વર્ષ 2018થી પડતર પ્રશ્નનો ઉકેલ: અંકલેશ્વર GIDCમાં 434 લોકોને રહેણાંક પ્લોટની ફાળવણી


Ankleshwar GIDC Residential Plot Allotment
વર્ષ 2018થી પડતર પ્રશ્નનો ઉકેલ: અંકલેશ્વર GIDCમાં 434 લોકોને રહેણાંક પ્લોટની ફાળવણી


Ankleshwar GIDC Residential Plot Allotment
Ankleshwar GIDC Residential Plot Allotment: અંકલેશ્વર GIDC રીજીયનમાં વર્ષોથી પડતર રહેણાંક પ્લોટની ફાળવણીના પ્રશ્નનો આખરે ઉકેલ આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અંકલેશ્વર મુલાકાત દરમિયાન થયેલી રજૂઆત બાદ રાજ્ય સરકારના ત્વરિત નિર્ણયથી GIDC દ્વારા પારદર્શક ઓનલાઇન ડ્રો મારફતે કુલ 174 ઉદ્યોગકારો અને 260 અધિકારી-કર્મચારીઓને રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
2018થી પેન્ડિંગ હતી અરજીઓ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રહેણાંક પ્લોટ મેળવવા માટે ઉદ્યોગકારોએ વર્ષ 2018માં ઓનલાઇન અરજીઓ કરી હતી. જોકે, આ અરજીઓ લાંબા સમયથી નિર્ણય માટે પડતર હતી. ગત 17 ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અંકલેશ્વર વસાહતની મુલાકાત દરમિયાન વસાહત મંડળ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈ નાયબ મુખ્યમંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરીને પડતર અરજીઓનો નિકાલ કરવા સૂચના આપી હતી.
ઓનલાઇન ડ્રો દ્વારા પારદર્શક ફાળવણી
આ નિર્ણય બાદ માત્ર ગણતરીના દિવસોમાં જ પ્લોટ ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. 19 ઓગસ્ટે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત મંડળના પ્રતિનિધિઓની હાજરીમાં ઓનલાઇન ડ્રો સોફ્ટવેર દ્વારા પારદર્શક રીતે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. GIDCની નીતિ મુજબ પાત્રતા ધરાવતા અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના 174 ઉદ્યોગકારોને તેમની શ્રેણી પ્રમાણે 125, 150 અને 200 ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
260 અધિકારી-કર્મચારીઓને પણ લાભ
ઉદ્યોગકારો ઉપરાંત GIDCના પાત્ર અધિકારીઓ અને કર્મચારીઓની રહેણાંક પ્લોટની માંગ પણ લાંબા સમયથી વિચારણા હેઠળ હતી. હવે 260 અધિકારી-કર્મચારીઓને પણ નિયત પાત્રતા અને વિસ્તાર મુજબ રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ 434 લાભાર્થીઓને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
400 હેક્ટરમાં વિકસિત છે રેસિડેન્શિયલ ઝોન
અંકલેશ્વર GIDC દ્વારા અંદાજે 400 હેક્ટર વિસ્તારમાં રેસિડેન્શિયલ ઝોન વિકસાવવામાં આવ્યો છે. અહીં રહેવાસીઓ માટે પીવાનું શુદ્ધ પાણી, ગુણવત્તાયુક્ત રસ્તા, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટર અને સીવેજ ગટર સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વર્ષો જૂની માંગણીનો અંત
વર્ષ 2018થી પડતર રહેલી રહેણાંક પ્લોટની માંગણીનો ઝડપી નિકાલ થતાં અંકલેશ્વરના ઉદ્યોગકારો અને GIDCના અધિકારી-કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકારના ત્વરિત નિર્ણયથી લાંબા સમયથી અટવાયેલી ફાળવણી પ્રક્રિયાને હવે અંત મળ્યો છે.




