Dahod News : દાહોદમાં ધાર્મિક આસ્થાના નામે લાખોની ઠગાઈનો આક્ષેપ, હરિદ્વાર યાત્રાના બહાને મહિલાઓને બનાવાઈ નિશાન

Dahod News : દાહોદ જિલ્લામાં ધાર્મિક આસ્થાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Dahod News યાત્રાના નામે ઠગાઈનો આક્ષેપDahod News યાત્રાના નામે ઠગાઈનો આક્ષેપ

Dahod News યાત્રાના નામે ઠગાઈનો આક્ષેપ

Dahod News : હરિદ્વારમાં યોજાનારી ભાગવત કથામાં લઈ જવાના બહાને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. પ્રવાસનું આયોજન કરનારાઓએ ₹4,200ના પેકેજની જાહેરાત કરીને વિવિધ મહિલા મંડળો અને શ્રદ્ધાળુઓ પાસેથી નાણાં એકત્રિત કર્યા હતા. જોકે, નક્કી કરેલી તારીખે બસ ન આવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં અરજીના આધારે તપાસ શરૂ કરાઈ

દાહોદના ગોધરા રોડ પર આવેલા ચામુંડા કોમ્પ્લેક્સમાં ટ્રાવેલ્સના નામે ઓફિસ શરૂ કરવામાં આવી હતી. અહીંથી હરિદ્વાર ભાગવત કથાના ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ માટે વ્યક્તિદીઠ ₹4,200નું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું. આ પેકેજ હેઠળ શ્રદ્ધાળુઓને હરિદ્વાર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ જાહેરાતના આધારે અનેક લોકોએ પ્રવાસમાં જોડાવા માટે નાણાં ચૂકવ્યાં હતાં.આ પ્રવાસ માટે 11 નવેમ્બરના રોજ બસ ઉપડવાની હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધાળુઓએ પ્રવાસની તૈયારીઓ પણ કરી લીધી હતી. ખાસ કરીને લીમડીની આશરે 15 મહિલાઓ સહિત જિલ્લાના અનેક મહિલા મંડળોની મહિલાઓએ આ પ્રવાસ માટે નાણાં જમા કરાવ્યાં હતાં. પરંતુ પ્રવાસની નિર્ધારિત તારીખ નજીક આવતાં જ આયોજકોનો સંપર્ક થઈ શક્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બસની વ્યવસ્થા ન થતાં અને આયોજકો ફરાર થઈ ગયા હોવાની જાણ થતાં ભોગ બનેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ધાર્મિક પ્રવાસના નામે છેતરપિંડી કરાઈ

ધાર્મિક પ્રવાસમાં જવાની આશા રાખીને નાણાં ચૂકવનાર મહિલાઓ સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા વધુ ઘેરી બની છે. આ ઘટનામાં કેટલા લોકો પાસેથી કુલ કેટલી રકમ ઉઘરાવવામાં આવી છે તે અંગે હજુ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. જોકે, અનેક મહિલા મંડળો આ મામલે ભોગ બન્યા હોવાની ફરિયાદ છે.સમગ્ર મામલે ભોગ બનેલી મહિલાઓએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ટ્રાવેલ્સના નામે ઓફિસ ખોલીને પ્રવાસના બહાને નાણાં એકત્રિત કરનાર વ્યક્તિઓ કોણ છે, કેટલા લોકો પાસેથી નાણાં લેવામાં આવ્યાં છે અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.હાલ પોલીસ તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને છેતરપિંડીની કુલ રકમ અંગે વધુ વિગતો સામે આવશે. ધાર્મિક આસ્થાના નામે થયેલા આક્ષેપિત કૌભાંડને પગલે ભોગ બનેલા શ્રદ્ધાળુઓમાં ન્યાયની માગ ઉઠી છે.