Get News Alerts

Never miss breaking news updates.

Ambaji Bhadarvi Poonam Mela 2026 : તડકો-વરસાદની ચિંતા નહીં, અંબાજીમાં પદયાત્રીઓ માટે વિશાળ AC વિશ્રામ ડોમ તૈયાર

Ambaji Bhadarvi Poonam Mela 2026 : વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન દેશભરમાંથી આવતા લાખો માઈભક્તોને મોટી રાહત મળે તે માટે વિશાળ વિશ્રામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 21 Sep 2026 07:57 AM IST
Ambaji Bhadarvi Poonam Mela 2026 : તડકો-વરસાદની ચિંતા નહીં, અંબાજીમાં પદયાત્રીઓ માટે વિશાળ AC વિશ્રામ ડોમ તૈયારAmbaji Bhadarvi Poonam Mela 2026 : તડકો-વરસાદની ચિંતા નહીં, અંબાજીમાં પદયાત્રીઓ માટે વિશાળ AC વિશ્રામ ડોમ તૈયાર

Ambaji Bhadarvi Poonam Mela 2026 :

Ambaji Bhadarvi Poonam Mela 2026 : લાંબી પદયાત્રા કરીને અંબાજી પહોંચતા યાત્રિકોને તડકો, વરસાદ અને થાકથી રાહત આપવા મંદિર પરિસરની નજીક વિશાળ એર-કન્ડિશન્ડ અને વોટરપ્રૂફ વિશ્રામ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વિશ્રામ ડોમમાં યાત્રિકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા સાથે ગાદલા અને ઓશીકાંની સુવિધા પણ ઉપલબ્ધ છે.

અંબાજીમાં ભકિતનો સંગમ

આ ઉપરાંત અહીં ઠંડા પીવાના પાણી, પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તથા સામાન રાખવા માટે ડિજિટલ લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારની સુરક્ષા માટે CCTVની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ઈમરજન્સી પરિસ્થિતિમાં યાત્રિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે પ્રાથમિક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને દૂર-દૂરથી પગપાળા આવતા સંઘો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે આ વિશ્રામ ડોમ રાહતરૂપ બની રહ્યો છે.

માત્ર અંબાજીમાં જ નહીં, પરંતુ યાત્રિકોને રસ્તામાં પણ આરામ મળી રહે તે માટે વિવિધ માર્ગો પર અંદાજે 20 જેટલા હંગામી વિશ્રામ મંડપો અને વિસામા ઉભા કરવામાં આવ્યા છે. અંબાજી-હડાદ રોડ, અંબાજી-દાંતા રોડ, અંબાજી ગામ અને ગબ્બર રોડ સહિતના વિવિધ સ્થળોએ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

માઈભકતોને મળી રહી છે વિશેષ સુવિધા

કામાક્ષી મંદિર સંકુલ, હડાદ પોલીસ સ્ટેશન આસપાસ, દાંતા રોડ, જૂની કોલેજનું મેદાન, દિવાળીબા વિસ્તાર, હરણેશ્વર મંદિર, 51 શક્તિપીઠ સર્કલ, ગબ્બર રોડ પાર્કિંગ અને આપેશ્વર મહાદેવ મંદિર જેવા સ્થળોએ પણ યાત્રિકો માટે વિસામાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત પોલીસ આવાસ અને સફાઈ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ માટે પણ અલગ વિશ્રામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થાનો હેતુ પદયાત્રીઓની યાત્રાને વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે. યાત્રિકોના જણાવ્યા મુજબ, વિસામા સ્થળોએ ખાટલા, તકિયા, સામાન રાખવાની જગ્યા અને મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓથી લાંબી યાત્રા બાદ મોટી રાહત મળી રહી છે.

કેટલાક યાત્રિકોએ આ વ્યવસ્થાને ઘર જેવી સુવિધા ગણાવી છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્રામ ડોમ સહિત તમામ સ્થળોએ સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મા અંબાના દર્શને આવતા માઈભક્તોને શ્રદ્ધા સાથે સુવિધા અને સુરક્ષાનો અનુભવ મળે તે માટે સમગ્ર તંત્ર સજ્જ છે.

આ પણ વાંચો : Ambaji Bhadarvi Poonam Mela : અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો માઈભક્તો ઉમટશે

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે