Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વરમાં નશાની નવી પેટર્નથી ચકચાર: સારંગપુરમાં બે યુવકોના શંકાસ્પદ મોત, એકની હાલત ગંભીર

Ankleshwar Drug Overdose Death: અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં બે યુવકોના શંકાસ્પદ સંજોગોમાં મોત અને અન્ય એક યુવકની ગંભીર તબિયતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ, પેઈનકિલર દવાના ઓવરડોઝ...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 06:49 PM IST
અંકલેશ્વરમાં નશાની નવી પેટર્નથી ચકચાર: સારંગપુરમાં બે યુવકોના શંકાસ્પદ મોત, એકની હાલત ગંભીરઅંકલેશ્વરમાં નશાની નવી પેટર્નથી ચકચાર: સારંગપુરમાં બે યુવકોના શંકાસ્પદ મોત, એકની હાલત ગંભીર

Ankleshwar Drug Overdose Death

Ankleshwar Drug Overdose Death: અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં બે યુવકોના શંકાસ્પદ સંજોગોમાં મોત અને અન્ય એક યુવકની ગંભીર તબિયતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ, પેઈનકિલર દવાના ઓવરડોઝ અથવા નશાકારક પદાર્થના સેવનને કારણે યુવકોની તબિયત લથડી હોવાની આશંકા છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. મૃતકોની ઓળખ ફરમાન અલી (24) અને રાહુલ સિંગ (25), બંને રહે. જીતાલી તરીકે થઈ છે. ઘટનામાં બીજો એક યુવક ગંભીર રીતે બીમાર પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રેલવે લાઈન નજીકથી શંકાસ્પદ સામગ્રી મળી

ઘટના બાદ રેલવે લાઈન નજીક તપાસ દરમિયાન પોલીસને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી હોવાનું સામે આવ્યું છે. સ્થળ પરથી સિગારેટ, નશાકારક પદાર્થ અને ખાલી પોલિથીનની નાની થેલીઓ મળી હોવાની માહિતી છે. પોલીસ દ્વારા કેટલીક શંકાસ્પદ સામગ્રી કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં નશા માટે ઇન્જેક્શન અથવા સિરીંજનો ઉપયોગ થયો હોવાની ચર્ચા છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. પોલીસે સમગ્ર મામલે તમામ શક્ય પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

પરિવારનો નશા અથવા ઇન્જેક્શન આપ્યાનો આક્ષેપ

મૃતક ફરમાન અલીના પિતા મુમતાજ અલીએ આક્ષેપ કર્યો હતો કે તેમનો પુત્ર રાત્રે જન્મદિવસની પાર્ટી હોવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે રેલવે લાઈન તરફ ગયો હતો. પરિવારને આશંકા છે કે ત્યાં કોઈ નશાકારક પદાર્થનું સેવન કરાયું અથવા કોઈએ ઇન્જેક્શન આપ્યું હોઈ શકે છે. પરિવારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પેનલ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ

અંકલેશ્વરના ડીવાયએસપી ડૉ. કુશળ ઓઝાના જણાવ્યા મુજબ, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કાર્ડિયાક અરેસ્ટની નોંધ થઈ છે. સચોટ કારણ જાણવા માટે વિસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે અને એફએસએલ મારફતે વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસે અકસ્મિક મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

નશાની નવી પેટર્નને લઈને ચિંતા

અંકલેશ્વરના કેટલાક વિસ્તારોમાં દારૂ અને અન્ય નશાકારક પદાર્થો ઉપરાંત પેઈનકિલર દવાઓ અને ઇન્જેક્શનના દુરુપયોગ અંગે પણ ચર્ચા થઈ રહી છે. પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓનો નશા માટે દુરુપયોગ થતો હોવાના આક્ષેપો વચ્ચે પોલીસ અને સંબંધિત તંત્ર માટે આવા કિસ્સાઓની તપાસ મહત્વપૂર્ણ બની છે. હાલ સારંગપુરની આ ઘટનામાં પેઈનકિલર ઓવરડોઝ, નશાકારક પદાર્થ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. એફએસએલ અને પોસ્ટમોર્ટમના અંતિમ તારણ બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]