Get News Alerts

Never miss breaking news updates.

Vavta Parv : ખારવા સમાજે ભવ્ય રીતે ઉજવ્યો વાવટા પર્વ, દરિયાદેવ પાસે માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના

Vavta Parv : દીવના ઘોઘલા ગામમાં રક્ષાબંધનના પાવન દિવસે ખારવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વાવટા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માછીમારો અને તેમના પરિવારજનોની દરિયાદેવ પાસેથી
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Aug 2026 04:14 PM IST
Vavta Parv : ખારવા સમાજે ભવ્ય રીતે ઉજવ્યો વાવટા પર્વ, દરિયાદેવ પાસે માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થનાVavta Parv : ખારવા સમાજે ભવ્ય રીતે ઉજવ્યો વાવટા પર્વ, દરિયાદેવ પાસે માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના

Vavta Parv

Vavta Parv : દીવના ઘોઘલા ગામમાં રક્ષાબંધનના પાવન દિવસે ખારવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વાવટા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માછીમારો અને તેમના પરિવારજનોની દરિયાદેવ પાસેથી સુરક્ષા અને સલામતીની પ્રાર્થના સાથે આ પરંપરાગત પર્વ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાયો.

કુળદેવતા અને દરિયાદેવની પૂજા

વાવટા પર્વના દિવસે ખારવા સમાજના લોકો વહેલી સવારથી જ ઉત્સવની તૈયારીઓમાં લાગી ગયા હતા. સમાજની બહેનોએ પોતાના કુળદેવતાને નૈવેધ અર્પણ કરી પૂજા કરી હતી. ત્યારબાદ દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી.

બહેનોએ રાખ્યું વ્રત, ભાઈને બાંધી રાખડી

આ પર્વ સાથે રક્ષાબંધનની પરંપરા પણ જોડાયેલી છે. ખારવા સમાજની અનેક બહેનોએ દિવસ દરમિયાન વ્રત રાખીને દરિયાદેવની પૂજા કરી હતી અને ત્યારબાદ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી.

માછીમારોની સુરક્ષા માટે દરિયામાં પૂજા

ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારી અને દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલો હોવાથી દરિયાદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. પૂજા દરમિયાન શ્રીફળ, ફૂલહાર અને ગંગાજળ દરિયામાં અર્પણ કરી સમાજ અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

બોટ અને પીલાણીઓને રંગબેરંગી શણગાર

વાવટા પર્વ નિમિત્તે માછીમારોની આજીવિકાનું મુખ્ય સાધન એવી બોટ અને પીલાણીઓને રંગબેરંગી ધજા અને તોરણોથી શણગારવામાં આવી હતી. જેના કારણે ઘોઘલાનો દરિયાકાંઠો ઉત્સવના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો.

સાત ચોરામાં વાવટાની સ્થાપના

બપોરે 1 વાગ્યા બાદ ખારવા સમાજના પટેલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના સાત ચોરામાં સાત વાવટા (ધજા)ની સ્થાપના કરવામાં આવી હતી. દરેક ચોરામાં વાવટાનું પૂજન કરી શ્રીફળ અને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

સાત વાવટાની ભવ્ય શોભાયાત્રા

પૂજા બાદ સાતેય વાવટાને ક્રમ પ્રમાણે ગામની શેરીઓમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે શોભાયાત્રામાં ફેરવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો આ પરંપરાગત ઉજવણીમાં જોડાયા હતા.

માછીમારોના રક્ષણ માટે અનોખી પરંપરા

વાવટા પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયો ખેડતા માછીમારોને દરિયાદેવનું રક્ષણ અને આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરવાનો છે. સાત વાવટાને સાત ચોરામાં ફેરવ્યા બાદ દરિયા સુધી લઈ જઈ માછીમારોની સલામતી અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ઘોઘલાની લોકસંસ્કૃતિ અને ખારવા સમાજની દરિયા સાથેની અતૂટ આસ્થાનું જીવંત ઉદાહરણ છે.

આ પણ વાંચો : Rajkot: 76 વર્ષીય મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.