Banaskantha : આંગણવાડીની બહેનોમાં સરકાર વિરૂદ્ધ ભારે રોષ, AVT એન્ટ્રીની મુશ્કેલીઓ અને પગારના મુદ્દે આંદોલનની ચીમકી


Banaskantha
Banaskantha : આંગણવાડીની બહેનોમાં સરકાર વિરૂદ્ધ ભારે રોષ, AVT એન્ટ્રીની મુશ્કેલીઓ અને પગારના મુદ્દે આંદોલનની ચીમકી


Banaskantha
Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓની મુશ્કેલીઓ અને પડતર માગણીઓને લઈને અસંતોષ વધી રહ્યો છે. AVT એન્ટ્રીની કામગીરીમાં પડતી મુશ્કેલીઓ, નેટવર્કની સમસ્યા, પગારની માગણી અને વારંવાર મળતી નોટિસો તથા ધમકીઓના આક્ષેપોને લઈને આંગણવાડી બહેનો હવે સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં છે. આ મુદ્દે બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘની બેઠક યોજાઈ હતી, જેમાં 200થી વધુ બહેનોએ હાજર રહી પોતાની સમસ્યાઓ અને માગણીઓ રજૂ કરી હતી.
₹24,800ના પૂર્ણ પગારની માગ
આંગણવાડી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટ દ્વારા ₹24,800ના પૂર્ણ પગાર અંગેનો હુકમ હોવા છતાં તેનો અમલ હજુ સુધી કરવામાં આવ્યો નથી. કર્મચારીઓએ સંબંધિત પડતર હુકમ રદ કરવાની અથવા તેમાં જરૂરી કાર્યવાહી કરીને તેનો અમલ કરવાની માંગ ઉઠાવી છે. પગારના મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તેમની માગણી છે.
AVT એન્ટ્રીમાં નેટવર્કની સમસ્યા
આંગણવાડી બહેનોની બીજી મુખ્ય ફરિયાદ AVT એન્ટ્રીની કામગીરીને લઈને છે. તેમના જણાવ્યા મુજબ, AVT એન્ટ્રી કરવા માટે સતત દબાણ કરવામાં આવે છે, પરંતુ અનેક સ્થળોએ નેટવર્કની સમસ્યાને કારણે કામગીરી પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે. આથી બહેનોએ યોગ્ય 5G નેટવર્ક ધરાવતું સિમકાર્ડ અથવા નેટવર્કની સુવિધા પૂરી પાડવાની માંગ કરી છે.
નોટિસ અને ધમકીઓથી કર્મચારીઓમાં નારાજગી
કર્મચારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કામગીરીના મુદ્દે વારંવાર નોટિસ આપવામાં આવે છે અને નોકરીમાંથી છૂટા કરવાની ધમકીઓ અપાય છે. આવી પરિસ્થિતિને કારણે બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બેઠકમાં હાજર બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે તેમની માગણીઓનો ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. જરૂર પડ્યે હડતાળ પર ઉતરીને પોતાના હક્ક માટે લડત આપવાની પણ તૈયારી દર્શાવી હતી. હવે આંગણવાડી કર્મચારીઓની માગણીઓ અંગે સરકાર અને સંબંધિત વિભાગો શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. જોકે, કર્મચારીઓના આક્ષેપો અને માગણીઓ અંગે સરકારનો સત્તાવાર પ્રતિભાવ મળવો બાકી છે.
આ પણ વાંચો : Nadiad : મનપાનું મજબૂત નાણાકીય આયોજન, વર્ષ 2026-27 માટે ₹148.77 કરોડનું ફંડ અનામત





