Ambaji : ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંકલ્પ, અંબાજી પદયાત્રા માટે GPCBની ખાસ પર્યાવરણ યાત્રા, વાંચો Inside Story



Ambaji
Ambaji : ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંકલ્પ, અંબાજી પદયાત્રા માટે GPCBની ખાસ પર્યાવરણ યાત્રા, વાંચો Inside Story



Ambaji
Ambaji પદયાત્રાના માર્ગ પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ યાત્રાળુઓમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ અને 2 લાખ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવીણ માળી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ સેરેમની દ્વારા સ્વચ્છતા અને જનજાગૃતિની કામગીરીને પ્રસ્થાન કરાવ્યું હતું.
70 ટન કચરાના અનુભવ બાદ નવો સંકલ્પ
આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અંબાજી માતાના દર્શન માટે શ્રદ્ધાથી જતા સમયે ધરતીમાતા પ્રત્યેની જવાબદારી પણ યાદ રાખવી જોઈએ. તેમણે બાળકોને નાનપણથી જ સ્વચ્છતાના સંસ્કાર આપવા અને કચરો જ્યાં-ત્યાં ન ફેંકી ડસ્ટબિનમાં જ નાખવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ યાત્રાના કેન્દ્રબિંદુ તરીકે ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’ રાખવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે અંબાજી પદયાત્રા દરમિયાન 70 ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
આગામી વર્ષોમાં કચરો એકત્ર કરવાની જરૂર જ ન પડે તેવો સંકલ્પ કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. આ સ્વચ્છ પર્યાવરણ યાત્રામાં 125 સ્વયંસેવકો જોડાશે. સાઇકલ અને ઈલેક્ટ્રિક વાહનોની મદદથી પદયાત્રાના માર્ગ પરથી કચરો એકત્ર કરવામાં આવશે. યાત્રાળુઓને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
અંબાજી પદયાત્રામાં કચરા સામે મોટું અભિયાન
અભિયાન હેઠળ યાત્રાળુઓ દ્વારા 10 વપરાયેલી પ્લાસ્ટિક બોટલ જમા કરાવવાના બદલામાં 750 મિલીલીટરની સ્ટીલ બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત ‘આ હાથ કચરો નહીં ફેંકે’ ટેગલાઇન સાથે આશરે 4 લાખ હેન્ડબેન્ડનું વિતરણ કરવામાં આવશે. GPCBના અધ્યક્ષ આર.બી. બારડે સ્વાગત પ્રવચનમાં સમગ્ર અભિયાનની રૂપરેખા રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘આંખ આ રમ્ય છે.
પૃથ્વી આ ધન્ય છે’ કવિતા પર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી. સ્વચ્છતાગ્રહી બહેનોને મિલેટ્સ કીટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. GPCB દ્વારા વર્ષ 2011થી વિવિધ સંસ્થાઓની ભાગીદારીથી પદયાત્રાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની જવાબદારી નિભાવવાનો છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





