ભાવનગર દારૂકાંડમાં 8ના મોત, 31 સારવાર હેઠળ; પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી


Bhavnagar Liquor Case
ભાવનગર દારૂકાંડમાં 8ના મોત, 31 સારવાર હેઠળ; પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી


Bhavnagar Liquor Case
Bhavnagar Liquor Case: જિલ્લામાં બનેલા ગંભીર દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે, જ્યારે 31 નાગરિકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું લૉ એન્ડ ઓર્ડર આઈજીપી શ્રી મકરંદ ચૌહાણે જણાવ્યું છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાં એક દર્દી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સમગ્ર તપાસ SMCને સોંપાઈ
રાજ્યના પોલીસ વડાના આદેશથી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી છે. ભાવનગરના ભરતનગર અને વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા બાદ કાયદેસરની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરવામાં આવી છે.
13 આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી
આ કેસમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા 13 જેટલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ દરમિયાન સમગ્ર નેટવર્ક, નકલી દારૂના સ્ત્રોત અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
બેદરકારી બદલ પોલીસકર્મીઓ સામે સસ્પેન્શન
દારૂકાંડ મામલે ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર જિલ્લા LCBના પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગર રેન્જ IG દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના D-સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્થાનિક બીટ જમાદારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
કેસમાં તપાસનો ધમધમાટ તેજ
ભાવનગર જિલ્લામાં બનેલી આ ગંભીર ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. એક તરફ SMC દ્વારા સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં 8 લોકોના મોત અને 31 લોકો સારવાર હેઠળ હોવાને કારણે તંત્રની ચિંતા યથાવત છે. પોલીસ તપાસ આગળ વધતાં આ ઘટનાના મૂળ સુધી પહોંચવા અને જવાબદાર લોકો સામે વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.




