ગોહિલવાડ પંથકમાં શ્રદ્ધા-ભક્તિ સાથે શીતળા સાતમની ઉજવણી, મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ

Shitala Satam Bhavnagar: શારીરિક સ્વાસ્થ્ય, પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે શીતળા સાતમ પર્વની ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ શીતળા માતાની પૂજા-અર્ચના કરી...
Rupin Bakraniya
Rupin Bakraniya
Shitala Satam BhavnagarShitala Satam Bhavnagar

Shitala Satam Bhavnagar

Shitala Satam Bhavnagar: શારીરિક સ્વાસ્થ્ય, પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે શીતળા સાતમ પર્વની ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ શીતળા માતાની પૂજા-અર્ચના કરી પરિવારના સુખાકારી અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. ગોહિલવાડ પંથકમાં જન્માષ્ટમી મહાપર્વની શ્રેણી અંતર્ગત નાગપંચમી અને રાંધણ છઠ્ઠ બાદ હવે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. શીતળા માતાને ચોસઠ જોગણી પૈકીની એક દૈવી શક્તિ તરીકે પૂજવામાં આવે છે. પર્વ નિમિત્તે મહિલાઓએ વહેલી સવારે શીતળા માતાના મંદિરે જઈ પૂજા-અર્ચના કરી હતી.

ઘોઘા રોડ અને ચિત્રાના મંદિરોમાં ભક્તોની ભીડ

ભાવનગર શહેરના ઘોઘા રોડ પર રાજાશાહી કાળથી આવેલું શીતળા માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. જ્યારે ચિત્રા ખાતે આવેલા મોક્ષ મંદિરના શીતળા માતાના મંદિરે પણ સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. સદીઓથી આસ્થાના કેન્દ્ર બનેલા આ મંદિરોમાં શીતળા સાતમના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. માતાજીને ઠંડા ભોજનનો નૈવેદ્ય ધરાવી ભક્તોએ પરિવારના આરોગ્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

'ટાઢું' ભોજન આરોગવાની પરંપરા અકબંધ

શીતળા સાતમના દિવસે ઘરોમાં ચૂલો પ્રગટાવવામાં આવતો નથી અને રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરાયેલા વિવિધ વ્યંજનોનું 'ટાઢું' ભોજન આરોગવાની પરંપરા છે. મહિલાઓ દ્વારા શીતળા માતાને ઘઉંના લોટની કુલેર સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. શીતળા માતાની પૂજા સાથે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની કામનાઓ કરવામાં આવી હતી. પર્વને લઈને ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ

શીતળા સાતમની ઉજવણી બાદ હવે જન્માષ્ટમીના મહાપર્વની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં પહોંચી છે. શુક્રવારે ઉજવનારા કૃષ્ણ જન્મોત્સવને લઈને શહેર અને જિલ્લામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.