અંકલેશ્વર તંત્ર એક્શનમાં: 7 હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ, બેનસન હોટલ સીલ


Anklеshwar Hotel Checking
અંકલેશ્વર તંત્ર એક્શનમાં: 7 હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ, બેનસન હોટલ સીલ


Anklеshwar Hotel Checking
Anklеshwar Hotel Checking: ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ડીવાયએસપી, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની સંયુક્ત ટીમે હાઇવે અને GIDC વિસ્તારમાં આવેલી હોટલો તથા ખાદ્ય સામગ્રીના એકમોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
7 હોટલમાં તંત્રનું મેગા ચેકિંગ
અંકલેશ્વર શહેર, GIDC અને નેશનલ હાઇવે વિસ્તારમાં તંત્રની ટીમ દ્વારા અચાનક તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટના રસોડા, સ્ટોરેજ રૂમ તથા ખાદ્ય સામગ્રીની જાળવણીની વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મામલતદારની ટીમ દ્વારા કુલ 7 હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા, રસોડાની સ્થિતિ, સ્ટોરેજ વ્યવસ્થા અને નિયમોના પાલન અંગે તપાસ કરવામાં આવી હતી.
અસ્વચ્છતા મળતાં બેનસન હોટલ સીલ
ચેકિંગ દરમિયાન નેશનલ હાઇવે પર અમરતપરા નજીક આવેલી બેનસન હોટલમાં ભારે અસ્વચ્છતા અને ગંદકી જોવા મળતા તંત્રએ સ્થળ પર જ હોટલને સીલ કરી દીધી હતી. અધિકારીઓની તપાસમાં હોટલની સ્વચ્છતા અને જાળવણીને લઈને ગંભીર ક્ષતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
10થી વધુ હોટલ અને એકમોને નોટિસ
આ કાર્યવાહી દરમિયાન અન્ય 10થી વધુ હોટલ અને ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા એકમોને પણ ક્ષતિઓ બદલ નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા સંબંધિત એકમોને નિયમોનું પાલન કરવા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તથા સ્વચ્છતા જાળવવા અંગે સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓનો મોટો કાફલો મેદાનમાં
આ મેગા ચેકિંગમાં મામલતદાર રાજન વસાવા, ડીવાયએસપી ડો. કુશલ ઓઝા, નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત પોલીસ, નગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા. ટીમ દ્વારા હાઇવે અને GIDC વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તંત્રની આ અચાનક કાર્યવાહીને પગલે હોટલ અને ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ દોડધામ જોવા મળી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બાદ સ્થાનિક તંત્ર પણ એક્શન મોડમાં
રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યને લઈને કાર્યવાહી ચાલી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બાદ હવે અંકલેશ્વરનું તાલુકા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી કોઈપણ પ્રકારની બેદરકારી અથવા નિયમોના ભંગને સહન કરવામાં આવશે નહીં.
આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે
અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ-ફરસાણની દુકાનો અને ખાદ્ય સામગ્રીના વેપારી એકમોમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે જરૂરિયાત મુજબ વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બેનસન હોટલને સીલ કરવાની કાર્યવાહી બાદ હવે અન્ય એકમોમાં પણ તંત્રની નજર રહેશે.




