DyCM હર્ષ સંઘવીએ ચોટીલા ખાતે મા ચામુંડાના દર્શન કરી ધ્વજારોહણ કર્યું


DyCM Harsh Sanghvi
DyCM હર્ષ સંઘવીએ ચોટીલા ખાતે મા ચામુંડાના દર્શન કરી ધ્વજારોહણ કર્યું


DyCM Harsh Sanghvi
શક્તિ અને આરાધનાના પાવન પર્વ એવા નવરાત્રી મહોત્સવના દિવ્ય માહોલ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના જગપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે જગતજનની મા ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યની સુખાકારી, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પૂજા-અર્ચના કરી વિધિપૂર્વક ધ્વજારોહણ કર્યું હતું.
શૌર્યસભર 'તલવાર રાસ' સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો
નાયબ મુખ્યમંત્રી ચોટીલા તળેટી ખાતે પધારતાની સાથે ઝાલાવાડી છત્રીઓ, પરંપરાગત ઢોલ-શરણાઈના મંગલ સૂરો તેમજ પરંપરાગત રાસ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મહાનુભાવો દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સ્થાનિક સંસ્કૃતિને અનુરૂપ ઝાલાવાડી કોટી અને પાઘડી પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ અવસરે દીકરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ શૌર્યસભર 'તલવાર રાસ' સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ તકે ઉપસ્થિત વિશાળ જનમેદની અને ભાવિ ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું.
ચોટીલા ડુંગર ઉપર આયોજિત પોલીસ પરિવાર ગરબામાં થયા સહભાગી
તળેટીમાં ધ્વજાપૂજન બાદ ડુંગર પર આવેલા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક પૂજા-વિધિ સંપન્ન કરી મા ચામુંડાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે રાજ્યના નાગરિકોના જીવનમાં ખુશાલી અને પ્રગતિની કામના કરી હતી. આ તકે ચોટીલા ડુંગર ઉપર પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબામાં સહભાગી થયા હતા. તેમજ કલાકારો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધી તેમની કલાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, શારદીય નવરાત્રી પર્વ દરમિયાન મા ચામુંડાના દર્શનાર્થે પધારતા લાખો ભક્તોની સુવિધા અને સુખાકારી માટે પ્રશાસન દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે આવશે ગુજરાતની મુલાકાતે, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી





