બનાસકાંઠામાં શિક્ષકે જ સાથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવ્યો, 5 લાખની ખંડણી!


Banaskantha Teacher Honey Trap Case
બનાસકાંઠામાં શિક્ષકે જ સાથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવ્યો, 5 લાખની ખંડણી!


Banaskantha Teacher Honey Trap Case
Banaskantha Teacher Honey Trap Case: બનાસકાંઠા જિલ્લામાં મિત્રતાના સંબંધનો ગેરલાભ ઉઠાવી સાથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી ખંડણી પડાવવાના કથિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દાંતા પંથકમાં સરકારી શાળાના શિક્ષકને યુવતી મારફતે બાલારામના જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યાનો આરોપ છે. આ સમગ્ર મામલે બનાસકાંઠા LCBએ કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.

જૂની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી ષડયંત્ર રચ્યાનો આરોપ
પોલીસની માહિતી મુજબ, આ કેસમાં પાલનપુરની ખાનગી શાળાના પૂર્વ શિક્ષક મહેબૂબ ખાનને સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવી રહ્યો છે. ફરિયાદી શિક્ષક અગાઉ પાલનપુરની ખાનગી શાળામાં મહેબૂબ ખાન સાથે નોકરી કરતા હતા. જૂની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી મહેબૂબ ખાને અન્ય સાગરીતો સાથે મળીને શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાનું કથિત ષડયંત્ર રચ્યું હતું.
યુવતી શિક્ષકને બાલારામના જંગલમાં લઈ ગઈ
આરોપ મુજબ, સમગ્ર યોજના પ્રમાણે એક મહિલાએ ફરિયાદી શિક્ષકનો સંપર્ક કર્યો હતો અને તેમને બાલારામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં લઈ ગઈ હતી. અહીં અગાઉથી ગોઠવાયેલા અન્ય આરોપીઓએ આવીને શિક્ષકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીના આધારે ટોળકીએ શિક્ષક પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ છે.
રોકડ અને ઓનલાઈન ટ્રાન્સફરથી 1.15 લાખ પડાવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, ભયના કારણે ફરિયાદી શિક્ષકે રોકડ અને ઓનલાઈન ટ્રાન્સફર મારફતે કુલ 1.15 લાખ રૂપિયા આરોપીઓને આપ્યા હતા. ત્યારબાદ પોતાને ખાનગી ન્યૂઝ ચેનલનો પત્રકાર ગણાવનાર મુજાહિદ ખાને ફરિયાદીને કથિત રીતે ન્યૂઝની એક લિંક મોકલી હતી. સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી તેની પાસેથી વધુ 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આરોપ છે.
શિક્ષકને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો
સમગ્ર ઘટનામાં પોતે હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની શંકા જતા ફરિયાદી શિક્ષકે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બનાસકાંઠા LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે મહેબૂબ ખાન, સલીમ ખાન અને નરસિંહ રાવળની અટકાયત કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર
આ કેસમાં યુવતી આશા શર્મા, ઈકો કારનો ચાલક શ્રવણ રાવળ અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવનાર મુજાહિદ ખાન હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્રણેયને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓ પૈકી નરસિંહ રાવળ સામે અગાઉ દિયોદર અને છાપી પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપના ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આરોપી સલીમ ખાન સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિને પણ આ પ્રકારના હનીટ્રેપનો શિકાર બનાવી રૂપિયા પડાવ્યા હતા કે કેમ.
શિક્ષક જ હનીટ્રેપનો સૂત્રધાર હોવાના આરોપથી ચકચાર
બાળકોને નીતિમત્તા અને શિક્ષણના પાઠ ભણાવતા શિક્ષક પર જ સાથી શિક્ષકને કથિત રીતે હનીટ્રેપમાં ફસાવવાના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ સમગ્ર હનીટ્રેપ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.




