Get News Alerts

Never miss breaking news updates.

ભરૂચના લુવારામાં 500 એકર જમીન જળમગ્ન, NHAIની કામગીરી સામે ખેડૂતોમાં રોષ

Bharuch Luwara Waterlogging: ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે અને વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો છે, તેમ છતાં ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં આશરે 500 એકર ફળદ્રુપ જમીન હજુ...
R Gajjar
R GajjarUpdated on: 31 Aug 2026 07:35 PM IST
ભરૂચના લુવારામાં 500 એકર જમીન જળમગ્ન, NHAIની કામગીરી સામે ખેડૂતોમાં રોષભરૂચના લુવારામાં 500 એકર જમીન જળમગ્ન, NHAIની કામગીરી સામે ખેડૂતોમાં રોષ

Bharuch Luwara Waterlogging

Bharuch Luwara Waterlogging: ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે અને વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો છે, તેમ છતાં ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં આશરે 500 એકર ફળદ્રુપ જમીન હજુ પણ પાણીમાં ગરકાવ છે. ખેતરોમાં કેડસમા પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચાલુ સિઝનમાં વાવણી સહિતનું ખેતીકામ કરી શક્યા નથી. લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

3 ગામનું પાણી લુવારામાં ભરાયું

સ્થાનિક ખેડૂત ઇમરાન પટેલના જણાવ્યા મુજબ, કવિથા, ઓસારા અને હલદરવા ગામનું વરસાદી પાણી કુદરતી રીતે લુવારાની સીમમાંથી પસાર થાય છે. અગાઉ ગુરુદ્વારાથી લુવારા નાળા સુધી પાણીના નિકાલ માટે જૂની ગટર વ્યવસ્થા હતી. પરંતુ નેશનલ હાઇવે પર નવા બ્રિજની કામગીરી દરમિયાન જૂની ગટર પુરાઈ જતાં પાણીના કુદરતી નિકાલનો માર્ગ બંધ થઈ ગયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.

ખેતરના લેવલથી 3 ફૂટ ઊંચી ગટર બનતા મુશ્કેલી

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, જૂની ગટર પુરાયા બાદ હાઇવે ઓથોરિટી દ્વારા નવી ગટર બનાવવામાં આવી છે. આ ગટરનું લેવલ ખેતરોના લેવલ કરતાં આશરે 3 ફૂટ ઊંચું હોવાથી ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામે વરસાદી પાણી ખેતરોમાં જ ભરાઈ રહ્યું છે અને આશરે 500 એકર જમીન લાંબા સમયથી જળમગ્ન છે.

10 દિવસની ખાતરી, 30 દિવસ બાદ પણ કામગીરી નહીં

આ સમસ્યાને લઈને એક મહિના અગાઉ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ SDM, મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ અને સ્થાનિક ભાજપના આગેવાનોએ સ્થળ તપાસ કરી હતી. તે સમયે અધિકારીઓ દ્વારા 10 દિવસની અંદર ગટર ખોદીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ 30 દિવસ વીતી ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતરી આપ્યા બાદ પણ તંત્રના અધિકારીઓ ફરીથી સ્થળ પર આવ્યા નથી.

બે સિઝનનો પાક ગુમાવવાનો ભય

ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી ખેડૂતોને આગામી શિયાળુ સિઝનમાં પણ ખેતી કરવી મુશ્કેલ બની શકે છે. જો સમયસર પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને સતત બે સિઝનનો પાક ગુમાવવાનો વારો આવી શકે છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ છે.

ખેડૂતોની તંત્ર સમક્ષ ઉગ્ર માંગ

લુવારાના ખેડૂતોએ હાઇવે ઓથોરિટી અને જિલ્લા તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે જૂની ગટર વ્યવસ્થાને તાત્કાલિક ઊંડી કરીને ખુલ્લી કરવામાં આવે અને ત્રણ ગામના વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]