Get News Alerts

Never miss breaking news updates.

Dahod: ‘બોગસ’ શાળા સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 136 વિદ્યાર્થીઓ નોંધાયેલા છતાં વર્ગખંડમાં માત્ર 4 હાજર

Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામની ઉત્તર બુનિયાદી શાળામાં ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 01:37 PM IST
Dahod: ‘બોગસ’ શાળા સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 136 વિદ્યાર્થીઓ નોંધાયેલા છતાં વર્ગખંડમાં માત્ર 4 હાજરDahod: ‘બોગસ’ શાળા સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 136 વિદ્યાર્થીઓ નોંધાયેલા છતાં વર્ગખંડમાં માત્ર 4 હાજર

Dahod

Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામની ઉત્તર બુનિયાદી શાળામાં ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાના આચાર્યને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ અને વાસ્તવિક હાજરી વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. સરકારી ગ્રાન્ટથી ચાલતી આ શાળામાં આચાર્ય અને શિક્ષકો ફરજ બજાવતા હોવા છતાં વિદ્યાર્થીઓની હાજરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

136 વિદ્યાર્થીઓ નોંધાયેલા, હાજર માત્ર 4

શાળાના રેકોર્ડમાં કુલ 136 વિદ્યાર્થીઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. જોકે, જિલ્લા શિક્ષણ અધિકારીની સ્થળ તપાસ દરમિયાન વર્ગખંડમાં માત્ર 4 વિદ્યાર્થીઓ જ હાજર જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ સામે વાસ્તવિક હાજરી અત્યંત ઓછી જોવા મળતા શિક્ષણ વિભાગે ગંભીરતા દાખવી છે.

તપાસ સમયે 27 બાળકો લાવ્યાનો આક્ષેપ

DEOની તપાસ દરમિયાન અન્ય શાળામાંથી 27 બાળકોને લાવીને બોગસ હાજરી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર મામલાને શિક્ષણ વિભાગે ગંભીરતાથી લીધો છે અને આ બાબતે પણ જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

મંજૂરી વિના એક વર્ષથી અન્ય મકાનમાં શાળા

તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે શાળા મંજૂરી વિના છેલ્લા એક વર્ષથી અન્ય મકાનમાં ચલાવવામાં આવી રહી હતી. શાળા સંચાલનની આ કામગીરી અંગે પણ શિક્ષણ વિભાગ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ માટેની 14 સાયકલો ધૂળ ખાતી મળી

સરસ્વતી સાધના યોજના હેઠળ શાળાને મળેલી 14 સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી ન હતી. તપાસ દરમિયાન આ સાયકલો સ્ટોર રૂમમાં ધૂળ ખાતી હાલતમાં મળી આવી હતી.

જ્ઞાનકુંજના સાધનો ગાયબ, ખોટા મહેકમનો મુદ્દો

શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળના સ્માર્ટ બોર્ડ અને લેપટોપ ગાયબ હોવાની વિગતો પણ તપાસ દરમિયાન સામે આવી છે. ઉપરાંત ખોટું મહેકમ દર્શાવી જ્ઞાન સહાયકની માંગણી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે.

SSCમાં 31માંથી એકપણ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર નહીં

શાળાની કામગીરી અંગે સૌથી ગંભીર બાબત તરીકે SSC બોર્ડ પરીક્ષામાં નોંધાયેલા 31 વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત ન રહ્યો હોવાનું જણાવાયું છે. આ સ્થિતિ શાળામાં વિદ્યાર્થીઓના વાસ્તવિક શૈક્ષણિક અસ્તિત્વ અને વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો

સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળામાં શિક્ષકો અને આચાર્ય ફરજ બજાવતા હોવા છતાં વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ખૂબ જ ઓછી હોવાનું સામે આવતાં સમગ્ર વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. હવે DEOની નોટિસ બાદ શાળા તરફથી શું જવાબ આપવામાં આવે છે અને શિક્ષણ વિભાગ આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Rajkot: લોકમેળામાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, સડેલા બટેટા મળી આવતા નાશ કરાયો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.