Bharuch : આમોદમાં વિદ્યાર્થીઓથી ભરેલી વાન ખાડામાં ખાબકી, 10 વિદ્યાર્થી સહિત વૃદ્ધા ઈજાગ્રસ્ત



Bharuch school van
Bharuch : આમોદમાં વિદ્યાર્થીઓથી ભરેલી વાન ખાડામાં ખાબકી, 10 વિદ્યાર્થી સહિત વૃદ્ધા ઈજાગ્રસ્ત



Bharuch school van
Bharuch : દાદાપોરથી આમોદની શાહ એન.એન.એમ. ચામડિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ આવેલી મારુતિ વાન શાળા છૂટ્યા બાદ પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તાની બાજુ આવેલા ખાડામાં વાન અચાનક પલટી મારી ગઈ હતી.
વાન પલટી જતાં અંદર બેઠેલા વિદ્યાર્થીઓમાં ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વાનમાં સવાર આશરે 10 વિદ્યાર્થીઓ અને એક વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને કાદવ-કીચડથી લથપથ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડાયા
અકસ્માતમાં પ્રતિજ્ઞા ઠાકોર નામની વિદ્યાર્થીનીને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વધુ સારવારની જરૂરિયાતને પગલે તેને વડોદરા રિફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વાનચાલક દારૂના નશામાં હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે વાન કાબૂ બહાર ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, ડ્રાઇવર ખરેખર નશામાં હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આ અંગે મેડિકલ પરીક્ષણ અને પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
અકસ્માતે સ્કૂલ વાહનોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે
સ્કૂલ વાનની ફિટનેસ, ડ્રાઇવરની લાયકાત, વાહનની સ્થિતિ તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની માગ ઉઠી છે. ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમોદ તાલુકામાં વિદ્યાર્થીઓને લઈ દોડતા સ્કૂલ વાહનોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
તપાસ દરમિયાન કોઈની બેદરકારી સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Surat માં અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજને લોકોનું સમર્થન, સોસાયટી-પંડાલ બહાર લાગ્યા બેનરો

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





