Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વર NH-48 પર અકસ્માતો રોકવા તંત્ર એક્શન મોડમાં, 6 બ્લેક સ્પોટનો સર્વે

Ankleshwar NH48 Black Spots: નેશનલ હાઇવે-48 પર સતત વધી રહેલા અકસ્માતોને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અંકલેશ્વર નજીક અકસ્માત ઝોન નિવારવા માટે પોલીસ, RTO અને NHAIની સંયુક્ત ટીમે 6...
R Gajjar
R GajjarUpdated on: 31 Aug 2026 07:27 PM IST
અંકલેશ્વર NH-48 પર અકસ્માતો રોકવા તંત્ર એક્શન મોડમાં, 6 બ્લેક સ્પોટનો સર્વેઅંકલેશ્વર NH-48 પર અકસ્માતો રોકવા તંત્ર એક્શન મોડમાં, 6 બ્લેક સ્પોટનો સર્વે

Ankleshwar NH48 Black Spots

Ankleshwar NH48 Black Spots: નેશનલ હાઇવે-48 પર સતત વધી રહેલા અકસ્માતોને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અંકલેશ્વર નજીક અકસ્માત ઝોન નિવારવા માટે પોલીસ, RTO અને NHAIની સંયુક્ત ટીમે 6 બ્લેક સ્પોટની સ્થળ તપાસ કરી હતી. સર્વે બાદ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે તાત્કાલિક પગલાં ભરવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

6 બ્લેક સ્પોટ પર સંયુક્ત ટીમનો સર્વે

પાનોલી, અંકલેશ્વર રૂરલ અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા NH-48 પર ગંભીર અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. જેને પગલે સંયુક્ત ટીમે નવજીવન હોટલ, બાકરોલ બ્રિજ, મોતાલી પાટિયા, અમરાવતી બ્રિજ અને ખરોડ ચોકડી સહિત 6 સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ તપાસ બાદ યોજાયેલી બેઠકમાં અકસ્માત નિવારણ માટેની કામગીરી અંગે વિગતવાર ‘મિનિટ્સ નોટ’ પણ તૈયાર કરવામાં આવી હતી.

નવજીવન હોટલ યુ-ટર્ન સૌથી જોખમી

નવજીવન હોટલના યુ-ટર્ન પાસે અકસ્માતોની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ગત એક મહિનામાં અહીં 4 અકસ્માત થયા હતા, જેમાંથી 3 અકસ્માત જીવલેણ નીપજ્યા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઇવે પર અકસ્માતોની શક્યતા ઘટાડવા માટે અહીં ખાસ સુરક્ષા પગલાં ભરવાનો નિર્ણય લેવાયો છે.

રમ્બલ સ્ટ્રિપથી ગાર્ડ રેલિંગ સુધીની વ્યવસ્થા

ડીવાયએસપી ડૉ. કુશળ ઓઝાના જણાવ્યા મુજબ નવજીવન હોટલ કટ પાસે રમ્બલ સ્ટ્રિપ, યોગ્ય સાઇનબોર્ડ, યુ-ટર્ન બોર્ડ અને ગાર્ડ રેલિંગ લગાવવામાં આવશે. આ ઉપરાંત સર્વિસ રોડને ખુલ્લો કરવા માટે માર્ગમાં નડતરરૂપ વીજ ટ્રાન્સફોર્મર હટાવવાની કામગીરી પણ કરવામાં આવશે. આ પગલાંથી વાહનચાલકોને યુ-ટર્ન અને જોખમી સ્થળો અંગે અગાઉથી ચેતવણી મળી રહે અને અકસ્માતો અટકાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

3 વર્ષમાં 901 લોકોનાં મોત

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સ્થિતિ ચિંતાજનક હોવાનું આંકડા પરથી સામે આવ્યું છે. વર્ષ 2023થી 2025 દરમિયાન જિલ્લામાં કુલ 1,672 અકસ્માતોમાં 901 લોકોનાં મોત થયા છે.

વર્ષ

કુલ અકસ્માત

મૃત્યુ

2023

601

292

2024

516

294

2025

555

315

આંકડા દર્શાવે છે કે 2023ની સરખામણીએ 2025માં અકસ્માતોની સંખ્યા ઘટેલી હોવા છતાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. ખાસ કરીને 2025માં 315 લોકોનાં મોત નોંધાયા હતા, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.

‘બ્લેક સ્પોટ’ એટલે શું?

માર્ગ સુરક્ષા પ્રોટોકોલ મુજબ નેશનલ હાઇવે અથવા મુખ્ય માર્ગ પર એવું સ્થળ જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં 5થી વધુ અકસ્માત થયા હોય અથવા 10થી વધુ લોકોનાં મૃત્યુ થયા હોય, તેને ‘બ્લેક સ્પોટ’ તરીકે ઓળખવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં 9 બ્લેક સ્પોટ

ભરૂચ જિલ્લામાં ઓળખાયેલા મુખ્ય બ્લેક સ્પોટમાં

  • ભૂખી ખાડી

  • લુવારા પાટિયા

  • ઝાડેશ્વર ચોકડી

  • મુલદ ચોકડી

  • અમરાવતી ખાડી

  • વર્ષા હોટલ યુ-ટર્ન

  • નવજીવન હોટલ

  • ખરોડ ચોકડી

  • નિલેશ ચોકડી

હવે NH-48 પરના જોખમી સ્થળોએ જરૂરી માળખાકીય સુધારા અને ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરીને અકસ્માતો ઘટાડવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]