ગુજરાતની સરકારી શાળામાં AIથી દીકરીઓનું અંગ્રેજી ભણતર બન્યું રસપ્રદ, હેતલબેન રાણાને ‘શ્રેષ્ઠ શિક્ષક’ રાજ્ય પારિતોષિક


Hetalben Rana Best Teacher Award 2026
ગુજરાતની સરકારી શાળામાં AIથી દીકરીઓનું અંગ્રેજી ભણતર બન્યું રસપ્રદ, હેતલબેન રાણાને ‘શ્રેષ્ઠ શિક્ષક’ રાજ્ય પારિતોષિક


Hetalben Rana Best Teacher Award 2026
Hetalben Rana Best Teacher Award 2026: સરકારી શાળાના વર્ગખંડમાં ટેકનોલોજીનો ઉપયોગ માત્ર સ્માર્ટ ક્લાસરૂમ પૂરતો સીમિત ન રહે, પરંતુ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરે તો શિક્ષણની દિશા જ બદલાઈ શકે છે. ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકા હેતલબેન રાણાએ આ જ વિચારને સાકાર કર્યો છે. ગ્રીન સ્ક્રીન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વિવિધ ડિજિટલ એપ્લિકેશનના ઉપયોગથી તેમણે દીકરીઓ માટે અંગ્રેજી શીખવાની એક અનોખી પદ્ધતિ વિકસાવી છે.

વર્ગખંડમાં ગ્રીન સ્ક્રીનની સામે ઊભી રહીને દીકરીઓ અંગ્રેજીમાં સંવાદ બોલે છે અને અભિનય કરે છે. ત્યારબાદ AI તથા વીડિયો એપ્લિકેશનની મદદથી ગ્રીન બેકગ્રાઉન્ડ દૂર કરી તેની જગ્યાએ કાર્ટૂન પાત્રો અથવા વિવિધ સ્થળોના દૃશ્યો મૂકવામાં આવે છે. આ પ્રક્રિયાથી અંગ્રેજી બોલવાનો સંકોચ ધરાવતી દીકરીઓ કેમેરા સામે આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરવા લાગી છે. હેતલબેન રાણાએ વર્ષ 2022-23માં આ ગ્રીન સ્ક્રીન આધારિત પ્રયોગ શરૂ કર્યો હતો. તેમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા બોલવાનો આત્મવિશ્વાસ વધારવાનો હતો. પરંપરાગત રીતે પ્રશ્નનો જવાબ આપવાને બદલે વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી બોલવાનું એક નાનકડા અભિનયનો અનુભવ બની ગયું.

હેતલબેનનો ટેકનોલોજી આધારિત પ્રયોગ માત્ર ગ્રીન સ્ક્રીન પૂરતો નથી. Wordwall અને AIની મદદથી તેઓ શૈક્ષણિક રમતો પણ તૈયાર કરે છે. અગાઉ આવી રમતો તૈયાર કરવામાં કલાકો લાગતા હતા, જ્યારે AIની મદદથી હવે વિષય આધારિત રમત ઝડપથી તૈયાર કરી શકાય છે. તેમના આ પ્રયોગની ઝોન કક્ષાએ પસંદગી થઈ છે અને વિવિધ જિલ્લાઓની શાળાઓમાં પણ આ ડિજિટલ રમતોનો ઉપયોગ થઈ રહ્યો છે. વાંચન અને લેખનમાં મુશ્કેલી અનુભવતા બાળકો માટે તેમણે ‘ક’થી ‘જ્ઞ’ સુધીના મૂળાક્ષરો આધારિત FLN ડિજિટલ ગેમ્સ પણ તૈયાર કરી છે. લીડરબોર્ડની સુવિધાથી વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું છે. તેમનું ડિજિટલ કન્ટેન્ટ અન્ય શિક્ષકોની તાલીમમાં પણ ઉપયોગી બની રહ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે નવીનતા અંગે હેતલબેનના ત્રણ લેખ GCERTના ‘જીવન શિક્ષણ’ સામયિકમાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત તેમણે NCERTના ‘Mothers of Democracy’ મોડ્યુલના ચાર પુસ્તકોના ભાવાનુવાદમાં યોગદાન આપ્યું છે. દીક્ષા એપ પર ભરૂચ જિલ્લાની સ્થાનિક લોકબોલી આધારિત કોર્સ તૈયાર કરવાની ટીમમાં પણ તેમણે યોગદાન આપ્યું છે.
હેતલબેનની શિક્ષણયાત્રાની શરૂઆત વર્ષ 2007માં નેત્રંગ તાલુકાની કન્યા શાળામાં વિદ્યાસહાયક તરીકે થઈ હતી. નોકરીની સાથે અભ્યાસ ચાલુ રાખીને તેમણે અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી. વર્ષ 2013માં તેઓ પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી અને ભાષા શિક્ષક તરીકે જોડાયા. છેલ્લા 12 વર્ષથી તેઓ મનુબર પ્રાથમિક કન્યા શાળામાં સેવા આપી રહ્યા છે.
તેમની આ નવીન કામગીરીને હવે રાજ્ય સ્તરે પણ સન્માન મળ્યું છે. ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે હેતલબેન રાણાની પસંદગી કરવામાં આવી છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે. હેતલબેન માટે શિક્ષક બનવાની પ્રેરણા તેમની માતા પાસેથી મળી હતી. તેમની માતા પણ શિક્ષિકા હતાં. બાળપણથી જ શાળાનું વાતાવરણ અને ચિત્રો દ્વારા ભણાવવાની પદ્ધતિ તેમને આકર્ષતી હતી. વર્ષો બાદ આ જ શિક્ષણપ્રેમને તેમણે ટેકનોલોજી સાથે જોડીને એક નવીન મોડેલ ઊભું કર્યું છે.
હેતલબેનનું માનવું છે કે AI શિક્ષકનો વિકલ્પ નથી, પરંતુ શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને બાળકો માટે અનુકૂળ બનાવતું સાધન છે. તેમના મતે બદલાતા સમય સાથે શિક્ષકોએ પણ પોતાની જાતને સતત અપડેટ કરવી જોઈએ. વર્ગખંડની બહાર પણ હેતલબેને શાળાના વિકાસમાં યોગદાન આપ્યું છે. ગ્રામજનો અને વિદેશમાં વસતા ગ્રામજનોના સહયોગથી શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટની સુવિધા ઊભી કરવામાં મદદ કરી છે. ગ્રામ પંચાયતના સહયોગથી બ્લોક અને શેડનું નિર્માણ તેમજ શાળા પરિસરમાં ફળાઉ વૃક્ષોના વાવેતર માટે પણ પ્રયાસ કર્યા છે. આજે જે દીકરી ક્યારેક અંગ્રેજીમાં બોલતાં સંકોચ અનુભવતી હતી, તે જ દીકરી કેમેરાની સામે ઊભી રહીને અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરે છે. વીડિયો તૈયાર થયા બાદ ગ્રીન સ્ક્રીન તો અદૃશ્ય થઈ જાય છે, પરંતુ તેના કારણે ઊભો થયેલો આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓ સાથે કાયમી રહે છે.




