Get News Alerts

Never miss breaking news updates.

Ankleshwar GIDC: અંકલેશ્વર GIDCમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી મુદ્દે બબાલ: વર્ષોથી વંચિત ઉદ્યોગકારો રસ્તા પર, GIDC પાસે ન્યાયની માંગ

Ankleshwar GIDC Residential Plot Allocation: અંકલેશ્વર GIDC વસાહતમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વર્ષોથી પ્લોટ માટે અરજી કરી રાહ જોઈ રહેલા, પરંતુ હજુ સુધી ફાળવણીથી વંચિત...
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 01:44 PM IST
Ankleshwar GIDC: અંકલેશ્વર GIDCમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી મુદ્દે બબાલ: વર્ષોથી વંચિત ઉદ્યોગકારો રસ્તા પર, GIDC પાસે ન્યાયની માંગAnkleshwar GIDC: અંકલેશ્વર GIDCમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી મુદ્દે બબાલ: વર્ષોથી વંચિત ઉદ્યોગકારો રસ્તા પર, GIDC પાસે ન્યાયની માંગ

Ankleshwar GIDC Residential Plot Allocation

Ankleshwar GIDC Residential Plot Allocation: અંકલેશ્વર GIDC વસાહતમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વર્ષોથી પ્લોટ માટે અરજી કરી રાહ જોઈ રહેલા, પરંતુ હજુ સુધી ફાળવણીથી વંચિત રહેલા ઉદ્યોગકારોએ હવે GIDC તંત્ર સામે લેખિત રજૂઆત કરી છે. ઉદ્યોગકારોએ પ્લોટ ફાળવણીની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા, સમાન તક અને ન્યાયસંગત પુનઃવિચારણા કરવાની માંગ ઉઠાવી છે.

ઉદ્યોગકારોનું કહેવું છે કે વર્ષ 2018 અને તે પહેલાં રેસિડેન્શિયલ પ્લોટ માટે અરજી કરનારા અનેક પાત્ર અરજદારો આજે પણ પ્લોટથી વંચિત છે. બીજી તરફ, વર્ષોથી પડતર રહેલી અથવા રિજેક્ટ થયેલી અરજીઓ અંગે પુનઃવિચારણા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

વર્ષોથી અરજી કરી, છતાં પ્લોટથી વંચિત

ગત 5 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે વર્ષ 2018 અને તે પહેલાં રેસિડેન્શિયલ પ્લોટ માટે અરજી કરનારા અનેક પાત્ર ઉદ્યોગકારોને હજુ સુધી પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. ઉદ્યોગકારોનું કહેવું છે કે જૂની અરજીઓને માત્ર પ્રક્રિયાત્મક કારણોસર પડતી મૂકવાને બદલે માનવતા અને ન્યાયના ધોરણે ફરી તપાસવામાં આવે. વર્ષોથી રાહ જોઈ રહેલા પાત્ર અરજદારોને પ્રાથમિકતા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

“કોઈનો હક છીનવવાનો ઉદ્દેશ નથી”

વંચિત ઉદ્યોગકારોએ સ્પષ્ટતા કરી છે કે તેમની રજૂઆતનો હેતુ કોઈ અધિકારી કે કર્મચારીને ફાળવવામાં આવેલા હકને છીનવવાનો નથી. પરંતુ વર્ષોથી અરજી કરીને રાહ જોઈ રહેલા પાત્ર ઉદ્યોગકારોને સમાન ન્યાય અને તક મળે તે મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવાયું છે. અંકલેશ્વર GIDCના વિકાસમાં ઉદ્યોગકારોએ મહત્વનું યોગદાન આપ્યું હોવાનો ઉલ્લેખ કરતાં ઉદ્યોગકારોએ તંત્રને સમગ્ર મામલે તાત્કાલિક અને ન્યાયપૂર્ણ નિર્ણય લેવા અપીલ કરી છે.

જૂની અને રિજેક્ટ થયેલી અરજીઓની પુનઃસમીક્ષાની માંગ

ઉદ્યોગકારોએ તેમની રજૂઆતમાં અનેક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે. જેમાં વર્ષો જૂની તેમજ રિજેક્ટ થયેલી અરજીઓની પુનઃસમીક્ષા કરવાની મુખ્ય માંગ છે. આ ઉપરાંત 1000 ચોરસ મીટરથી ઓછી જમીન ધરાવતા ઉદ્યોગકારોની અરજીઓ અંગે પણ ફરી વિચારણા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

કર્મચારીઓને થયેલી ફાળવણીની પણ તપાસની માંગ

રજૂઆતમાં GIDCના કર્મચારીઓને કરવામાં આવેલી પ્લોટ ફાળવણી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ઉદ્યોગકારોએ આવી ફાળવણીમાં પાત્રતા અને પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ એક જ ઉદ્યોગકાર અથવા કંપનીને વારંવાર લાભ આપવાને બદલે વર્ષોથી વંચિત રહેલા પાત્ર અરજદારોને પ્રથમ તક આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

આગામી પ્લોટ ફાળવણી ડ્રો સિસ્ટમથી કરવાની માંગ

ઉદ્યોગકારોએ આગામી સમયમાં ઉપલબ્ધ બાકી રહેલા રેસિડેન્શિયલ પ્લોટ માટે નવી અરજીઓ મંગાવીને સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની માંગ કરી છે. તમામ અરજદારોની યાદી જાહેર કરવામાં આવે અને ત્યારબાદ ડ્રો પ્રક્રિયા દ્વારા પ્લોટ ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ઉદ્યોગકારોના મતે આવી વ્યવસ્થાથી ફાળવણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને કોઈપણ પ્રકારના ભેદભાવ અંગેની આશંકા દૂર થઈ શકશે.

હવે GIDC તંત્રના નિર્ણય પર નજર

વર્ષોથી પ્લોટની રાહ જોઈ રહેલા ઉદ્યોગકારોની રજૂઆત બાદ હવે સમગ્ર મામલે GIDC તંત્ર શું નિર્ણય લે છે તેના પર નજર છે. જૂની અરજીઓની પુનઃસમીક્ષા, વંચિત અરજદારોને પ્રાથમિકતા, કર્મચારીઓને થયેલી ફાળવણીની તપાસ અને આગામી ફાળવણીમાં પારદર્શક ડ્રો પ્રક્રિયા અંગે ઉદ્યોગકારોએ સ્પષ્ટ માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે GIDC તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને અંકલેશ્વર GIDCમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં શું ફેરફાર કરવામાં આવે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]