Dahod News : દાહોદના ડુંગરા ગામમાં આંગણવાડીના પૂરક પોષણ આહારમાં વિલંબ, તેલ, દાળ અને ચણા માટે લાભાર્થીઓએ ત્રણ મહિના સુધી જોવી પડે છે રાહ

Dahod News : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામમાંથી આંગણવાડી દ્વારા આપવામાં આવતા પૂરક પોષણ આહારના વિતરણમાં વિલંબ થતો હોવાની ફરિયાદ સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Dahod News  આંગણવાડીના પૂરક પોષણ આહારમાં વિલંબDahod News  આંગણવાડીના પૂરક પોષણ આહારમાં વિલંબ

Dahod News આંગણવાડીના પૂરક પોષણ આહારમાં વિલંબ

Dahod News : સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જોકે, ડુંગરા ગામમાં આ યોજનાના અમલીકરણ સામે સવાલો ઊભા થયા છે.

અહીં લાભાર્થી મહિલાઓને માતૃ શક્તિના પેકેટ તો દર મહિને નિયમિત મળી રહ્યા છે, પરંતુ તેની સાથે આપવામાં આવતું તેલ, દાળ અને ચણાનું વિતરણ દર મહિને થવાને બદલે ત્રણ-ત્રણ મહિને કરવામાં આવતું હોવાની ફરિયાદ છે.

તેલ-દાળ-ચણા માટે લાભાર્થીઓની રાહ

આંગણવાડી કેન્દ્ર મારફતે પોષણ યોજનાનો લાભ મેળવતી મહિલાઓને પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ સગર્ભા અને ધાત્રી મહિલાઓને જરૂરી પોષક તત્ત્વો મળી રહે તેમજ બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસમાં સુધારો થાય તે છે. પરંતુ ડુંગરા ગામમાં વિતરણ વ્યવસ્થામાં નિયમિતતા જળવાતી ન હોવાના કારણે લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લાભાર્થી મહિલાઓના જણાવ્યા અનુસાર, તેમને દર મહિને માતૃ શક્તિના પેકેટ મળી જાય છે, પરંતુ તેલ, દાળ અને ચણા માટે લાંબી રાહ જોવી પડે છે. આ વસ્તુઓ દર મહિને મળવાને બદલે ત્રણ મહિને એકસાથે આપવામાં આવે છે. પરિણામે અગાઉ મળેલો જથ્થો પૂરો થઈ જતાં મહિલાઓને આગામી વિતરણ સુધી રાહ જોવાની ફરજ પડે છે.

માતૃ શક્તિના પેકેટનું નિયમિત વિતરણ નહી!

આ અંગે સ્થાનિક આંગણવાડી કાર્યકરોના જણાવ્યા મુજબ, ઉપરના પુરવઠા તંત્રમાંથી જ તેલ, દાળ અને ચણાનો જથ્થો ત્રણ-ત્રણ મહિને મોકલવામાં આવે છે. તેથી સ્થાનિક સ્તરે નિયમિત વિતરણ કરવામાં મુશ્કેલી સર્જાય છે. એટલે કે, આંગણવાડી કેન્દ્ર સુધી પૂરતો જથ્થો સમયસર પહોંચતો ન હોવાથી લાભાર્થીઓને પણ સમયસર પૂરક પોષણ આહાર મળી શકતો નથી. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે માતૃ શક્તિના પેકેટ દર મહિને આંગણવાડી સુધી પહોંચી શકે છે, તો તેની સાથે આપવામાં આવતું તેલ, દાળ અને ચણાનું વિતરણ પણ દર મહિને કેમ થઈ શકતું નથી?

જો સરકારનો હેતુ મહિલાઓ અને બાળકોને પૂરતું પોષણ આપવાનો છે, તો વિતરણ વ્યવસ્થામાં આવી અનિયમિતતા કેમ જોવા મળી રહી છે?હવે જોવાનું એ રહેશે કે સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) વિભાગ અને સંબંધિત જવાબદાર અધિકારીઓ આ મામલે ક્યારે ધ્યાન આપે છે. ડુંગરા ગામની લાભાર્થી મહિલાઓને પૂરક પોષણ આહારનો જથ્થો નિયમિત મળે અને વિતરણ વ્યવસ્થામાં સુધારો થાય તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો : Surat Crime News : સુરતના ડીંડોલીમાં ચોરીની શંકામાં બે યુવકોનું અપહરણ કરી ઢોર માર માર્યો, એકનું મોત, 6 આરોપી ઝડપાયા