Get News Alerts

Never miss breaking news updates.

હાંસોટ પંડવાઈ સુગર ફેક્ટરી ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલ જૂથનો દબદબો, સહકાર પેનલનો ક્લીન સ્વીપ

Pandavai Sugar Factory Election 2026: ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ ગણાતી પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ જૂથની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો છે. સહકાર પેનલે...
R Gajjar
R GajjarUpdated on: 06 Sep 2026 06:09 PM IST
હાંસોટ પંડવાઈ સુગર ફેક્ટરી ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલ જૂથનો દબદબો, સહકાર પેનલનો ક્લીન સ્વીપહાંસોટ પંડવાઈ સુગર ફેક્ટરી ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલ જૂથનો દબદબો, સહકાર પેનલનો ક્લીન સ્વીપ

Pandavai Sugar Factory Election 2026

Pandavai Sugar Factory Election 2026: ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ ગણાતી પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ જૂથની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો છે. સહકાર પેનલે તમામ 16 બેઠકો પર કબજો મેળવી ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યો છે.

તમામ 16 બેઠકો પર સહકાર પેનલનો કબજો

પંડવાઈ સુગર ફેક્ટરીની કુલ 16 બેઠકોમાંથી 14 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે બાકીની 2 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાંસોટ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પરિણામમાં અનુસૂચિત જાતિ બેઠક પરથી સહકાર પેનલના નટવર વસાવા અને કદરામા ઝોન બેઠક પરથી વિનોદ પટેલ વિજેતા બન્યા હતા.

બન્ને બેઠકોમાં પણ ભવ્ય જીત

બાકી રહેલી બંને બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના ઉમેદવારોને આશરે 85 ટકા જેટલા મત મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે સહકાર પેનલે પંડવાઈ સુગર ફેક્ટરીની તમામ 16 બેઠકો પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

પરિણામ જાહેર થતાં જ વિજય સરઘસ

ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપ અને સહકાર પેનલના કાર્યકરો તેમજ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ ડીજેના તાલ સાથે ભવ્ય વિજય સરઘસ કાઢીને જીતની ઉજવણી કરી હતી. ત્યારબાદ વિજેતા ઉમેદવારો અને સમર્થકો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્વર્ગસ્થ ઠાકોરભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પૂર્ણ

હાંસોટ મામલતદાર કચેરી અને આસપાસના વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી સહિતની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલના આ ક્લીન સ્વીપ બાદ ઈશ્વરસિંહ પટેલ જૂથનું સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ વધુ મજબૂત થયું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]