Get News Alerts

Never miss breaking news updates.

Surat News: ઈચ્છાપોરમાં 71 વર્ષના વૃદ્ધની હત્યા, ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા

Surat News: સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભટલાઈ ગામમાં 71 વર્ષના વૃદ્ધની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 05:22 PM IST
Surat News: ઈચ્છાપોરમાં 71 વર્ષના વૃદ્ધની હત્યા, ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયાSurat News: ઈચ્છાપોરમાં 71 વર્ષના વૃદ્ધની હત્યા, ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા

Surat News

Surat News: સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભટલાઈ ગામમાં 71 વર્ષના વૃદ્ધની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિવૃત્ત પોસ્ટ માસ્ટર નગીનભાઈ વનમાળીભાઈ પટેલની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપોર પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ત્રણેય આરોપીઓએ નગીનભાઈને પકડી હથોડી વડે હુમલો કર્યો

મળતી માહિતી મુજબ, નગીનભાઈ પટેલ નિવૃત્તિ બાદ જીવન વિતાવતા હતા. ભટલાઈ ગામમાં તેમની અને તેમના પરિવારની જમીન પર કોલોની બનાવવામાં આવી છે, જ્યાં હજીરા અને ઇચ્છાપોરની વિવિધ કંપનીઓમાં કામ કરતા મજૂરો ભાડેથી રહે છે. કોલોનીમાં રહેતા કેટલાક મજૂરોના રૂમમાં સ્પીકર પર મોટા અવાજે ગીતો વાગતા હતા. આથી નગીનભાઈ તેમને અવાજ ઓછો કરવા સમજાવવા ગયા હતા. આ દરમિયાન તેમની ત્રણ મજૂરો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં ત્રણેય આરોપીઓએ નગીનભાઈને પકડી હથોડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું મોત થયું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓએ રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.

ત્રણેય આરોપી અલગ-અલગ કંપનીઓમાં લોડિંગનું મજૂરીકામ કરતા હતા

પોલીસે બે આરોપીઓને ઈચ્છાપોર વિસ્તારની અલગ-અલગ સોસાયટીમાંથી ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રીજા આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી પકડી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓના નામ સુવેન્દુ ગણેશ, શંકરસિંહ શિબુસિંહ અને સંતોષ ઉર્ફે સુપ્રિયો કોનાગા છે. પોલીસ તપાસ મુજબ, ત્રણેય પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને અલગ-અલગ કંપનીઓમાં લોડિંગનું મજૂરીકામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ કોઈ ગુનાહિત નોંધ મળી નથી. જોકે, પોલીસ દ્વારા વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં હત્યા પાછળના સંજોગો અને અન્ય વિગતો અંગે પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: છત્રાલ GIDCમાં બોઈલર ફાટતા 4 લોકોના મોત, કંપનીમાં દુર્ઘટનાથી ચકચાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.