ભાવનગર ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, 50થી 60 હજાર ભક્તોએ કર્યા દર્શન

ISKCON Bhavnagar Janmashtami Celebration: લીલા સર્કલ નજીક ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલા ઇસ્કોન મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાથી...
Rupin Bakraniya
Rupin Bakraniya
ISKCON Bhavnagar Janmashtami CelebrationISKCON Bhavnagar Janmashtami Celebration

ISKCON Bhavnagar Janmashtami Celebration

ISKCON Bhavnagar Janmashtami Celebration: લીલા સર્કલ નજીક ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલા ઇસ્કોન મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો રાત્રે 12 વાગ્યા સુધી ભક્તોએ આનંદ માણ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે શ્રી શ્રી રાધા મુરલીધરજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભાવિકા બહેન દ્વારા પોતાના હાથે તૈયાર કરવામાં આવેલા સુંદર અને આકર્ષક નવા વાઘા પહેરાવી ભગવાનનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.

251 અન્નકૂટનો ભોગ ધરાવાયો

જન્માષ્ટમીના પાવન પ્રસંગે શ્રી શ્રી રાધા મુરલીધરજીને 251 અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો. મળતી માહિતી મુજબ, સમગ્ર દિવસ દરમિયાન અંદાજે 50થી 60 હજાર ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન કર્યા હતા.

સવારે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત

ઇસ્કોન મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. ત્યારબાદ નરસિંહ આરતી, તુલસી આરતી, દર્શન આરતી, હરે કૃષ્ણ મહામંત્ર નામજપ અને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ ભગવાન શ્રીકૃષ્ણના જન્મની કથા, શ્રી રાધા મુરલીધરજીનો અભિષેક, મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

યુવાનો દ્વારા નૃત્ય-નાટિકા અને મટકી ફોડ કાર્યક્રમ

ઇસ્કોન મંદિરના યુવા ભક્તો દ્વારા શ્રીકૃષ્ણ-સુદામા મિલન, વ્રજવાસી ગોપીઓ અને શ્રીકૃષ્ણ મિલન તેમજ ભોળા ભક્તના ભોળપણને દર્શાવતી નાટિકાઓ રજૂ કરવામાં આવી હતી. મંદિરના મુખ્ય હોલમાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બાળકો અને માતાજીઓએ રાસ-ગરબાથી રંગ જમાવ્યો

ઇસ્કોન મંદિરની પ્રહલાદ સ્કૂલના બાળકો અને માતાજીઓ દ્વારા સુંદર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વાતાવરણ વચ્ચે રાસ-ગરબાની રજૂઆતથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ

જન્માષ્ટમી મહોત્સવમાં ભાવનગરની વિદ્યા ધીસ સ્કૂલના ચેરમેન નીરવભાઈ સુતરિયા, મઢડા, કેતનભાઈ મઢડા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઇસ્કોન મંદિરના અધ્યક્ષ વિમાન વેણુ ગાયક દાસ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની કથા કરવામાં આવી હતી. વેણુ ગાયક દાસ દ્વારા શ્રીકૃષ્ણ લીલા કથાનું પણ રસસભર વર્ણન કરવામાં આવ્યું હતું. આમ, ભાવનગર ઇસ્કોન મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો સમગ્ર મહોત્સવ ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો હતો.