ભરૂચમાં 250 વર્ષ જૂની મેઘરાજાની પરંપરા યથાવત, ભોઈવાડમાં સાડા 5 ફૂટની મૂર્તિનું સ્થાપન

Bharuch Meghraj Festival: ભરૂચ શહેરની અઢી સદીથી વધુ જૂની પૌરાણિક અને સાંસ્કૃતિક પરંપરા મુજબ આ વર્ષે પણ ભોઈવાડ ખાતે મેઘરાજાની સાડા 5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે....
Rupin Bakraniya
Rupin Bakraniya
Bharuch Meghraj FestivalBharuch Meghraj Festival

Bharuch Meghraj Festival

Bharuch Meghraj Festival: ભરૂચ શહેરની અઢી સદીથી વધુ જૂની પૌરાણિક અને સાંસ્કૃતિક પરંપરા મુજબ આ વર્ષે પણ ભોઈવાડ ખાતે મેઘરાજાની સાડા 5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. દિવાસાના દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિમા સ્થાપિત કર્યા બાદ શ્રાવણ માસ દરમિયાન મેઘરાજાને વિવિધ રીતે શણગારવામાં આવી રહ્યા છે. આ વર્ષે મેઘરાજાના શણગારમાં ખાસ આદિવાસી વારલી પેઇન્ટિંગ થીમ રજૂ કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આકર્ષણ બની છે.

વારલી પેઇન્ટિંગથી થયો મેઘરાજાનો અનોખો શણગાર

મેઘરાજાને પરંપરાગત વાઘા પહેરાવવામાં આવ્યા છે, પરંતુ આ વર્ષે શણગારમાં વારલી પેઇન્ટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આદિવાસી લોકકળાની આગવી શૈલી સાથે ધાર્મિક પરંપરાનું સંયોજન જોવા મળતાં ભોઈવાડ ખાતે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. શ્રાવણ માસની વિવિધ તિથિઓ અનુસાર મેઘરાજાની પ્રતિમાને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. ખાસ કરીને છઠ્ઠ અને સાતમના દિવસનો શણગાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

છપ્પનિયા દુકાળ સાથે જોડાયેલી છે મેઘરાજાની કહાની

ભરૂચમાં મેઘરાજાની પૂજા પાછળનો ઇતિહાસ છપ્પનિયા દુકાળ સાથે જોડાયેલો હોવાનું સ્થાનિક પરંપરામાં માનવામાં આવે છે. અઢી સદીથી વધુ સમય પહેલાં વરસાદ નહીં પડતાં અને ભારે દુષ્કાળ સર્જાતા ભોઈ સમાજના લોકો દ્વારા અષાઢ વદ ચૌદશની રાત્રે માટીમાંથી મેઘરાજાની કલ્પિત પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. વરસાદ માટે મેઘરાજાની આરાધના કરવામાં આવી હતી.

મૂર્તિ ખંડિત કરવાની ચીમકી અને પછી વરસ્યો વરસાદ

સ્થાનિક લોકવાયકા મુજબ લાંબા સમય સુધી વરસાદ ન વરસતા લોકોમાં રોષ ફેલાયો હતો. તેમની વિનવણી છતાં વરસાદ ન પડતાં મેઘરાજાની મૂર્તિ ખંડિત કરવાની ચીમકી આપવામાં આવી હતી. લોકકથા અનુસાર આ ચીમકી બાદ જ મળસ્કે અચાનક હવામાન પલટાયું અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ ઘટનાને મેઘરાજાની કૃપા સાથે જોડવામાં આવી છે. આ પછીથી ભરૂચમાં દર વર્ષે દિવાસાની રાત્રે મેઘરાજાની પ્રતિમા સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ અને આજે પણ આ પરંપરા અવિરત ચાલી રહી છે.

ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિનો સંગમ

મેઘરાજા ઉત્સવ ભરૂચમાં માત્ર ધાર્મિક આસ્થા પૂરતો મર્યાદિત નથી. તેની સાથે સ્થાનિક લોકપરંપરા, કલા અને સાંસ્કૃતિક વારસો પણ જોડાયેલો છે. આ વર્ષે વારલી પેઇન્ટિંગ આધારિત શણગાર દ્વારા આદિવાસી લોકકળા અને ભરૂચની પૌરાણિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જેના કારણે મેઘરાજાના દર્શન માટે ભોઈવાડમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે.