Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! નકલી દારૂનું નેટવર્ક ગુજરાત બહાર સુધી ફેલાયું


Bhavnagar
Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! નકલી દારૂનું નેટવર્ક ગુજરાત બહાર સુધી ફેલાયું


Bhavnagar
Bhavnagar : તપાસ દરમિયાન નકલી દારૂ બનાવવાના સમગ્ર નેટવર્ક અંગે મહત્વની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના ગૌતમ સોલંકી, રઈશ અને નરેન્દ્ર યાદવ દ્વારા ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. નકલી દારૂ બનાવવામાં ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી પણ સામે આવી છે.
21 લોકોના નામજોગ ગુનો નોંધાયો
આ મામલે નકલી દારૂ બનાવતા રઈશને ઉજ્જૈનથી ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં તે છેલ્લા આશરે દોઢ મહિનાથી નકલી દારૂ બનાવતો હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે SMC દ્વારા આ નકલી દારૂનું નેટવર્ક કેટલું મોટું હતું અને તેની સપ્લાય ચેઇન ક્યાં સુધી ફેલાયેલી હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
લઠ્ઠાકાંડ મામલે પોલીસ વિભાગના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ છ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરતેજ પોલીસ સ્ટેશનના PI પઢેરિયાને બેદરકારી બદલ જ્યારે LCBના PI મયુરધ્વજસિંહને નૈતિક જવાબદારીના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
રિમાન્ડ બાદ પોલીસ કરી શકે છે વધુ ખુલાસા
બીજી તરફ, સમગ્ર કેસમાં કુલ 21 ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાંથી ઝડપાયેલા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. SMC દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન SMC દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે. નકલી દારૂ બનાવવા માટે જરૂરી કાચો માલ અને પેકિંગ મટીરીયલ ક્યાંથી મેળવવામાં આવતું હતું.
દારૂ ક્યાં બનાવવામાં આવતો હતો, કોને-કોને સપ્લાય કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં કેટલો નકલી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો જેવા અનેક મહત્વના સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત નકલી દારૂના સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને ગુજરાત બહાર તેની કડીઓ ક્યાં સુધી પહોંચે છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાત લોકોના મોત બાદ હવે સમગ્ર મામલાની તપાસ વધુ ગંભીર બની છે અને આવનારા દિવસોમાં પૂછપરછ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.




