માટે અનુકરણીય ઉદાહરણ ગણાવ્યું હતું. વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન થકી ગ્રામજનોને પર્યાવરણ અને જાહેર સ્વચ્છતા અંગે વધુ જાગૃત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
અધિકારીઓ અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક વાસમસેટ્ટી રવિ તેજા, સરપંચ શિલ્પાબેન પટેલ સહિત વન વિભાગ, વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




