Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar ST Bus Accident: ભાવનગરમાં ST બસનો ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રીના મોત, એક મહિલા ગંભીર

Bhavnagar ST Bus Accident: ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે સવારે બનેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું.
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 01:26 PM IST
Bhavnagar ST Bus Accident: ભાવનગરમાં ST બસનો ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રીના મોત, એક મહિલા ગંભીરBhavnagar ST Bus Accident: ભાવનગરમાં ST બસનો ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રીના મોત, એક મહિલા ગંભીર

Bhavnagar ST Bus Accident

Bhavnagar ST Bus Accident: ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે સવારે બનેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે કાબૂ ગુમાવી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં બેઠેલા લોકોને અડફેટે લીધા બાદ ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ફૂટપાથ પર બેઠેલી માતા અને તેમની માત્ર સાત વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બસ કાબૂ બહાર જઈ ફૂટપાથ પર ચડી

પ્રાથમિક માહિતી મુજબ, સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસ આજે સવારે ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડના મુખ્ય ગેટમાંથી બહાર નીકળી રહી હતી. આ દરમિયાન કોઈ કારણસર બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ કાબૂ બહાર જતાં સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. ત્યાં રાહ જોઈ રહેલા મુસાફરોને અડફેટે લીધા બાદ બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માતા અને 7 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત

મળતી માહિતી મુજબ સિહોર તાલુકાના રામધરી (સણોસરા) ગામના રહેવાસી લલીતાબેન ગુલાબસિંહ પરમાર (ઉં.વ. 28) પોતાની સાત વર્ષની પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમાર સાથે અંગત કામ માટે ભાવનગર આવ્યા હતા. કામ પૂર્ણ કર્યા બાદ બંને પરત ગામ જવા માટે એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન કાળ બનીને આવેલી એસ.ટી. બસે બંનેને અડફેટે લીધા હતા. ભયાનક ટક્કરમાં લલીતાબેન અને તેમની માસૂમ પુત્રી સોનિયાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અન્ય મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં મધુબેન લાલજીભાઈ વાઘેલા, રહે. ઠોડા, તા. ઉમરાળા પણ બસની ઝપેટમાં આવી ગયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની મદદથી મધુબેનને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં

અકસ્માની જાણ થતાં જ આસપાસના વેપારીઓ, રાહદારીઓ અને બસ સ્ટેન્ડમાં હાજર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માતને કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત બસને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

બસમાં બ્રેક ફેલ થઈ હતી કે ડ્રાઈવરની બેદરકારી? તપાસ શરૂ

અકસ્મતમાં બે લોકોના મોત બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બસમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બ્રેક ફેલ થવી, સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવો અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણ સહિતના તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા બસના ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

એક જ પરિવારના માતા-પુત્રીના મોતથી શોક

એક જ પરિવારના માતા અને માત્ર સાત વર્ષની પુત્રીના અકાળે મોતથી સિહોર તાલુકાના રામધરી (સણોસરા) ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસની તપાસ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]